Rathyatra 2023 : ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન જગન્નાથની ફુરજા બંદરેથી અઢી સૈકાથી ભોઈ સમાજ દ્વારા નીકળતી ઐતિહાસિક રથયાત્રા(Rath Yatra) સાથે ઉડીયા સમાજ અને ઇસ્કોન દ્વારા, અંકલેશ્વર અને આમોદમાંથી રથયાત્રા આ વખતે નિકળનારી છે. ભરૂચ શહેરની 3, અંકલેશ્વરની 2 અને આમોદની 1 રથયાત્રામાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતિકસમી રથયાત્રા 250 વર્ષ પહેલા ભરૂચમાં ફૂરજા બંદરેથી નીકળી હતી. ભરૂચમાં 17 મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું જે આજે આસ્થાનું એક પ્રતિક માનવામાં આવે છે.
જગન્નાથજીનાં મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના વડીલો પાસેથી મળતી માહિતી મુજબ ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજૂરી તથા અન્ય કામ કરતાં હતાં. અહીં વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. અમદાવાદની યાત્રા માટે ભરૂચનાં ખલાસીઓએજ રથ બનાવ્યા હતા. દેશ-વિદેશના મોટા મોટા વહાણ અહીં લંગારાતા હતા. ફુરજાના બંદરે ભોઈ લોકો વહાણોના સમાન ઉતારવા અને ચઢાવાનું કામ કરતા હતા. ફુરજા બંદર નજીક જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આ લોકો આરામ કરતા હતા. આ સમયે ઓરિસ્સાથી આવેલા જહાજોના મજુરો પણ સાથે વિશ્રામ કરતા હતા. આ બંને પ્રાંતના શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર બનાવવામાં આવે જ્યાં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગવાથી રોજગાર સારો મળશે તેવી શ્રદ્ધા હતી.
ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું. આ અહીં ફુરજા વિસ્તારની માટી ઉપયોગમાં લેવામાં આવી હતી. ભરૂચનું બંદર નારિયેળના વેપાર માટે જાણીતું હતું. અહી નાળિયેરનો વેપાર થતોહોવાથી નાળિયેરના રેસા અને માટીના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી હતી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ કરાયું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.
ભરૂચ જિલ્લા ભોઈ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ જાદવે ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રા સાથે ભરૂચનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે. ભરૂચમાં લગભગ 260 વર્ષથી રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે. ભરૂચના ભોઈ સમાજ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
મંગળવારે અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભરૂચ ફુરજા ખાતેથી નિકળનાર છે. આ રથયાત્રા કોમી એખલાસ વચ્ચે શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક SP ડો.લીના પાટીલની આગેવાની હેઠળ DYSP, LCB, SOG, A,B, C તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફ્લેગમાર્ચમાં અંદાજીત 100 થી વધુ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. રથયાત્રા પર્વને લઈ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે જરૂરી બંદોબસ્ત જાળવવામાં આવશે.
ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:11 pm, Mon, 19 June 23