રાજ્યમાં ભરશિયાળે ત્રાટકશે માવઠું, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને કરા પડવાની આગાહી, 50 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન- Video
ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 50 કિમી/કલાકની ઝડપે પવન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. 20થી વધુ જિલ્લાઓને અસર થવાની શક્યતા છે. ખેડૂતો માટે આ ચિંતાજનક છે કારણ કે છેલ્લા માવઠાથી થયેલા નુકસાનથી હજુ ખેડૂતોને કળ વળી નથી.
રાજ્ય પર ભીષણ માવઠાની ઘાત તોળાઇ રહી છે. 20થી વધુ જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ભરશિયાળે આગામી 72 કલાક માટે ગુજરાતમાં ચોમાસા જેવી વાતાવરણ જોવા મળી શકે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફુંકાઇ શકે છે અને કરા પણ કરી શકે છે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થઇ શકે છે. ગત માવઠાના મારથી હજુ સુધી ખેડૂતો બહાર આવ્યા નથી. ત્યારે નવી આફત ધરતીપુત્રો પર તૂટી પડવા માટે તૈયાર છે.
થોડા જ કલાકોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું ત્રાટકી શકે છે. 2024ની વિદાય લાગે છે કે ખેડૂતો માટે અગ્નિપરીક્ષા સમાન થશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે. શિયાળાની વચ્ચોવચ્ચ હવે ચોમાસું પણ જોવા મળશે અને ખેડૂતોની મુશ્કેલી વધારશે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને અને દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. આગામી 48 કલાક ખુબ જ મુશ્કેલી ભર્યા રહેશે. 27 ડિસેમ્બરે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 40થી 50 કિલોમીટર પવન સાથે કરા પડવાની આગાહી છે.
માત્ર 27 ડિસેમ્બર જ નહીં પરંતુ 28 ડિસેમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી છે. ગાજવીજ. ભારે પવનો સાથે વરસાદ અને કરા પડી શકે છે.
માવઠુ કહેર મચાવે તે પહેલા જ રાજ્યના અનેક શહેરમાં હાલ ગાઢ ધુમ્મસ છવાયું છે. જેના કારણે વેજીબીલીટી ખુબ જ ઓછી થઇ ગઇ છે. અમદાવાદથી લઇને રાજકોટ અને સુરતથી લઇને ખેડા અને જસદણ સુધી હાલ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. સતત ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઇ છે. ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ઘઉં જીરુ, ધાણા, ચણા, ડુંગળી, લસણ, તુવેર જેવા પાકોને નુકસાનની ભીતિ છે. ધુમ્મસને કારણે વેજીબીલીટી ઘટી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું ભારે નુકસાન કરી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છને હાલ માવઠાની કોઇ ખાસ અસર નહીં થાય. જો કે સુરેન્દ્રનગરમાં વરસાદની શકયતાઓ છે.