ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભડકો, રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુની બેઠકમાં બબાલ, વડોદરામાં પણ ઉઠ્યા વિરોધના સૂર
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસમાં પણ ભડકાની સ્થિતિ સામે આવી છે. રાજકોટમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુએ બોલાવેલી બેઠકમાં બબાલ થઈ હોવાનુ સામે આવ્યુ છે.
કોંગ્રેસમાં ઉભી થઇ છે કમઠાણની સ્થિતિ. રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસે હજૂ ઉમેદવાર નક્કી કર્યા નથી. પરંતુ વિરોધનો ગણગણાટ અત્યારથી જ શરૂ થઇ ગયો છે.અત્યારથી જ જૂથવાદ સપાટી પર આવી ગયો છે. રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બબાલ થઇ. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ બોલાવેલી બેઠકમાં થઈ ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ ગઇ. સુરેશ બથવાર અને રાજ્યગુરૂ વચ્ચે બોલાચાલી થઇ. કોર્પોરેટર ભાનુ સોરાણીના પતિ પ્રવિણ સોરાણીની રાજ્યગુરૂ સાથે બોલાચાલી છે. પ્રવિણ સોરાણી સહિતના નેતાઓએ બેઠકનો બહિષ્કાર કરી. અધવચ્ચે બેઠકમાંથી રવાના થઇ ગયા. ઉમેદવારના નામને લઈને હાલ કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે.
કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે કઇ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા. છેલ્લા કેટલાક સમયથી સૌથી હૉટ ગણાતી રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડુ ગૂંચવાયું છે. બે જૂથો આમને સામને હોવાની વાતને લઇને કાર્યકરોમાં ઉત્સાહ ખતમ થઇ રહ્યો છે. આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પોતે રાજકોટ ગયા હતા. નેતાઓ સાથે બંધબારણે બેઠક થઇ. પરંતુ લાગી રહ્યું છે કે જૂથવાદ હજૂ પણ શાંત નથી થયો. રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડૉ. હેમાંગ વસાવડા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે.
ભાવનગર શહેર કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ
આ તરફ ભાવનગરમાં પણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ પદ પરથી રાજીનામુ આપશે. પ્રિયંકા ચંદાણી તેમના પતિ કમલેશ ચંદાણી સાથે રાજીનામુ આપવાના છે. કમલેશ ચંદાણી કોંગ્રેસના મહામંત્રી છે. તેમણે ભાજપના ઉમેદવારને ધૂળેટીના કાર્યક્રમમાં જીતની શુભેચ્છા પાઠવી હતી અને આગામી 9 એપ્રિલે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના અન્ય 10 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે.
વડોદરા કોંગ્રેસમાં સામે આવ્યુ સામે આવ્યો જૂથવાદ
આ તરફ વડોદરામાં પણ એવી જ સ્થિતિ છે. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. અમિત ગોટીકરે કહ્યું કે હાલ વડોદરા કોંગ્રેસમાં સંગઠનમાં કોઇને કામ નથી કરવા દેવામાં આવી રહ્યું”. “કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું તેવો નથી વિશ્વાસ”. “લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે છે.
કોંગ્રેસ માટે એક સાંધે ત્યા તેર તૂટે જીવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર નથી મળી રહ્યા. આ બેઠક પર કોંગ્રેસમાથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસ જે ચહેરાને ઉતારવા માગે છે તેમણે ના પાડી દીધી હોવાની વાત સામે આવી રહી છે. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયાર તૈયાર નથી. જ્યારે ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી આ બેઠક પરથી ચુંટણી લડવા માટે ટિકિટ માંગી રહ્યા છે. જો કે ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. જેને લઇને આ વખતે લોકસભા બેઠક પર કોંગ્રેસ તેમને ટિકીટ આપવા તૈયાર નથી. ભાજપ ઉમેદવારને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને કોંગ્રેસ વડોદરા બેઠક પર ઉતારવા માગે છે. જેને માટે ચારેબાજુ નજર દોડાવી રહી છે પરંતુ હજુ સુધી ઉમેદવાર પસંદગી થઇ શકી નથી.
કોંગ્રેસના બાકીના ઉમેદવારના નામની જાહેરાત નથી થઇ રહી. જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષ ઉભો થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે. કોંગ્રેસે કેટલીક બેઠક પર ઉમેદવારોને મૌખિક જાણ કરી દીધી છે. પરંતુ જ્યાં સુધી સત્તાવાર જાહેરાત નથી થાય. ત્યાં સુધી અસંતોષની આગ યથાવત્ રહેશે. ત્યારે હવે તમામ લોકોની નજર હાઇકમાન્ડ તરફ મંડાઇ છે.