ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળમાં TDS અને ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યુ, સૌથી વધુ TDS પાટણ જિલ્લામાં 9130 નોંધાયું
North Gujarat: ઉત્તરગુજરાતના ભૂગર્ભ જળમાં ચિંતાજનક રીતે TDS અને ફ્લોરાઈડનું પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે હાડકા, દાંત, સ્કીન, પાચનશક્તિ અને વાળ ખરવાની સમસ્યા વધી છે. સૌથી વધુ TDS પાટણ જિલ્લામાં 9130 નોંધાયુ છે.
ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળમાં ચિંતાજનક રીતે TDS અને ફ્લોરાઈડનું પ્રમાણ વધી રહ્યું હોવાનું ખુલ્યું છે. ત્યારે એ જાણીએ કે પાણીમાં વધી રહેલું ટીડીએસ કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે.પાણીમાં TDS અને ફ્લોરાઈડની માત્રા વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાડકા, દાંત, સ્કીન, પાચનશક્તિ અને વાળ ખરવાની સમસ્યા વધી છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો, ગુજરાત વોટર રિસોર્સિંગ ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સૌથી વધુ TDS પાટણ જિલ્લામાં 9130 નોંધાયું છે.
સૌથી ઓછું TDS 810 અરવલ્લીમાં નોંધાયું છે. ફ્લોરાઈડની માત્રા જોઈએ તો સૌથી વધુ 1.03 પાટણમાં નોંધાયું છે. જેની સામે સૌથી ઓછું 0.84 સાબરકાંઠામાં નોંધાયું છે. ગુજરાત વોટર રિસોર્સિંગ ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશન વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પીવાના પાણી માટે TDSની માત્રા 500થી આસપાસ હોવું જોઈએ. ખેતી માટે 2500 આસપાસ TDS હોવું જોઈએ. કોમર્શિયલ ઉપયોગ માટે 500 થી 1000 TDS હોવુ જોઈએ. જેની સામે પાટણ જિલ્લામાં 9130 TDS એ અતિશય ચિંતાજનક કહી શકાય તેમ છે.
ગુજરાત વોટર રિસોર્સિંગ ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશનના આંકડા મુજબ
- વર્ષ 2019માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 10110 અને ફ્લોરાઈડ સાબરકાંઠામાં 1.32 ppm નોંધાયું
- વર્ષ 2020 માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 10640 અને ફ્લોરાઈડ સાબરકાંઠામાં 1.28 ppm નોંધાયું
- વર્ષ 2021માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 9732 અને ફ્લોરાઈડ મહેસાણામાં 1.47 ppm નોંધાયું
- વર્ષ 2022માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 9130 અને ફ્લોરાઈડ પાટણમાં 1.03 ppm નોંધાયું હતું
ભૂગર્ભ જળમાં TDS અને ફ્લોરાઈડની માત્રા વધવાનું કારણ જોઈએ તો ધીમે ધીમે ભૂગર્ભમાં પાણી ઊંડા જઈ રહ્યા છે. અને પાણી ઉંડા જવાને કારણે પાણીમાં TDS અને ફ્લોરાઈડ વધી રહ્યું છે. પાણી એટલે જીવનની પ્રાથમિક જરૂરિયાત. અને આ પાણી ખાસ તો પીવામાં ઉપયોગમાં લેવાતું હોય છે અને ખેતીમાં પણ પીવામાં વધુ TDSવાળું પાણી ઉપયોગમાં લેવામાં આવે તો તે વ્યક્તિના શરીરમાં અસર કરે છે.
જેમાં હાડકા નબળા પાડવા, સાંધામાં દુખાવો, દાંતના સુરક્ષા પડને નુકસાન થવું, સ્કિન, પાચન શક્તિ, બીપી, સહિત વાળ ખરવાની સમસ્યા પણ વધે છે. આ પ્રકારની સમસ્યા જે તે વિસ્તારમાં વધી પણ રહી છે. આપણે રોજબરોજ જે પાણી પીએ છીએ એની ગુણવત્તા ધીમે ધીમે બગડી રહી છે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થઈ રહી છે.