Rajkot: કેમિકલ માફિયાઓ બેફામ, મેટોડાની ફેક્ટરીમાંથી છોડાતા પ્રદૂષિત પાણીથી ખેતીના પાકને પારાવાર નુકસાન, GPCBની કામગીરી સામે સવાલ
Rajkot: મેટોડા GIDC નજીક આવેલી ફેક્ટરીમાંથી છોડાતા કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોના પાકને પારવાર નુકસાન પહોંચી રહ્યુ છે. પ્રદૂષિત પાણીને કારણે લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ઢોરઢાંખર પણ પ્રદૂષિત પાણીને કારણે રોગોનો શિકાર બની રહ્યા છે. આ અંગે ખેડૂતો દ્વારા અનેક રજૂઆત કરાઈ હોવા છતા GPCB આંખ આડા કાન કરી રહ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેમિકલ માફિયાઓ સાથે GPCBની મીલીભગત હોવાથી કોઈ તેમની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી.
Rajkot: એક તરફ ભર ચોમાસે 50-50 દિવસ વરસાદ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, નદી નાળાઓ સુકાઈ ગયા હતા અને ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની અણીએ આવીને ઊભો હતો અને કેટલાક ખેડૂતોનો તો પાક નિષ્ફળ પણ ગયો છે. બીજી તરફ ફરી એકવાર વરસાદ તો આવ્યો, પરંતુ લોધિકા તાલુકાના મેટોડા GIDC નજીક આવેલા રાતૈયા ગામમાં સ્થાનિક નદીમાં ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવેલું કેમિકલયુક્ત પાણી પણ વરસાદી પાણી સાથે ભળી જઈને ખેતરોમાં આવ્યુ. વરસાદ આવતા મોટા પ્રમાણમાં ફીણ યુક્ત પાણી વહેવા લાગ્યા ત્યારે આ ફેક્ટરીઓની કરતૂતનો પર્દાફાશ થયો.આ કેમિકલ યુક્ત પાણી ખેતી માટે ખૂબ જ ખતરનાક છે. જેનાથી પાક બળી જવા અને નિષ્ફળ જવાની ભીતિ રહે છે.
“ઉદ્યોગોને પ્રોત્સાહન આપો પરંતુ ખેડૂતોની તો ચિંતા કરો”: ખેડૂતો
રાજ્યમાં અનેક GIDC આવેલી છે,સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને તેના કારણે છેલ્લા વર્ષોમાં ઔધોગિક ક્ષેત્રે રાજ્યમાં ખૂબ વિકાસ પણ થયો છે,રાજ્યમાં અનેક નવી જીઆઈડીસી સ્થપાઈ અને ઉદ્યોગોની સંખ્યા ખૂબ વધી.પરંતુ આ ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત કેમિકલનો યોગ્ય નિકાલ કરાવવામાં રાજ્ય સરકાર અને GPCB ઉણુ ઉતરી રહ્યું છે. અમદાવાદમાં સાબરમતીમાં છોડવામાં આવતું પ્રદૂષિત કેમિકલ હોય કે પછી રાજકોટમાં જેતપુરમાં સાડીના કારખાનેદારો દ્વારા ભાદર નદીમાં છોડવામાં આવતું ઝેરી કેમિકલ હોય, વર્ષોથી આ સમસ્યા સામે આવી છે પરંતુ તેનો કાયમી ઉકેલ નથી મળ્યો.
રાજકોટ નજીક આવેલી મેટોડા જીઆઈડીસીની ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતું ઝેરી કેમિકલયુક્ત પાણી ગામડાઓમાંથી પસાર થતી સ્થાનિક નદીઓમાં પહોંચે છે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય છે.tv9ની ટીમ લોધિકા તાલુકાના રાતૈયા ગામ પહોંચી હતી,જ્યાં સ્થાનિક નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું,આ પાણીમાં જોવા મળતા ફીણ એ વાત સાબિત કરે છે કે આ પાણી કેટલું ખતરનાક છે.
છેલ્લા 8થી 10 વર્ષથી ખેડૂતો પરેશાન
રાતૈયા ગામમાં છેલ્લા 8થી 10 વર્ષથી આ સમસ્યા છે. ફેક્ટરીઓ દ્વારા છોડlતા ઝેરી કેમિકલયુક્ત પાણીથી આ ઝેરી પાણી જમીનમાં ઉતરતા જમીનના તળ ખરાબ થઈ રહ્યા છે.ત્યારે આ પાણી ખેતીના પાકો માટે પણ ખૂબ જ જોખમી છે. આ કેમિકલયુક્ત પાણીથી પાક બળી જાય છે, બીજી તરફ પશુઓ આ પાણી પીવે તો તેઓ પણ ગંભીર બીમારીઓના શિકાર બને છે.
કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું
એટલું જ નહિ આ કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતરતું હોવાથી બોરમાં પણ આ કેમિકલ યુક્ત પાણી આવે છે.ખેડૂતોના કૂવામાં અને બોરમાં પણ આ કેમિકલયુક્ત પાણી આવતું હોવાથી ખેતીના પાકને પણ નુકસાન થાય છે.આ ઉપરાંત બોરમાં આવતું આ પાણી પીવાથી છેલ્લા 8થી 10 વર્ષોમાં આ ગામના કેન્સર જેવી ગંભીર બીમારીઓના કેસ પણ વધ્યા છે.આ ઉપરાંત ચામડીના રોગો પણ ગામમાં અનેક લોકોને થયા છે.
GPCBના અસ્તિત્વ પર સવાલ
આમ તો GPCB નું કામ પ્રદૂષણ રોકવાનું હોય છે અને આવા કેમિકલ માફીયાઓ સામે કાર્યવાહી કરી આવું કેમિકલ છોડતા બંધ કરાવવાનું હોય છે પરંતુ જીપીસીબીનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તેવા દ્રશ્યો રાતૈયા ગામની સ્થાનિક નદીઓમાં સામે આવ્યા.ગામલોકોએ જીપીસીબીમાં પણ રજૂઆત કરેલું છે પરંતુ કોઈ કાર્યવાહી કરાઇ નહિ અને આ સમસ્યા જેમની તેમ છે. ગામલોકોનો આક્ષેપ છે કે આ ફેક્ટરી માલિકો સાથે GPCBની સાંઠગાંઠ છે. જેથી આ માફીયાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરાતી.
આ પણ વાંચો: Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો
“ચૂંટણી સમયે નેતાઓ આવે છે,ચૂંટણી બાદ ગાયબ”: ગ્રામજનો
ગામલોકોએ જણાવ્યું કે નેતાઓ ચૂંટણી સમયે આવે છે અને ચૂંટણી પૂરી થાય ત્યારબાદ ગાયબ થઈ જાય છે. હાલ આ વિસ્તારના ધારાસભ્ય કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયા છે. ત્યારે ગામના લોકો તેમની પાસે આશા રાખી રહ્યા છે કે આ ઉદ્યોગો સામે કાર્યવાહી થાય,ગામની નદીઓમાં આ કેમિકલ યુક્ત પાણી આવતું બંધ થાય અને તેઓ સારી રીતે ખેતીના પાક લઈ શકે. હવે જોવાનું રહેશે કે જગતના તાતની આ સમસ્યાનો અંત આવે છે કે પછી કેમિકલ માફીયાઓ આ જ રીતે બેફામ રહે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો