Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત અને ભાજપ વચ્ચે એક અતૂટ સંબંધ છેઃ PM મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2025 | 9:57 PM

Gujarat local body election Results 2025 LIVE : ચૂંટણી પહેલા જ રાજ્યમાં કુલ 214 બેઠકો બિનહરીફ થઇ છે. જેના કારણે 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ છે... ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં બેઠકો બિનહરીફ થતાં ચારેયમાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન સ્થપાઇ ગયું છે... ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે.

18  ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત અને ભાજપ વચ્ચે એક અતૂટ સંબંધ છેઃ PM મોદી

ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ રહ્યુ છે . 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહી છે. તેની સાથે જ 5 હજાર 84 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું, જે 2018ની સરખામણીએ 8 ટકા ઓછું રહ્યું. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવ્યું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોનું શાસન સ્થપાશે તેને ફેંસલો આજે થઇ જશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Feb 2025 09:35 PM (IST)

    મારે ભાજપ સામે નહીં ઢેલીબેન સામે વિરોધ, કટકી કરવામાં કઈંક લિમિટ હોયઃ કાંધલ જાડેજા

    પોરબંદરની રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત બાદ કાંધલ જાડેજાએ કહ્યું, મારે ભાજપ સામે નહીં પરંતુ ઢેલીબેન સામે વિરોધ છે. ઢેલીબેન ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કાંધલ જાડેજાએ કહ્યું કે, કટકી કરવામાં કૈંક લિમિટ હોય. અમે પક્ષ સામે નહીં પરંતુ આવા લોકોની નીતિ સામે લડ્યા છે. જેમાં પ્રજાએ વિજયી બનાવ્યા છે. કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મારે મારા ભાઈને મેદાને ઉતારવો પડ્યો. બાકી હુ ભાજપની સાથે જ છુ. ભાજપ સરકાર સામે મારે કોઈ વાંધો નથી.

  • 18 Feb 2025 09:16 PM (IST)

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ બુધવારથી પ્રારંભ

    ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આવતીકાલ બુધવારથી પ્રારંભ થશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધન કરશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કડીના ધારાસભ્ય કરસન સોલંકીના નિધન અંગે શોક પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુરુવારને 20મી ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાતનુ 2025-2026ના વર્ષનું બજેટ રજુ કરશે.

  • 18 Feb 2025 09:11 PM (IST)

    ગુજરાત અને ભાજપ વચ્ચે એક અતૂટ સંબંધ છેઃ PM મોદી

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા ભવ્ય વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવ્યો છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ગુજરાત અને ભાજપ વચ્ચે એક અતૂટ સંબંધ છે.

  • 18 Feb 2025 09:09 PM (IST)

    જામનગરની જાણીતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વાળ નિકળ્યા

    જામનગરની જાણીતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વાળ નિકળ્યા હોવાનો બનાવ બન્યો છે. ગ્રીન સિટીમાં આવેલી પાપા લુઈસપિઝા નામની હોટલમાં આવો બનાવ છે. ફ્રેન્ચ ફ્રાયમા જીવાત અને ચણા મસાલાના શાકમા વાળ જોવા મળ્યો હતો. આ અંગે ગ્રાહકે મનપાની ફુડ શાખાને જાણ કરતા, ફુડ વિભાગ દ્વારા ચેકીંગ કરવામા આવ્યું હતું.

  • 18 Feb 2025 08:45 PM (IST)

    નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 51.02, કોંગ્રેસને 26.26 ટકા મળ્યા મત

    નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 51.02 ટકા, કોંગ્રેસને 26.26 ટકા, આમ આદમી પાર્ટીને 4.28 ટકા અને અપક્ષને 13.78 ટકા મત મળ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 1341 ઉમેદવારો, કોંગ્રેસના 252, સમાજવાદી પાર્ટીના 43, આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 18 અને 151 અપક્ષ ઉમેદવારો વિજયી થયા છે.

  • 18 Feb 2025 07:55 PM (IST)

    આણંદ સબ જેલમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા

    આણંદ સબ જેલમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓની ફરજમાં ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. ગત 27-01-25 ના રોજ dysp આણંદ દ્વારા સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. વિઝીટ દરમિયાન સબ જેલમાં ત્રણ મહિલાઓ મંજૂરી વગર જ આરોપીઓને મળવા પહોંચી હતી. સમગ્ર મામલામાં જેલગાર્ડની ફરજમાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. આણંદ એસપી દ્વારા ચારેય જેલ ગાર્ડ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • 18 Feb 2025 05:26 PM (IST)

    AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગ કેસમાં કરાશે કાર્યવાહી, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

    આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી જરૂરી મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. ED આ મામલે તપાસ કરી રહી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 218 હેઠળ સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે પૂરતા પુરાવાના આધારે, રાષ્ટ્રપતિ પાસે મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • 18 Feb 2025 05:14 PM (IST)

    નગરપાલિકાના પરિણામો કોંગ્રેસ માટે સારા, સ્થાનિક મજબૂત નેતાઓ ના રહેતા રકાસ થયો હોવાની કબૂલાત કરતા શક્તિસિંહ

    નગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક ના હોવાનું પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની પાછલી ચૂંટણીઓ અને તેના પરિણામોનો હવાલો આપીને શક્તિસિંહે કહ્યું કે, આ વખતે કોંગ્રેસ માટે સારા પરિણામો આવ્યા છે. જો કે તેમણે અંબરીશ ડેર, હર્ષદ રીબડીયા, જવાહર ચાવડા જેવા નેતાઓ કોંગ્રેસમાં ના રહેતા નગરપાલિકા વિસ્તારમાં અસર થઈ હોવાની કબૂલાત કરી હતી.

    શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે, AIMIM ના મેન્ડેટ ભાજપે આપ્યા હતા. 2018માં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો હોવા છતા, આજના જેવા પરિણામો કોંગ્રેસને મળ્યા નહોતા. જૂનાગઢમાં જ્યા એક સમયે એક જ કોર્પોરેટર વિજયી થયા હતા ત્યાં આજે 11 કોર્પોરેટરો વિજયી થયા છે. સ્થાનિક મજબૂત નેતાઓ ના રહેતા, ચૂંટણીમાં રકાસ થયો હોવાનો પણ શક્તિસિંહે આડકતરો ઈશારો કર્યો હતો.

  • 18 Feb 2025 05:07 PM (IST)

    સુરતના બોરીયા ગામે યુવક યુવતીએ ગળુ કાપી મોતને કર્યું વ્હાલું

    સુરતના બોરીયા ગામે યુવક યુવતીના ગળું કાપીને મોતને વ્હાલું કરવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવતીનું નામ તેજસ્વીની એન ચૌધરી ઉમર વર્ષ 20 છે. જ્યારે યુવકનું નામ સુરેશ જોગી હોવાનું સામે આવ્યું છે. વાંકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે. યુવક યુવતીએ ધોરણ 12 સુધી સાથે અભ્યાસ કર્યો હતો. યુવતી ઘરેથી સવારે દૂધ લેવા માટે નીકળી હતી. ઘટના સ્થળ પર યુવતીનું મોપેડ અને ચપ્પુ મળ્યું છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરીને FSL ટિમની મદદ લેવામાં આવી છે. આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

  • 18 Feb 2025 05:03 PM (IST)

    અમરેલીના પાણીયા ગામે 7 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કરી મારી નાખ્યો

    અમરેલીના પાણીયા ગામે 7 વર્ષના બાળક ઉપર સિંહે કર્યો હુમલો. બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના નાના બાળક પર સિંહે હુમલો કર્યો હતો. રાહુલભાઈ નારુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 7  પર આજે સવારે 8:30 કલાકે સિંહે કર્યો હતો હુમલો. બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

  • 18 Feb 2025 05:01 PM (IST)

    વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી

    મોરબી જિલ્લાના વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારીનો બનાવ બન્યો છે. વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થવા પામી હતી. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યા હતા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે થઈ માથાકૂટ. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

  • 18 Feb 2025 03:22 PM (IST)

    નગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ થયું સ્પષ્ટ, 68માંથી 62 ભાજપ, 1 કોંગ્રેસ, 5 અન્યોને ફાળે

    ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીનુ પરિણામ, આજે બપોર સુધીમાં સ્પષ્ટ થયું જવા પામ્યું છે. કુલ 68 નગરપાલિકા પૈકી ભારતીય જનતા પાર્ટીએ 62, કોંગ્રેસે એક અને અન્યોએ પાંચ નગરપાલિકા કબજે કરી છે.

  • 18 Feb 2025 02:59 PM (IST)

    દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારી, પથ્થરમારો, 3ને ઈજા

    દેવગઢ બારીયા નગરમાં ચૂંટણીના પરિણામને લઈને બબાલ થઈ હતી. દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં થઈ બબાલ. એક જ કોમના બે જૂથ વચ્ચે માથાકુટ થવા પામી હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો હતો. પથ્થર મારામાં ત્રણથી વધુ લોકોને ઈજા થવા પામી છે. કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

  • 18 Feb 2025 02:51 PM (IST)

    અમદાવાદની ભાગોળે આવેલ બાવળા નગરપાલિકામાં સત્તા માટે ભાજપનો પન્નો ટૂંકો પડ્યો, કોઈને પણ સ્પષ્ટ બહુમતી નહીં

    ભાજપના કિલ્લા સમાન અમદાવાદ શહેરની ભાગોળે આવાલ બાવળા નગરપાલિકામાં બહુમતી માટે ભાજપને એક બેઠકની ઘટ પડી છે. કુલ 28 પૈકી 14 બેઠકો ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે 13 અને એક બેઠક બહુજન સમાજ પાર્ટી પાસે છે. આવા સંજોગોમાં બીએસપી બાવળા નગરપાલિકામાં કિંગમેકરની ભૂમિકા ભજવે તો નવાઈ નહીં.

    બાવળા નગરપાલિકા  સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 78 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આજે બાવળા ગર્લ્સ હાઇસ્કુલમાં બાવળા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોની મતગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપ 14 બેઠકો પર કોંગ્રેસ 13 બેઠકો પર અને એક બેઠક પર બીએસપીનો વિજય થયો હતો.

    આમ બાવળા નગરપાલિકામાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. બાવળા પાલિકાનો કબજો કરવો હોય તો કોઈપણ પક્ષે 15 બેઠકો જીતવાની હોય છે. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં જીતેલા કાળુભાઈ ચૌહાણ બીએસપીના ઉમેદવાર કિંગ મેકર બને તેવી હાલ ચર્ચાઓ જાગી છે.

    કેમ કે ભાજપ 14 બેઠકો પર વિજય થઈ છે, જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ ભાજપમાં જાય તો ભાજપને 15 બેઠકો થાય અને પાલિકા પર કબજો મેળવી શકે છે. અને જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસને 14 બેઠકો થાય અને ભાજપ કોંગ્રેસ એમ 14- 14 થાય. આવા સંજોગોમાં કોઈને પણ  સ્પષ્ટ બહુમતી ના મળી કહેવાય. ત્યારે હવે સૌની નજર બીએસપી ના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ પર રહી છે

  • 18 Feb 2025 02:34 PM (IST)

    નગરપાલિકમાં 65માંથી 60 ભાજપ, એક કોંગ્રેસ અને અન્યને 4 બેઠક મળી

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટા ઉલટફેર જોવા મળ્યો છે. નગરપાલિકાની ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામ આવ્યા છે. ભાજપે સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય મેળવ્યો. અનેક નગરપાલિકાઓમાં કોંગ્રેસના સૂપડાં સાફ થયા છે. નગરપાલિકમાં 65માંથી 60 ભાજપ, એક કોંગ્રેસ અને અન્યને 4 બેઠક મળી છે.

  • 18 Feb 2025 02:21 PM (IST)

    અમરેલી: રાજુલા, જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો

    અમરેલી: રાજુલા, જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસનું ખાતું ખુલ્યું નહીં. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપની જીતની ફટાકડા ફોડીને ઉજવણી કરી. ભાજપના વિજયથી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 18 Feb 2025 02:17 PM (IST)

    સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના

    સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બની છે. યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી યુવકે પોતે પણ ગળું કાપ્યું. વાંકલ- બોરિયા માર્ગ પર આ ઘટના બની છે. યુવતીનું ઘટના સ્થળે જ મોત થયુ. યુવક  ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

  • 18 Feb 2025 02:16 PM (IST)

    અમરેલીઃ લાઠી પાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો

    અમરેલીઃ લાઠી પાલિકામાં ભાજપનો ભગવો  લહેરાયો છે. ધારાસભ્ય જનક તળાવિયાએ ધરતી માતાને શીશ ઝુકાવ્યું હતુ. સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્યે જનતાનો આભાર માન્યો. તેમણે જણાવ્યુ કે કોઈની પણ ટીકા ટિપ્પણી કરવી નથી. મત આપ્યા તેમનો અને ન આપ્યો એમનો પણ આભાર. વોટ આપ્યા અને ન આપ્યા એ બધાનું કામ કરાવાનું છે.

  • 18 Feb 2025 02:15 PM (IST)

    કોડીનાર નગરપાલીકામાં તમામ 28 બેઠકો પર કેસરીયો લહેરાયો

    ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. કોડીનાર નગરપાલિકામાં તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.આતશબાજી અને વીજય સરઘસથી દીવાળી જેવો માહોલ રચાયો છે.

  • 18 Feb 2025 02:03 PM (IST)

    જામનગર: જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય

    જામનગર: જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 7 વોર્ડની 28 બેઠક પૈકી 27 બેઠક પર ભાજપની જીત થઇ છે. 1 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઇ છે. કોંગ્રેસના તમામ ઉમેદવારોની હાર થઇ છે.

  • 18 Feb 2025 01:50 PM (IST)

    જૂનાગઢઃ મનપાના પરિણામો બાદ મારામારીની ઘટના

    જૂનાગઢઃ મનપાના પરિણામો બાદ મારામારીની ઘટના બની છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલના વિજય બાદ હુમલો થયો. ચિત્તાખાના ચોક નજીક પથ્થરમારો થયાના પણ અહેવાલ છે. કોંગ્રેસ અને આપના 15થી વધુ કાર્યકરો આમનેસામને આવી ગયા હતા. પથ્થમારાની ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થઇ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે.

  • 18 Feb 2025 01:39 PM (IST)

    પાટણ : રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

    પાટણના રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યુ છે. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં રાજીનામું આપ્યુ. વિષ્ણુ ઝુલાએ રાજીનામું આપ્યું છે. હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું.

  • 18 Feb 2025 01:21 PM (IST)

    મોરબી: વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી

    મોરબી: વાંકાનેર નગરપાલિકા ના ચૂંટણી પરિણામ બાદ મારામારી થઇ છે. વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો.

  • 18 Feb 2025 01:19 PM (IST)

    માંગરોળ નગરપાલિકામાં પણ AAPએ ખાતુ ખુલ્યુ

    માંગરોળ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ગણતરી પૂર્ણ થઇ છે. કુલ 9 વોર્ડની 36 બેઠકમાંથી  ભાજપને 15 બેઠક, કોગ્રેસને 15 બેઠક અને આમ આદમી પાર્ટીને 1 બેઠક, અપક્ષને 1, તેમજ બસપાને 4 બેઠક પર જીત મળી છે.

  • 18 Feb 2025 01:13 PM (IST)

    ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 36 માંથી 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે. બાર બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ગત ટર્મ માં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં  ગાબડું પડ્યુ છે. ભાજપે 24 બેઠકો પર જીત મેળવી અને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે.

  • 18 Feb 2025 01:09 PM (IST)

    પાલિકાની 1677 બેઠકોમાંથી ભાજપના ફાળે 1250થી વધુ બેઠકો

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું છે. પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પાલિકાની 1677 બેઠકોમાંથી ભાજપના ફાળે 1250થી વધુ બેઠકો ગઇ. 68માંથી 49 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પંચાયતની 78માંથી 55 બેઠકો પર ભાજપનું બુલડોઝર ફર્યું. જૂનાગઢ મનપાની 60માંથી 48 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે.

  • 18 Feb 2025 01:05 PM (IST)

    ભાવનગર ગારીયાધાર નગરપાલિકા ભાજપે કબ્જે કરી

    ભાવનગર ગારીયાધાર નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. ગારીયાધાર નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ભાજપ સામે લડી રહી હતી, આમ છતાં બંને પાર્ટીને પરાસ્ત કરીને ભાજપે ભગવો લહેરાવ્યો છે.  ભાજપે 21, કોંગ્રેસે 4, આપે 3 બેઠક જીતી. ગારીયાધાર નગરપાલિકા ભાજપે કબજે કરતા જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 18 Feb 2025 12:55 PM (IST)

    મહિસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકા ભાજપે કરી કબ્જે

    મહિસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે.  તાલુકા પંચાયત સીટ પણ ભાજપના ફાળે ગઇ.  બાલાસિનોરમાં 16 ભાજપ, 09 કાંગ્રેસ, 02 બેઠક એનસીપી, 01 બસપા, જીત્યુ. તો લુણાવાડામાં 16 ભાજપ, 11 કાંગ્રેસ, 01 અપક્ષ જીત્યુ. સંતરામપુરમા 15 ભાજપ, 07 કાંગ્રેસ, 02 અપક્ષ જીત્યુ.

  • 18 Feb 2025 12:50 PM (IST)

    ગાંધીનગર તાલુકા પંચાયત પર ભાજપનો કબજો

    ગાંધીનગર તાલુકા પંચાયત પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. પહેલી વખત બહુમતીથી ભાજપ સત્તા પર આવી છે. તાલુકા પંચાયતના કુલ 28 બેઠક ના પરિણામો સામે આવ્યા છે. જેમાં બીજેપી 20, કૉંગ્રેસ 8 બેઠક પર વિજયી બની છે.

  • 18 Feb 2025 12:40 PM (IST)

    સલાયા નગરપાલિકામાં ભાજપ ખાતુ પણ ન ખોલી શક્યુ

    દેવભૂમિદ્વારકામાં સલાયા નગર પાલિકામાં ભાજપ ખાતુ પણ ખોલી શક્યુ નહીં. આમ આદમી પાર્ટીને 13, જ્યારે કોંગ્રેસને 15 બેઠક મળી છે.

  • 18 Feb 2025 12:24 PM (IST)

    મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે વિવાદિત ઉજવણી

    ખેડામાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા. મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની છે. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા.

  • 18 Feb 2025 12:23 PM (IST)

    વડોદરા જિલ્લામાંકૂલ 28 બેઠકમાંથી ભાજપને 19, આપને 4 બેઠક મળી

    વડોદરા જિલ્લામાંકૂલ 28 બેઠકમાંથી ભાજપને 19, આપને 4 બેઠક મળી છે.

  • 18 Feb 2025 12:20 PM (IST)

    કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની પેનલ જીતી

    પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકા 30 વર્ષ નો રેકોર્ડ તૂટી ગયો છે. આખરે 30 વર્ષે જનતા પરિવર્તન લાવી. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં ભાજપને હાર મળી.કાંધલ જાડેજાની પેનલનો વિજય થયો છે.

  • 18 Feb 2025 12:03 PM (IST)

    વંથલી નગરપાલિકામાં વોર્ડ 6માં ભાજપનો ભગવો લહેરાવ્યો

    વંથલી નગરપાલિકામાં વોર્ડ 6માં ભાજપે જીત મેળવી છે.  ભાજપે ભગવો લહેરાવ્યો છે.

  • 18 Feb 2025 11:56 AM (IST)

    જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    રાજકોટમાં જેતપુર નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબ્જો જોવા મળ્યો છે. પાલિકાની વોર્ડ 11 ની 44 બેઠકોમાંથી ભાજપના- 32, અપક્ષ – 11 કોંગ્રેસ- 1 બેઠક મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા.

  • 18 Feb 2025 11:39 AM (IST)

    કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય

    નગરપાલિકાની ચૂંટણી પરિણામોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. નગરપાલિકાની મોટાભાગની બેઠકો પર  ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. રાજ્યની 66માંથી 31 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના ફાળે 129, તો 94 બેઠકો પર અપક્ષોએ મેદાન માર્યું છે.

  • 18 Feb 2025 11:38 AM (IST)

    અમરેલી જિલ્લામાં લેટરકાંડની કોઈ અસર નહીં

    અમરેલી જિલ્લામાં લેટરકાંડની કોઈ અસર જોવા મળી નહીં. ભાજપનો ચારે તરફ ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે  અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકામાં ભાજપનું સોળે કળાએ કમળ ખીલ્યું છે.

  • 18 Feb 2025 11:28 AM (IST)

    પંચમહાલ : હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય

    પંચમહાલ : હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો છે.  હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 બેઠકો પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો.

  • 18 Feb 2025 11:26 AM (IST)

    રાધનપુરમાં કૉંગેસના ગઢમાં ગાબડું

    રાધનપુરમાં કૉંગેસના ગઢમાં ગાબડું પડ્યુ છે. રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર જોવા મળી. કૉંગેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાયો છે. 28 બેઠકોમાં ભાજપ 17, કોંગ્રેસ 3 પર વિજયી.

  • 18 Feb 2025 11:24 AM (IST)

    ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી

    ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. 24 સીટમાંથી 14 સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે.

  • 18 Feb 2025 11:24 AM (IST)

    પાટણ : હારીજ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો

    પાટણ : હારીજ નગર પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. હારીજ નગર પાલિકામાં તમામ 24 બેઠકના પરિણામ જાહેર થયા છે. ભાજપને 14, કોંગ્રેસને  10 બેઠક મળી છે. હારીજ નગર પાલિકામાં ભાજપને 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે.

  • 18 Feb 2025 11:15 AM (IST)

    ગાંધીનગરના માણસા નગરપાલિકામાં ભાજપની બહુમતિ

    અમિત શાહના મત વિસ્તાર અને હોમ ટાઉન ગણાતા ગાંધીનગરના માણસા નગરપાલિકામાં ભાજપે બહુમતિ મેળવી છે. કુલ 7 વોર્ડની 28 બેઠકો પેકી 5 વોર્ડ નું 20 સીટનું પરિણામ જાહેર થયુ છે. 20 માંથી 19 બીજેપીને ફાળે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.  બીજી તરફ ગાંધીનગર તાલુકા પંચાયતમાં શિહોલી બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. કુલ 28 બેઠકોમાંથી 13 બેઠકના  પરિણામ જાહેર થયા છે. ભાજપને 8, કોંગ્રેસને 5 બેઠક મળી છે.

  • 18 Feb 2025 11:11 AM (IST)

    બાવળા નગરપાલિકામાં રસપ્રદ જંગ, ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા

    અમદાવાદની બાવળા નગરપાલિકામાં રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે.  ભાજપ 14, કોંગ્રેસ 13, બસપા એક બેઠક પર વિજેતા બની છે.  આ એક બસપાની બેઠક સત્તા કબ્જે કરવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.

  • 18 Feb 2025 11:08 AM (IST)

    પાટણ : ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવાર બન્યા વિજયી

    પાટણની ચાણસ્મા નગરપાલિકામા અપસેટ સર્જાયો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ચાણસ્મા શહેર ઉપપ્રમુખ અપક્ષમાંથી વિજયી બન્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઉમેદવાર  વિજયી બન્યા છે. પુરસોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે મેન્ડેટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

  • 18 Feb 2025 11:07 AM (IST)

    અમરેલી : ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 6 પર ભાજપની પેનલનો વિજય

    અમરેલી : ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 6 પર ભાજપની પેનલનો વિજય થયો છે.

  • 18 Feb 2025 11:01 AM (IST)

    ચલાલા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ

    અમરેલી – ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 6 ભાજપની પેનલનો વિજય થયો છે.  ચલાલા નગર પાલિકા માં તમામ 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે, કોંગ્રેસના સુપડા સાફ થયા છે.

  • 18 Feb 2025 10:55 AM (IST)

    આણંદ : ઓડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    આણંદ : ઓડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 24 બેઠકમાંથી 18 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો.

  • 18 Feb 2025 10:47 AM (IST)

    મહેમદાવાદ નગરપાલિકામાં અપક્ષના 4 ઉમેદવારની જીત

    મહેમદાવાદ નગરપાલિકામાં  અપક્ષના 4 ઉમેદવારની જીત થઇ છે. ભાજપ અને કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શક્યુ નથી.

  • 18 Feb 2025 10:45 AM (IST)

    વડોદરા : કરજણ નગરપાલિકાના વોર્ડ 3માં ભાજપે 3, AAPએ 1 બેઠક જીતી

    વડોદરા : કરજણ નગરપાલિકાના વોર્ડ 3માં ભાજપે 3, AAPએ 1 બેઠક જીતી છે. આપના દિગ્વિજયસિંહ અટોદરિયાની જીત થઇ છે.

  • 18 Feb 2025 10:39 AM (IST)

    જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગ‌ઢ તૂટ્યો

    જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગ‌ઢ તૂટ્યો છે, આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય થયો છે. લઘુમતી બહુમતી વિસ્તારમાં ભાજપની પેનલનો વિજય થયો.

  • 18 Feb 2025 10:31 AM (IST)

    માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર 4 માં ભાજપનો વિજય

    માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર 4 માં ભાજપનો વિજય થયો છે. 28 માંથી બહુમતી માટે જરૂરી 15 બેઠકો ભાજપે 4 વોર્ડની ગણતરીના અંતે જ મેળવી લીધી છે.

  • 18 Feb 2025 10:30 AM (IST)

    ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકામાં વોર્ડ 1, 2, 3, 4માં ભાજપ વિજયી

    ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકામાં વોર્ડ 1, 2, 3, 4માં ભાજપ વિજયી થયુ છે. વોર્ડ નંબર 5 ની ગણતરી ચાલુ છે.

  • 18 Feb 2025 10:21 AM (IST)

    સલાયા નગરપાલિકામાં ભાજપના 8 ઉમેદવારની જીત

    દેવભૂમિદ્વારકાની સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 2 માં આપનો ભવ્ય વિજય થયો છે. ચારેય ઉમેદવારો વિજય થયો છે. આપના કુલ 8 ઉમેદવાર વિજેતા થયા છે.

  • 18 Feb 2025 10:16 AM (IST)

    વંથલી નગરપાલિકા વોર્ડ નં 4માં ભાજપની પેનલનો વિજય

    વંથલી નગરપાલિકા વોર્ડ નં 4માં ભાજપની પેનલનો વિજય થયો છે.

  • 18 Feb 2025 10:10 AM (IST)

    અમરેલી નગર પાલિકા વોર્ડ નંબર 5માં ભાજપનો વિજય

    અમરેલી નગર પાલિકા વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં ભાજપ વિજયી થયુ છે.ભાજપના ઉમેદવાર કોમલબેન રામાણી વિજેતા બન્યા છે. તેમનો 562 મતોથી વિજય થયો છે.

  • 18 Feb 2025 10:09 AM (IST)

    સાબરકાંઠા : તલોદ નપા વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય

    સાબરકાંઠા : તલોદ નપા વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપે ચારે  ચાર બેઠક જીતી લીધી છે.

  • 18 Feb 2025 10:08 AM (IST)

    ભરૂચ : જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 પર ભાજપ વિજેતા

    ભરૂચમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 471 મતે વિજય થયો છે. અમીષબેન કરણભાઈ વાઘેલાની જીત થઇ છે. ફરી એકવાર વોર્ડ નંબર 1માં ભાજપે ભાગવો લહેરાવ્યો છે.

  • 18 Feb 2025 10:06 AM (IST)

    હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

    ભરૂચની હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ધવલ પટેલે ભાજપના મનીષ પટેલને પાતળી સરસાઈથી હરાવ્યા. ધવલ પટેલ ભાજપના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના ભત્રીજા છે.

  • 18 Feb 2025 10:05 AM (IST)

    ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની પેનલનો વિજય

    ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.

  • 18 Feb 2025 10:03 AM (IST)

    જૂનાગઢમાં વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી

    જૂનાગઢમાં વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી છે. 1 અપક્ષ અને 3 ભાજપના ઉમેદવારની જીત થઇ. જો કે ગિરીશ કોટેચા પુત્ર પાર્થ કોટેચાની હાર થઇ છે. પાર્થ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયરની પુત્ર છે. આ વોર્ડમાં માત્ર 1 જ ભાજપની બેઠક હારી છે. જેના પર પાર્થ કોટેચા ઉમેદવાર હતા.

  • 18 Feb 2025 09:59 AM (IST)

    મહુધા નગરપાલિકા વોર્ડ 2માં અપક્ષ ઉમેદવાર વિજેતા

    મહુધા નગરપાલિકામાં વોર્ડ 2માં 4 બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે.

  • 18 Feb 2025 09:58 AM (IST)

    બાવળામાં વોર્ડ 1માં 2 ભાજપ, 2 કોંગ્રેસના ઉમેદવાર વિજયી

    બાવળામાં વોર્ડ 1માં 2 ભાજપ, 2 કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા છે. કીર્તિ ટોટા ભાજપના ઉમેદવારની માત્ર એક મતથી વિજય થયો છે. વોર્ડ નંબર 2માં ચાર કોંગ્રસની પેનલ વિજયી થયી છે. તો વોર્ડ નંબર 3માં ચાર ભાજપની પેનલ વિજયી થયી છે.

  • 18 Feb 2025 09:56 AM (IST)

    ચલાલા નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં  ભાજપનો વિજય

    અમરેલીમાં ચલાલા નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં  ભાજપનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:55 AM (IST)

    રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે.

    રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:55 AM (IST)

    મહીસાગર : ખાનપુર તાલુકા કનોડ તાલુકા પંચાયત ભાજપની જીત

    મહીસાગર : ખાનપુર તાલુકા કનોડ તાલુકા પંચાયત ભાજપની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર માલીવાડ બહાદુરભાઈ ભુરાભાઇને  1293 મત મળ્યા છે. 353ની લીડથી ભાજપનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:49 AM (IST)

    પંચમહાલ હાલોલ નગરપાલિકા વોર્ડ 4 ભાજપના 3 ઉમેદવારો વિજેતા

    પંચમહાલ હાલોલ નગરપાલિકા વોર્ડ 4 ભાજપના 3 ઉમેદવારો વિજેતા થયા છે.

  • 18 Feb 2025 09:45 AM (IST)

    સલાયામાં વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય

    આ તરફ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના રસાકસીના જંગ વચ્ચે દેવભૂમિ દ્વારકાના સલાયામાં વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વોર્ડ 1માં ચારેય ઉમેદવારનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:43 AM (IST)

    બોરિયાવી નગરપાલિકા વોર્ડ 1માં BJP 3, કોંગ્રેસ 1 બેઠક જીતી

    બોરિયાવી નગરપાલિકા વોર્ડ 1માં  ભાજપનો  3 બેઠક પર અને કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે.

  • 18 Feb 2025 09:39 AM (IST)

    થાન નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો થયો વિજય

    સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 1ના તમામ 4 ઉમેદવારોનો વિજય થતા ભાજપનો ભગવો લહેરાયો છે. થાન નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે મતગણતરી યોજાઈ રહી છે.

  • 18 Feb 2025 09:37 AM (IST)

    આંકલાવ વોર્ડ 1માં ત્રણ અપક્ષ અને 1 ભાજપ ઉમેદવાર વિજેતા

    આણંદ જિલ્લાના આંકલાવ વોર્ડ 1માં ત્રણ અપક્ષ અને 1 ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે.

  • 18 Feb 2025 09:36 AM (IST)

    મહેમદાવાદ પાલિકાના વોર્ડ 1માં ભાજપ પેનલ વિજેતા થઇ

    ખેડા જિલ્લાની મહેમદાવાદ પાલિકાના વોર્ડ 1માં ભાજપ પેનલ વિજેતા થઇ છે.

  • 18 Feb 2025 09:35 AM (IST)

    કચ્છના માંડવીના દશરડી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર વિજયી

    માંડવીના દશરડી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર વિજયી થયા છે.  1708 મતથી ભાજપનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:29 AM (IST)

    સંતરામપુર નગરપાલિકાના વોર્ડ 1ની મતગણતરી પૂર્ણ

    સંતરામપુર નગરપાલિકાના વોર્ડ 1ની મતગણતરી પૂર્ણ થયો છે. ભાજપના ત્રણ ઉમેદવારનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:27 AM (IST)

    પંચમહાલ : કાલોલ નપા વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય

    પંચમહાલ : કાલોલ નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 18 Feb 2025 09:24 AM (IST)

    રાજુલા નપા વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય

    અમરેલી જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે. લેટરકાંડ પછીની આ પહેલી ચૂંટણી છે. ત્યારે અહીં પ્રારંભિક પરિણામો આવ્યો છે. રાજુલા નપા વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:22 AM (IST)

    મોરબી : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતિ

    મોરબીમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતિ મળી છે. 28માંથી 15 બેઠક ભાજપે કબ્જે કરી લીધી છે.

  • 18 Feb 2025 09:18 AM (IST)

    તલોદ નપાની 4 બેઠક પર ભાજપનો વિજય

    તલોદ નગરપાલિકાની 4 બેઠક પર ભાજપના ઉમેદવારોએ ભગવો લહેરાવ્યો છે.  4 બેઠક પર ભાજપ વિજેતા બની છે.

  • 18 Feb 2025 09:17 AM (IST)

    હાલોલ નપાના વોર્ડ 1માં ભાજપના 2 ઉમેદવારનો વિજય

    હાલોલ નપાના વોર્ડ 1માં ભાજપના 2 ઉમેદવારનો વિજય થયો છે.

  • 18 Feb 2025 09:16 AM (IST)

    સોનગઢ પાલિકામાં વોર્ડ 1માં ભાજપનો 4 બેઠક પર વિજય

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામાં આવી રહ્યા છે. સોનગઢ પાલિકામાં વોર્ડ 1માં ભાજપનો 4 બેઠક પર વિજય થયો છે.

  • 18 Feb 2025 09:14 AM (IST)

    સાણંદ વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય

    સાણંદ વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. સાત વોર્ડની 28 બેઠકો માટે મત ગણતરી કરવામાં આવી રહી છે.

  • 18 Feb 2025 09:12 AM (IST)

    માણસા નગરપાલિકા વોર્ડ 1ની ચારેય બેઠકમાં બીજેપીની જીત

    માણસા નગરપાલિકા વોર્ડ 1ની ચારેય બેઠકમાં બીજેપીની જીત થઇ છે. જીતેન્દ્ર ઠાકોરને 1562, જ્યોત્સના વાઘેલાને 1428, દક્ષા પટેલને 1549, મુકેશ પટેલને 1489 મત મળ્યા છે.

  • 18 Feb 2025 09:08 AM (IST)

    ધંધુકા નગરપાલિકાની મત ગણતરી કિકાણી કોલેજ ધંધુકા ખાતે

    સાણંદ, બાવળા અને ધંધુકા નગરપાલિકાની મત ગણતરી  ધંધુકા નગરપાલિકાની કિકાણી કોલેજ ધંધુકા ખાતે શરુ કરવામાં આવી છે. ધંધુકામાં સાત વોર્ડની 28 બેઠક માટે  મતગણતરી ચાલી રહી છે. ધંધુકા 60 ઉમેદવારના ભાવિનો ફેસલો થશે. બાવળા નગરપાલિકાની મતગણતરી એમ સી અમીન ગર્લસ હાઇસ્કુલ ખાતે થશે. સાત વોર્ડની 28 બેઠકો માટે  મત ગણતરી ચાલુ કરી દેવામાં આવી છે.
    સાણંદ નગરપાલિકાની મતગણતરી જેડીજી હાઇસ્કુલ ખાતે શરુ કરવામાં આવી છે.
  • 18 Feb 2025 09:05 AM (IST)

    મહેમદાવાદ નગરપાલિકાની મત ગણતરી સોનાવાલા હાઈસ્કૂલ ખાતે

    ખેડા જિલ્લાની 5 નપા અને 2 તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીની આજે મત ગણતરી છે. મહેમદાવાદ નગરપાલિકાની મત ગણતરી સોનાવાલા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામાં આવશે. સોનાવાલા હાઈસ્કૂલ ખાતે મહેમદાવાદ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત (પેટાચૂંટણી )સીટની મત ગણતરી કરાશે.

  • 18 Feb 2025 08:54 AM (IST)

    રાજકોટ જિલ્લામાં સત્તા જાળવી રાખવા ભાજપનો લક્ષ્યાંક

    રાજકોટ જિલ્લામાં સત્તા જાળવી રાખવા ભાજપનો લક્ષ્યાંક છે. જેતપુર, ધોરાજી, ઉપલેટામાં ભાજપના પરિણામ પર સૌની નજર રહેશે. સવાલ એ ઊભો થયો છે કે જયેશ રાદડિયાના ગઢમાં કોંગ્રેસ પાડી શકશે ગાબડું ? જસદણમાં પણ પ્રધાન કુંવરજી બાવળિયાની પ્રતિષ્ઠા દાવ પર છે.

  • 18 Feb 2025 08:45 AM (IST)

    અમરેલી પાલિકાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર

    અમરેલી પાલિકાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર રહેશે. ચૂંટણી પ્રચારમાં લેટરકાંડ અને પાયલ ગોટી વિવાદ મુખ્ય મુદ્દો રહ્યો. લેટરકાંડને કારણે ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં જોવા ન મળ્યા. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું હોમટાઉન અમરેલી છે. જાફરાબાદમાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન સ્થપાયું છે.

  • 18 Feb 2025 08:32 AM (IST)

    જૂનાગઢમાં 6 પાલિકા પર કબજો જમાવવા ભાજપ-કોંગ્રેસનું જોર

    જૂનાગઢમાં 6 પાલિકા પર કબજો જમાવવા ભાજપ-કોંગ્રેસનું જોર જોવા મળી રહ્યુ છે. બાંટવામાં ચૂંટણી પહેલા જ ભાજપને બહુમતી મળી. બાંટવામાં 12 બેઠકો બિનહરીફ થતાં ભાજપનું શાસન. ચોરવાડ પાલિકા જીતવા ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ જામ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે.

  • 18 Feb 2025 08:25 AM (IST)

    મધ્ય ગુજરાતમાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસના હવાતિયા

    મધ્ય ગુજરાતમાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ હવાતિયા જોવા મળી રહ્યા છે. 5 નગરપાલિકાની 15 બેઠકોમાં ભાજપ બિનહરીફ છે. ગત ચૂંટણીમાં ખેડા અને ડાકોરમાં અપક્ષનું શાસન રહ્યું. ગત ચૂંટણીમાં મહેમદાવાદ અને ચકલાસીમાં ભાજપે જીત મેળવી હતી.

  • 18 Feb 2025 08:20 AM (IST)

    ધંધુકા, બાવળા અને સાણંદમાં ખરાખરીનો જંગ

    અમદાવાદ જિલ્લામાં ધંધુકા, બાવળા અને સાણંદમાં ખરાખરીનો જંગ જોવા મળશે. સાણંદમાં 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઇ છે. સાણંદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. સાણંદમાં વોર્ડ નંબર 7માં બોગસ વોટિંગના પણ આક્ષેપો થયા હતા.

  • 18 Feb 2025 08:18 AM (IST)

    જામનગર: ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં-7ની પેટા ચૂંટણી જાહેર

    જામનગર: ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં-7ની પેટા ચૂંટણી જાહેર થઇ છે. વોર્ડ નં-7ની 16 માર્ચે પેટાચૂંટણી યોજાશે. વોર્ડ નં-7 માં ફરી ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે. કોંગ્રેસ ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થયું હતું, કોંગ્રેસ ઉમેદવારનું નિધન થતા ચૂંટણી રદ કરાઈ હતી. 24 ફેબ્રુઆરીના રોજ નોટિસ પ્રસિદ્ધ થશે. 1 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્ર ભરાશે. 18 માર્ચે ધ્રોલના વોર્ડ 7નું પરિણામ આવશે.

  • 18 Feb 2025 07:52 AM (IST)

    નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત

    નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત થઇ છે. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. જ્ઞાનેશ કુમાર રાજીવ કુમારનું સ્થાન લેશે. CEC રાજીવ કુમાર આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે. 26 જાન્યુઆરી 2029 સુધી જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ રહેશે.

  • 18 Feb 2025 07:49 AM (IST)

    જૂનાગઢ મનપાની 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક બિનહરીફ

    જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે. એટલે બાકીની 52 બેઠકો માટેનું આજે પરિણામ જાહેર થશે. 52 બેઠક પર કુલ 157 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે.

  • 18 Feb 2025 07:39 AM (IST)

    66 નગરપાલિકાના 461 પૈકી 24 વોર્ડ બિનહરીફ

    ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠકોનું પરિણામ જાહેર થશે.

  • 18 Feb 2025 07:38 AM (IST)

    આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ

    રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું, જે 2018ની સરખામણીએ 8 ટકા ઓછું રહ્યું. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવ્યું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોનું શાસન સ્થપાશે તેને ફેંસલો આજે થઇ જશે.

Published On - Feb 18,2025 7:36 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">