જૂનાગઢમાં આવેલા ગિરનાર રોપ વે પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગત રોજ પ્રતિ કલાકે 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવાથી રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગત રોજ રોપ વે બંધ રાખવામાં આવતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે ફરીથી રોપ વે સેવા પુન: શરૂ થતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓએ રાહત અનુભવી હતી.
જ્યારે પણ પવનની ગતિ વધે ત્યારે ઉષા બ્રેકો કંપની દ્વારા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખતા રોપ વે બંધ કરી દેવામાં આવે છે. ગત રોજ પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પગલે રોપ વે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નોંધનીય છે કે ગિરનાર પર્વત તેમજ આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર તીવ્ર પવન ફૂંકાય છે. તેથી પવન દરમિયાન તેમજ ચોમાસામાં એવી નોબત આવે છે કે રોપ વે સલામતીના કારણોસર બંધ રાખવો પડે છે.
દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા યાત્રાધામ ચોટીલામાં રોપ વે બનાવવા અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રોપ વે માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે જ કંપની યોગ્ય મરામત કરાવતી નથી. જેથી શ્રદ્ધાળુઓ માટે જીવના જોખમની પરિસ્થિતિ ઉભી થાય છે.
આ મુદ્દે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સવાલ કર્યા હતા કે મોરબી જેવી દુર્ઘટન બની હોવા છતાં તમે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધર્યા વિના કોન્ટ્રાક્ટ શા માટે આપી દીધો છે. નોંધનીય છે કે શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટે અરજૂ કરીને રજૂઆત કરી હતી કે સરકારે ચોટીલા રોપ વે નો 500 કરોડનો કોન્ટ્રાક્ટ કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના આપી દેવામાં આવ્યો છે. આ કંપનીને રોપ વે બનાવવાનો કોઈ અનુભવ નથી.
ચોટીલામાં દર વર્ષે આશરે 20થી 25 લાખ લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ બાબતમાં ગફલત સેવવી યોગ્ય નથી.
Published On - 11:42 am, Tue, 7 February 23