14 જૂનના મહત્વના સમાચાર : TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપામાં રાતોરાત ખોટા દસ્તાવેજો ઉભા કરાયાઃ ખાસ સરકારી વકિલ
આજે 14 June 2024ને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટલી પહોંચ્યા છે. G-7 શિખર સંમેલનમાં અનેક દેશોના વડા સાથે તેઓ મુલાકાત કરશે. તેમણે કહ્યું વિશ્વના નેતાઓ સાથે સાર્થક ચર્ચા કરવા તેઓ ઉત્સુક છે. આગામી 10 દિવસ બાદ લોકસભા સ્પીકરનું નામ સ્પષ્ટ થશે. 26 જૂને લોકસભાના અધ્યક્ષની થશે પસંદગી. 25 જૂન સુધી નામ સામે આવી શકે છે. તો રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. TRP ગેમ ઝોનના શુભારંભમાં જનારા સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસનો ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે. અશોકસિંહ જાડેજા ગેમઝોની જમીનનો માલિક છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટવાયું છે. પવનની ગતિ ઘટતા ચોમાસા પર બ્રેક લાગી છે. સાર્વત્રિક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. 20 જૂન બાદ મેઘમહેર થશે.
LIVE NEWS & UPDATES
-
પંચમહાલના ટીમ્બા પાસે માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા
પંચમહાલના ટીમ્બા પાસે માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા. લૂપ લાઈન તરફ જતાં સમયે માલગાડીની પાછળના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા. રેલવેના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેલ વ્યવહાર યથાવત રાખવા તૈયારી કરી હતી.
-
રાજકોટના લોધિકા તાલુકામાં વરસ્યો વરસાદ
રાજકોટના લોધિકા તાલુકામાં વરસાદ વરસ્યો છે. લોધિકાના ખીરસરા, મેટોડા, ઇટાળ, વડ-વાજડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધુળિયા દોમડા ગામમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. પાંભર ઇટાળા ગામમાં વોંકળા બે કાંઠે થયાં હતા. જોરદાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
-
-
અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ, નાળ ગામની નદીમાં આવ્યુ પૂર
અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. નાળ ગામની સ્થાનિક નદીમાં આવ્યુ પૂર આવ્યું હતું. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથક એવા ઠવી, વીરડી, વાશિયાલી, નાળ, ભોકરવા, મોલડી, સહિતના ગ્રામ્ય વિસ્તરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
-
TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપામાં રાતોરાત ખોટા દસ્તાવેજો ઉભા કરાયાઃ ખાસ સરકારી વકિલ
રાજકોટમાં ગેરકાયદે ધમધમતા TRP ગેમ ઝોનને કાયદેસર કરવા અંગે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ અરજી જ કરવામાં આવી ન હોવાનું ખાસ સરકારી વકિલે કોર્ટમાં જણાવ્યું હતું. 25 મેના રોજ અગ્નિ કાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. અગ્નિકાંડ બનાવના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનનું ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજા ભાઈઓની સૂચનાથી રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. પૂર્વ ટીપીઓ M D સાગઠિયાએ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી.
-
માત્ર પાંચ જ મહિનામાં ગુજરાતીઓના 500 કરોડ સેરવી ગયા સાયબર ગઠીયાઓ
ગુજરાતમાં જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીના માત્ર પાંચ જ મહિનામાં રૂપિયા 500 કરોડ સાયબર ગઠીયાઓ સેરવી ગયા છે. રોજબરોજ વધી રહેલા સાયબર ફ્રોડને લઈને વડોદરા જિલ્લા પોલીસ વડાએ, લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનો તો તરત જ 1930 નંબર પર ફોન કરવા અપીલ કરી છે. વડોદરા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, 27000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે. સૌથી વધારે શેર માર્કેટ ફ્રોડ છે, જેમાં 250 કરોડનું ફ્રોડ છે. ઓટીપીને લગતા 20 કરોડના ફ્રોડ છે. કાર્ડને લઈને 30 કરોડના ફ્રોડ થયા છે. ઓટીપી કે પાસવર્ડ કોઈને નહીં આપવા માટેની અપીલ કરતા વડોદરા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, અન વેરીફાઇડ લિંક પર ક્યારેય પણ ક્લિક કરવું નહીં. બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ અવારનવાર ચેન્જ કરતા રહેવું જોઈએ. જો તમે છેતરાયા હોવાની ખબર પડે કે એટલે તરત જ બેંક કે 1930 પર ફોન કરવો જોઈએ.
-
-
ઇસ્કોન બ્રિજ ચકચારી અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવાઈ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ચકચારી અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપી તથ્ય પટેલે હંગામી જામીન માટે કોર્ટમાં કરી હતી રજૂઆત.
-
સીએમ યોગી આદિત્યનાથ આવતીકાલ શનિવારે મોહન ભાગવતને મળશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આવતીકાલ 15 જૂને આરએસએસના પ્રશિક્ષણ સત્રમાં આરએસએસના વડા મોહન ભાગવતને મળશે. માનવામાં આવે છે કે અન્ય મુદ્દાઓની સાથેસાથે આ વખતે લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન પર પણ બંને વચ્ચે ચર્ચા થઈ શકે છે. મોહન ભાગવત છેલ્લા બે દિવસથી ગોરખપુરમાં છે.
-
લોકસભા ચૂંટણી બાદ ભાજપ-આરએસએસની મહત્વપૂર્ણ બેઠક
લોકસભાની ચૂંટણી બાદ ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંધની મહત્વપૂર્ણ બેઠક આગામી 31મી જુલાઈએ કેરળમાં યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંધ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન ક્ષેત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ, રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવતે, ઘણા સુચક નિવેદનો કર્યાં હતા.
-
અમરેલીમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 50 ફુટ ઊંડે ગરકાવ, હાથ ધરાઈ બચાવ કામગીરી
અમરેલી ગામની સીમમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી છે. ઘટનાની જાણ થતા જ તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. બાળકી અવાજ કરતી હતી. ઓક્સિજન સપ્લાય પૂરો પાડવામાં આવ્યો છે. અંડર વોટર કેમેરાના માધ્યમથી મોનિટરિંગ ચાલુ છે. બાળકી સ્વસ્થ રહે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યાં છે. NDRF ટીમ થોડીવારમાં પહોંચે તેવી સંભાવના છે. રોબોટિક આર્મથી પહેલા બચાવવાના પ્રયાસ હાથ ધરાશે. બોરવેલમાં 50 ફૂટ ઉંડે બાળકી હોવાનું જણાવ્યું છે.
-
બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા મેસેજ વોટ્સએપ પર કરનાર પાસે પોલીસે જાહેરમાં મંગાવી માફી
પોરબંદરમાં હિત રક્ષક નામના whatsapp group માં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા અવારનવાર મેસેક મોકલનાર પાસેથી પોલીસે જનતા પાસે જાહેર માફી મંગાવી હતી. અવાર નવાર પોરબંદરના રાજકીય લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બેફામ લખી વૈમનસ્ય ઉભા કરવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી, હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઈ ઓડેદરા શહેરના મુખ્ય માર્ગ પર બે હાથ જોડાવીને જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી હરદાસ ઉર્ફ રાજુ વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશન સહિતના 5 ગુન્હા નોંધાયેલ છે. હરદાસ ઉર્ફ રાજુએ તાજેતરમાં જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ પણ પોસ્ટ વાયરલ કરી હતી.
-
કુવેત અગ્નિકાંડના પીડિતોના મૃતદેહ, તેમના પરિવારજનોને સોપાયા
કુવૈત આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીય મૃતકોના મૃતદેહ, એરફોર્સના વિમાન દ્વારા કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. આ હતભાગીઓના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
#WATCH एर्नाकुलम: कुवैत में आग की घटना के पीड़ितों के पार्थिव शरीर को कोचीन अंतर्राष्ट्रीय हवाई अड्डे पर उनके परिवारों को सौंपा गया। pic.twitter.com/k9421aYNhP
— ANI_HindiNews (@AHindinews) June 14, 2024
-
રાજસ્થાનમાં સક્રીય થયુ સાયક્લોનિક સરક્યુલેશન, આજે અમદાવાદ સહિત 19 જિલ્લામાં વરસાદની આગાહી
વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, નવસારીથી આગળ ચોમાસુ વધ્યું નથી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સક્રીય બનેલ સાયક્લોનિક સરક્યુલેશન અને પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે, 17 જિલ્લાના વિવિધ તાલુકામાં હળવો વરસાદ વરસશે. આગામી 20 જૂન સુધી રાજ્યના જુદા જુદા તાલુકા અને જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
- આજે બનાસકાંઠા ,ગાંધીનગર, અમદાવાદ, દાહોદ .છોટાઉદેપુર,નર્મદા ,સુરત, ડાંગ ,નવસારી,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, અમરેલી ,ભાવનગર, બોટાદ, હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી.
- આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર ,ડાંગ, નવસારી , વલસાડ , દમણ, દાદરા નગર હવેલી , અમરેલી , ભાવનગર માં આગાહી
- 16 જૂનના રોજ ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ વરસવાની આગાહી.
- 17 જૂનના રોજ નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગરમાં આગાહી.
- 18 જૂનના રોજ નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલીમાં આગાહી.
- 19 જૂનના રોજ નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની આગાહી.
- 20 જુનના રોજ નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
ચડ્ડી બનીયાન ધારી ગેંગે વલસાડના ચણવઈ વિસ્તારમાં સાંઈ બાબા મંદિરમાં કરી ચોરી
વલસાડમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ફરીથી સક્રીય થઈ છે. વલસાડના ચણવઈ વિસ્તારમાં એક જ રાતમાં બે જેટલી જગ્યા પર ચોરીના બનાવો બન્યા છે. જેમાં એક ગેસના ગોડાઉન અને બીજી ચોરી સાંઈ બાબા મંદિરમાં થવા પામી છે. 3 થી 4 જેટલા ચડ્ડી બનીયાન ધારી ઈસમો દ્રારા ચોરી કરાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
-
ગાંધીનગરઃ સોમવારે CMના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક
ગાંધીનગરઃ સોમવારે CMના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળશે. લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહેશે. નવા ચૂંટાયેલા તમામ સાંસદ અને રેખાબેન ચૌધરી હાજર રહેશે. જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી પણ ઉપસ્થિત રહેશે. પરિણામો પર સંગઠનાત્મક, રચનાત્મક અને સામાજિક મુદ્દાઓની ચર્ચા થશે.
-
ખેડાઃ પ્રાંત ઓફિસમાં CM ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝીટ
ખેડાઃ પ્રાંત ઓફિસમાં CM ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઈઝ વિઝીટ કરી. અધિકારીઓની હાજરી, ફાઈલના રેકોર્ડ કામગીરીની સમીક્ષા કરી. સ્થાનિક તંત્ર સાથે CMએ બેઠક કરી.
-
અમદાવાદ: દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ
અમદાવાદ: દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર છે. કોહીનૂર ક્રીએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી છે.ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
-
આમીર ખાનના પુત્રની ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાતમાં હંગામી સ્ટે
‘મહારાજ’ ફિલ્મની રિલીઝ પર હંગામી સ્ટે લાગ્યો છે. આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે ‘મહારાજ’. ‘લીબેલ કેસ 1862’ પર ફિલ્મ આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરાયો છે. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી છે. 18 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે.
-
રાજકોટઃ મહાપાલિકાની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ
રાજકોટઃ મહાપાલિકાની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. મહાપાલિકાની મુખ્ય કચેરીમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં. ઇસ્ટ અને વેસ્ટ ઝોન કચેરી તેમજ 18 વોર્ડની કચેરીમાં ફાયર સેફ્ટી જ નથી. આખા રાજકોટને ફાયર સેફ્ટીના નિયમથી દંડ ફટકારતી કોર્પોરેશનની કચેરીમાં જ નિયમની ઐસીતૈસી જોવા મળી રહી છે.
-
સુરત: વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ
સુરત: વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકારી ગરમી વચ્ચે લોકોને બફારાથી રાહત મળી. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
-
G-7 સમિટમાં ભાગ લેવા માટે ઇટલી પહોંચ્યા વડાપ્રધાન મોદી
G-7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇટલી પહોંચ્યા છે. જો બાઇડન સહિત અનેક દેશોના વડાઓ સાથે તેઓ દ્વિપક્ષીય બેઠક કરશે. વિશ્વના નેતાઓ સાથે સાર્થક ચર્ચા કરવા ઉત્સુક હોવાનું PM મોદીએ જણાવ્યુ. તેમણે કહ્યુ કે વૈશ્વિક પડકારોનું સમાધાન લાવવાનો લક્ષ્યાંક છે. ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો લક્ષ્યાંક છે. ત્રીજી વખત PM બન્યા બાદ મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ છે.
-
બનાસકાંઠા: દિયોદરમાં મેઘરાજાએ આવતાની સાથે જ વેર્યો વિનાશ
બનાસકાંઠા: દિયોદરમાં મેઘરાજાએ આવતાની સાથે જ વિનાશ વેર્યો છે. દિયોદરમાં અચાનક વરસાદ ખાબકતા APMCમાં જણસ પલળી જશે. APMCમાં મગફળી, જીરૂ સહિતના જણસની બોરીઓ બહાર ખુલ્લામાં પડી હતી. APMCના સત્તાધીશોની બેદરકારીને કારણે વરસાદમાં જણસની બોરીઓ પલળી. મગફળી, જીરૂ, વરિયાળી સહિતના પાકો પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયુ છે. પ્રથમ વરસાદમાં જ દિયોદરના નિચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
-
ડાંગ: આહવા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ડાંગ: આહવા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ગલકુંડના ડુંગર વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખાપરી નદી ગાંડીતૂર થઈ છે. નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યુ છે.
-
નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે.
-
રાજકોટ : ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર
રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા છે. અશોકસિંહ જાડેજા જમીનનો માલિક છે. ગેમઝોનની ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર હતો. પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી.
Published On - Jun 14,2024 7:24 AM