Gujarat Budget 2022: સરકાર બજેટ સત્રમાં ખેડૂતો માટે કરી શકે છે આ મહત્વપૂર્ણ જાહેરાત
ગુજરાત સરકાર પણ વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેક્નોલોજી પોલિસીની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત અન્ય નિયમો પણ ઘડવામાં આવે તેવી શક્યતા છે.
Gujarat Budget 2022: ગુજરાતનું વર્ષ 2022 -23 નું બજેટ(Budget) 3 માર્ચે રજૂ કરવામાં આવશે. જેમાં ડ્રોન ટેક્નોલોજીની(Dron Technology) માંગ દિવસેને દિવસે વધી રહી છે તેવા સમયે ગુજરાત સરકાર પણ આગામી વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેક્નોલોજી પોલિસી જાહેર કરવાની તૈયારી કરી રહી છે. કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત કેટલાક અન્ય નિયમો પણ ઘડવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ખેતરમાં દવાનો છંટકાવ કરવા, તોફાન અને કર્ફ્યુ દરમિયાન પરિસ્થિતિ પર નજર રાખવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. આગામી દિવસોમાં ડ્રોન ટેક્નોલોજી રોજગારીનું સાધન બનવાની સંભાવના છે, જેના પરિણામે રાજ્ય સરકાર ડ્રોન ઉડ્ડયનના વિશેષ કોર્સ શરૂ કરી શકે છે.વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનની માંગ વધી રહી હોવાથી આગામી દિવસોમાં ડ્રોન પાયલોટની જરૂરિયાત વધશે. આ સંજોગોમાં સરકાર શિક્ષિત યુવાનોને રોજગારી આપવાના ઉદ્દેશ્ય સાથે ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માંગે છે.
ડ્રોન ટેક્નોલોજી પોલિસીની જાહેરાત વિધાનસભાના બજેટ સત્રમાં કરી શકે છે
ગુજરાત સરકાર ડ્રોન ટેક્નોલોજી પોલિસીની જાહેરાત વિધાનસભાના બજેટ સત્રમાં કરી શકે છે. ગૃહ વિભાગે આ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પોલિસીના આધારે ડ્રોનનો ઉપયોગ ક્યાં કરવો, લાઇસન્સ કેવી રીતે મેળવવું, શું સાવચેતી રાખવી વગેરે જેવા ઘણા નિયમો લાગુ કરી શકાય છે.
કેન્દ્રીય બજેટમાં ડ્રોનના ઉપયોગ પર ભાર
કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2022-23નું બજેટ રજૂ કરતાં કૃષિ ક્ષેત્ર પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિતના આધુનિક સાધનો માટે સબસિડીની જાહેરાત કરી હતી. ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ અભિયાનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં ગુજરાતના નવસારી, પાટણ શહેરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Kutch : બે વર્ષ બાદ કોમી એકતાના પ્રતિક હાજીપીરના મેળાનું આયોજન, તૈયારીઓ પુરજોશમાં
આ પણ વાંચો : રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું