75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાગર પરિક્રમા કાર્યક્રમનુ આયોજન કરાયું છે. જેનો પ્રારંભ કચ્છ (Kutch) ના માંડવીથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી (Union Fisheries Minister) પરશોત્તમ રૂપાલા કરશે. ગુજરાતમાં 5મી માર્ચ 2022ના રોજ માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ થશે અને છઠ્ઠી માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે જો કે ત્યાર બાદ 9 દરિયાઈ રાજ્યો (states) અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશો (Union Territories) માં પણ આજ પ્રકારે આ કાર્યક્રમ આયોજીત કરાશે.
મહાસાગરો એ વિશ્વની એકમાત્ર સૌથી મોટી ઇકોસિસ્ટમ છે, જે પૃથ્વીની સપાટીના લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગને આવરી લે છે, જે આબોહવા પરિવર્તન, વાણિજ્ય, સુરક્ષા અને આજીવિકા જેવા ઉભરતા જટિલ અને એકબીજા સાથે જોડાયેલા વિકાસના મુદ્દાઓ માટે વિશાળ ક્ષેત્ર પ્રદાન કરે છે. હિંદ મહાસાગર તેના દરિયાકાંઠાના રાજ્યોની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ છે. દેશમાં 8118 કિમીનો દરિયાકિનારો છે, જે 9 દરિયાઈ રાજ્યો/4 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લે છે અને દરિયાકાંઠાના લાખો માછીમાર લોકોને આજીવિકા સહાય પૂરી પાડે છે.
આપણા સમુદ્રો પ્રત્યે કૃતજ્ઞતાનાં ચિહ્ન તરીકે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખલાસીઓ અને માછીમારોને વંદન કરવા 75મા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘સાગર પરિક્રમા’નું પ્રથમ ચરણ ગુજરાતથી 5મી માર્ચ 2022થી 2 દિવસ માટે યોજાશે. ગુજરાતના આ પ્રથમ તબક્કા બાદ સાગર પરિક્રમા કાર્યક્રમ દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓથી નીચે પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા તમામ દરિયાકાંઠાનાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉજવવાની દરખાસ્ત છે.
દરિયાકાંઠાના માછીમાર લોકોની સમસ્યાઓ જાણવા મળે એ માટે 75મા “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે આ સ્થળો અને જિલ્લાઓમાં માછીમારો, માછીમાર સમુદાયો અને હિતધારકો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે. આઝાદીનાં 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી અને સ્મૃતિમાં ભારત સરકારની આ એક મહત્વપૂર્ણ પહેલ છે. આત્મનિર્ભર ભારતની ભાવના તરીકે તમામ માછીમાર લોકો, માછીમારો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવતા દરિયાકાંઠાના પટ્ટામાં સમુદ્રમાં એક ઉત્ક્રાંતિ વિષયક પ્રવાસની કલ્પના કરવામાં આવી છે.
“સાગર પરિક્રમા”ની યાત્રા ગુજરાત રાજ્યથી શરૂ થશે. ગુજરાતમાં દરિયાઇ આધારિત ઇકોસિસ્ટમ અને વિકાસની તકોની વિશાળ વિવિધતા ધરાવતા દરિયાકાંઠાના 16 જિલ્લાઓને આવરી લેતો 1214 કિમીની લંબાઇનો દરિયાકાંઠો છે. માછીમાર લોકો, વિક્રેતાઓ અને ઉદ્યોગોનો મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં આર્થિક મૂલ્ય, ખાસ કરીને નિકાસમાં સીધો હિસ્સો છે. ત્યારે તેમના પ્રશ્ર્નો જાણવા અને સન્માન માટે આ કાર્યક્રમ આયોજીત થઇ રહ્યો છે.
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળનો મત્સ્યોદ્યોગ વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ ગુજરાત સરકાર, ભારતીય કોસ્ટ ગાર્ડ, ફિશરીઝ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમાર પ્રતિનિધિઓની સાથે ‘સાગર પરિક્રમાની ઉજવણી કરશે જે 5મી માર્ચ 2022ના રોજ ગુજરાતના માંડવીથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતેથી યોજાશે.
જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા, ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગાય-સંવર્ધન મંત્ર રાઘવજી પટેલ; રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગના રાજ્ય કક્ષાનામંત્રી જીતુ ચૌધરી; જતીન્દ્ર નાથ સ્વૈન- સચિવ (ફિશરીઝ), ભારત સરકાર; નલીન ઉપાધ્યાય, સચિવ (મત્સ્યઉદ્યોગ), ગુજરાત સરકાર અને ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ, રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર, ભારતીય મત્સ્ય સર્વેક્ષણ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ભારતીય કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રવાસમાં રાજ્યના મત્સ્યોદ્યોગ અધિકારીઓ, માછીમારોના પ્રતિનિધિઓ, મત્સ્ય-ખેડૂતોના ઉદ્યમીઓ, હિતધારકો, વ્યાવસાયિકો, અધિકારીઓ અને સમગ્ર દેશમાંથી વૈજ્ઞાનિકો પણ જોડાશે.
કાર્યક્રમ દરમિયાન, પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને કાંઠાના માછીમારો, મત્સ્ય ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કેસીસી અને રાજ્ય યોજના સંબંધિત પ્રમાણપત્રો/ મંજૂરીઓ એનાયત કરવામાં આવશે. પીએમએમએસવાય યોજના, રાજ્ય યોજનાઓ, FIDF, KCC વગેરે પરના સાહિત્યનો માછીમારોના લાભાર્થે વ્યાપક પ્રચાર કરવામાં આવશે. 75મા આઝાદી કા અમૃત મહોત્સવના પરિપ્રેક્ષ્યમાં સાગર પરિક્રમા પરનું ગીત પણ લોન્ચ કરવામાં આવશે.
ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અનુગામી તબક્કામાં આ જ રીતે કાર્યક્રમ યોજવામાં આવશે.ઇકોસિસ્ટમ અભિગમ દ્વારા ટકાઉ અને જવાબદાર વિકાસને સુનિશ્ચિત કરવા માટે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને બદલવામાં અને અસરકારક મત્સ્યપાલન શાસન તરફ નિયમનકારી માળખા સાથે મત્સ્યઉદ્યોગ વ્યવસ્થાપન યોજનાઓ ઘડવામાં ભારત સરકાર અગ્રેસર છે. સાગર પરિક્રમાની યાત્રા રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા, દરિયાકાંઠાના માછીમાર સમુદાયોની આજીવિકા અને દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા માટે દરિયાઈ માછીમારી સંસાધનોના ઉપયોગ વચ્ચે ટકાઉ સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુસર આ કાર્યક્રમ આયોજીત કરાયો છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: સરકાર બજેટ સત્રમાં ખેડૂતો માટે કરી શકે છે આ મહત્વપૂર્ણ જાહેરાત
Published On - 7:16 am, Thu, 3 March 22