26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 178 તાલુકામાં વરસાદ, ઘોઘામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2024 | 9:00 PM

આજે 26 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 178 તાલુકામાં વરસાદ, ઘોઘામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

પેરાસિટામોલ સહિતની 53 દવાઓ ગુણવત્તા પરિક્ષણમાં ફેઇલ થઇ છે. મલ્ટી વિટામીન્સ, શુગર, BP અને એન્ટી બાયોટિક્સ દવાઓના નમૂનાઓ પણ નિષ્ફળ ગયા છે.બીજી તરફ હરિયાણામાં પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. જ્યા કહ્યું કોંગ્રેસ આવશે તો હરિયાણા બરબાદ થશે. તો જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું રાહુલ ગાંધીએ વચન આપ્યુ છે. કૃષિ કાયદાઓ પર કંગના રણૌતે યુ-ટર્ન લીધો અને કહ્યું, આ મારો અંગત અભિપ્રાય છે અને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. મહારાષ્ટ્રનાં પૂણે, વિદર્ભ, મરાઠવાડા, સાંગલી, થાણે અને જલગાંવમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુંબઇમાં ભારે વરસાદને કારણે આજે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર થઇ છે. સુરત શહેરમાં 3 ઇંચ વરસાદ ઠેર ઠેર પાણી ભરાયું છે. તો ઉમરપાડામાં 5.39ઇંચ વરસાદ ખાબક્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Sep 2024 08:46 PM (IST)

    આજે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 178 તાલુકામાં વરસાદ, ઘોઘામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

    ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ચાર ઈંચ, ભાવનગર અને પાલિતાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ઉનામાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

  • 26 Sep 2024 08:22 PM (IST)

    અમદાવાદના IIM કેમ્પસની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો

    અમદાવાદના IIM કેમ્પસની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. તેલંગાણાના વારંગલના અક્ષીત ભૂખીયા નામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસ IIM કેમ્પસની હોસ્ટેલમાં પહોચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 26 Sep 2024 06:27 PM (IST)

    બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારની રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી

    બિલકિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવમાં આવ્યો હતો. ગુજરાત સરકારના આ નિર્ણયને રદ કરીને સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના મુક્ત કરેલા દોષીતોને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની ફેર વિચારણા કરવા માટે રિવ્યુ પિટિશન કરી હતી. જેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

  • 26 Sep 2024 06:11 PM (IST)

    પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ 92 વર્ષના થયા, PM મોદીએ ફોન કરીને પાઠવી શુભેચ્છા

    ભારતમાં આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે ઓળખ મેળનારા અને દેશના બે વખત વડાપ્રધાન બનેલા ડૉ.મનમોહન સિંહ આજે 92 વર્ષના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે.

  • 26 Sep 2024 05:26 PM (IST)

    ભીંડાના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોએ કલેકટર કચેરીમાં કર્યા સૂત્રોચ્ચાર

    તાપીના વ્યારા માર્કેટ યાર્ડ ખાતે ભીંડાના પોષણક્ષમ ભાવ ના મળતા, ખેડૂતો જિલ્લા કલેકટર કચેરીમાં પહોચીને સૂત્રોચ્ચાર કર્યો હતો. ભીંડાના ભાવ મુદ્દે ગઈકાલે ખેડૂતોએ તોડફોડ કરી હતી. આજે એપીએમસી ખાતે હરાજી બંધ કરાવીને જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોચ્યાં હતા. સેવા સદનના ગેટ પર ખેડૂતોએ ભીંડા ફેકયા હતા.

  • 26 Sep 2024 05:08 PM (IST)

    રાજકોટમાં BRTS બસની હડફેટે આવેલ વૃદ્ધ મહિલાનું મોત

    રાજકોટના નાનામૌવા સર્કલ નજીક, બીઆરટીએસ બસની હડફેટે આવેલ વૃદ્ધ મહિલાનું મોત થયું છે. વૃદ્ધા રેલિંગ ઓળંગીને રોડ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો હતો. BRTS રૂટ પર પ્રતિબંધ હોવા છતા કેટલાક લોકો રેલિંગ ઓળંગીને પ્રવેશ કરે છે. મૃતકની ઓળખ સોનલબેન ભરવાડ તરીકે થવા પામી છે.

  • 26 Sep 2024 05:04 PM (IST)

    પંચમહાલના કાલોલમાં વૃક્ષ ધરાશાયી થતા માતા- પુત્રીનું મોત

    પંચમહાલના કાલોલમાં વૃક્ષ ધરાશાયી થતા માતા અને પુત્રીનું મોત થવા પામ્યું છે. ગતરાતે કાલોલના ચોરા ડુંગરી ગામે વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં દબાઈ જવાથી માતા દિવાળીબેન અને પુત્રી ટીનાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કાચા મકાનની બાજુમાં આવેલ ઝાડ પડતા બન્ને તેની નીચે દબાઈ જવાથી મોત થયું હતું. બન્નેના મૃતદેહોને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

  • 26 Sep 2024 04:54 PM (IST)

    હિઝબુલ્લાએ કર્યો ભારે હુમલો, ઇઝરાયેલના કિરયાત શમોનામાં અનેક વિસ્ફોટ

    ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વેગ પકડી રહ્યું છે. ઈઝરાયેલના હવાઈ હુમલા બાદ હવે હિઝબુલ્લા પણ જોરદાર હુમલો કરી રહ્યું છે. હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર એક સાથે અનેક રોકેટ છોડ્યા છે. આમાં કિરયાત શમોનામાં અનેક વિસ્ફોટ પણ થયા હતા. આ તમામ રોકેટ દક્ષિણ લેબનોનથી છોડવામાં આવી રહ્યા છે.

  • 26 Sep 2024 04:36 PM (IST)

    ગુજરાતમાં સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 94 તાલુકામાં 1 મિલીમીટરથી લઈને 65 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગરના ઘોઘામાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડના ઉંમરગામ અને નવસારીના ખેરગામમાં બે ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

  • 26 Sep 2024 04:20 PM (IST)

    કો-ઓપ બેન્કિંગ સેક્ટર માટે ટેક્નોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા દ્વારા વિકાસનો આ સુવર્ણકાળ છે : ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ગાંધીનગરમાં યોજાયેલા સહકાર સેતુ 2024નો પ્રારંભ કરવાતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ટેક્નોલોજીનો લાભ લઈને સંચાલનમાં પારદર્શિતા સાથે વિકાસ કરી શકે તેવો આજનો સુવર્ણ સમય છે.

    આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે સફળ પરિણામદાયી પ્રયાસો હાથ ધરાયા છે. કો-ઓપરેટિવ બેન્કિંગથી લઈને PACS સુધી દરેક ક્ષેત્રે ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા સહકાર સેતુ-2024 મેગા ઈવેન્ટ તથા વેસ્ટ ઈન્ડિયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન દ્વારા યોજાયેલા આ સમિટમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • 26 Sep 2024 03:57 PM (IST)

    અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

    અમદાવાદનું આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું. રિલીફ રોડ અને આસપાસના વિસ્તારના વરસાદ વરસ્યો. વાસણા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. શહેરના કેટલાક વિસ્તારો પણ ભારે વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. પૂર્વ વિસ્તારમાં પણ આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે.

  • 26 Sep 2024 03:40 PM (IST)

    દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે દહેગામ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી  દહેગામના રસ્તા પર પાણી ભરાયા હતા.

  • 26 Sep 2024 03:39 PM (IST)

    અંબાલાલ પટેલની આગાહી-આગામી 72 કલાક સહીત નવરાત્રીના આ દિવસોમાં પડશે વરસાદ

    હવામાન અંગે આગાહી કરનાર અંબાલાલ પટેલે, ગુજરાતમાં 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તેમણે નવરાત્રીમાં પણ આ વર્ષે વરસાદ વિધ્ન બનશે તેવી આગાહી કરી છે. આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા રહેશે.

  • 26 Sep 2024 03:28 PM (IST)

    નર્મદાના પ્રતાપનગરના ગ્રામજનોએ, સાધુને ચોર સમજીને આપ્યો મેથીપાક

    નર્મદાના પ્રતાપનગર ગામમાં સાધુને ચોર સમજીને ગ્રામજનોએ મેથીપાક આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા ઉપર ગામડા વિસ્તારોમાં ચોર ટોળકીઓ ફરી રહી છે તેવા મેસેજ વહેતા થયા છે. આ મેસેજને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ગભરાટ અને ભય ફેલાયો છે. પ્રતાપનગર ગામમાં આવેલ સાધુ પર શંકા જતા, ગ્રામજનો દ્વારા પૂછતાછ કરવામાં આવી હતી. ગ્રામજનોને યોગ્ય જવાબ ના મળતા લોકોએ સાધુને ચોર સમજીને ઠમઠોર્યો હતો. ગ્રામજનોએ પોલીસને આ અંગે જાણ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • 26 Sep 2024 03:13 PM (IST)

    અમૂલ ઘીથી લાડુ બગડી જતા હોવાનું કહેનાર ડાકોર મંદિરના સેવક આશિષભાઈ સામે કરાશે કાનુની કાર્યવાહી

    ડાકોર મંદિરમાં લાડુ પ્રસાદમાં વપરાતા અમૂલ ઘીના લીધે લાડુ બગડી જતા હોવાનો સેવક દ્વારા આક્ષેપ કરાયેલ હતો. આ મામલે હવે અમુલ ડેરીના એમડી ડોકટર અમિત વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. ડો અમિત વ્યાસે જણાવ્યું છે કે, ડાકોર મંદિરના સેવક આશિષભાઈના આક્ષેપ પાયા વિહોણા છે. આશિષભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • 26 Sep 2024 02:30 PM (IST)

    ગત વર્ષની સરખામણીમાં ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં 24 ટકાનો વધારો

    પ્રવાસન મંત્રી મુળુભાઈએ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું છે કે, સુરક્ષા અને શાંતિ માટે ઓળખાતા ગુજરાતની વર્ષ 2023-24 દરમિયાન કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ 23.43 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં 11.38 કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે 7.21 કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જે ગત વર્ષ 2022-23 દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી એટલે કે, ગયા વર્ષની સરખામણીએ વર્ષ 2023-24 માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 24.07 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

  • 26 Sep 2024 02:18 PM (IST)

    ગાંધીનગરઃ આંગણવાડીની બહેનોનું ફરી આંદોલન

    ગાંધીનગરઃ આંગણવાડીની બહેનોએ ફરી આંદોલન શરુ કર્યુ છે. સત્યાગ્રહ છાવણી ખાતે 200થી વધુ મહિલાઓ ભેગી થઈ હતી. NHMમાં સામેલ કરવાની મહિલાઓએ ઉગ્ર માગ કરી છે. સખી મંડળમાં સમાવેશ બાદ ફરી અમને કાઢી મુકાયા હોવાનું મહિલાઓએ જણાવ્યુ. કહ્યુ-છેલ્લા આઠ વર્ષથી પગાર વધારો મળ્યો નથી. PF કે રજા સહિતની સુવિધાઓથી પણ મહિલાઓ વંચિત છે. NHMમાં સામેલ કરાયા બાદ તમામ લાભ મળશે.

  • 26 Sep 2024 02:16 PM (IST)

    કેમિકલ વેસ્ટના નિકાલ મામલે મુખ્યપ્રધાને ચિંતા કરતા કરી ટકોર

    કેમિકલ વેસ્ટના નિકાલ મામલે મુખ્યપ્રધાને ચિંતા કરતા ટકોર કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે  માનવજાતને નુકસાન કરીને રોજગાર નહીં કરી શકાય. તમે ઉકેલ આપો, જેટલો પણ ખર્ચો થશે તેને સરકાર ઉઠાવવા તૈયાર છે. કેમિકલ એન્ડ પેટ્રો કેમિકલ કોન્કલેવમાં મુખ્યપ્રધાને આ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે કેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીને ગ્રીન રિવોલ્યુશન તરફ લઈ જવાનો પ્રયાસ છે. દેશમાં કેમિકલ, પેટ્રોકેમિકલના ઉત્પાદનમાં ગુજરાતનું 50 ટકા યોગદાન છે. વર્ષ 2030 સુધી ગ્રીન રિવોલ્યુશન તરફ આગળ વધવાનો ટાર્ગેટ છે.

  • 26 Sep 2024 12:56 PM (IST)

    મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારનો મહત્વનો નિર્ણય

    મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારે મહત્વનો નિર્ણય લીધો.  અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફીક નિવારણ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ચારેય મહાનગરોમાં ટ્રાફિકના પ્રશ્નોના નિવારણ માટે મહિનામાં એકવાર બેઠક ફરજિયાત રહેશે. મનપાના કમિશનર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં ફરજિયાત બેઠક યોજવી પડશે. ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, જોખમી અકસ્માતના કારણ તથા નિવારણ માટે ચર્ચા કરવાની રહેશે.  દર મહિને રિપોર્ટ ગૃહ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગને સોંપવાનો રહેશે.

  • 26 Sep 2024 12:21 PM (IST)

    શિવસેનાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત

    શિવસેનાના સાંસદ (ઉદ્ધવ જૂથ) સંજય રાઉત માનહાનિના કેસમાં દોષી સાબિત થયા છે. કોર્ટે તેને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે તેના પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટે રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મેધાએ તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.

  • 26 Sep 2024 12:19 PM (IST)

    વડોદરા એરપોર્ટની છત પરથી ટપક્યું પાણી

    વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યુ છે. વડોદરા એરપોર્ટની છત પરથી પાણી ટપક્યું છે. છતમાંથી પાણીની ધાર વહીને જમીન પર પડતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગઇકાલે વરસેલા સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે. અગાઉ પણ એરપોર્ટની છતમાંથી પાણી લીકેજ થયું હતું.

  • 26 Sep 2024 12:14 PM (IST)

    ગાંધીનગર: મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સહકાર સેતુ કાર્યક્રમનું આયોજન

    ગાંધીનગર: મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સહકાર સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના લોકોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સહકારી ક્ષેત્રને આગળ વધારવાના PMના પ્રયાસોની CMએ  પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે દરેક સેક્ટરમાં સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર થયું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી વિકાસ થયો છે. સહકારી ક્ષેત્રને સમય સાથે નહીં, સમયથી બે ડગલાં આગળ ચાલતું કર્યું.

  • 26 Sep 2024 11:37 AM (IST)

    અરવલ્લી: મોડાસાના ગેબી બ્રિજ પાસે ફેંકાયો મેડિકલ વેસ્ટ

    અરવલ્લી: મોડાસાના ગેબી બ્રિજ પાસે મેડિકલ વેસ્ટ ફેંકાયેલો જોવા મળ્યો. સ્થાનિકોએ જાહેરમાં ફેંકાયેલ મેડિકલ વેસ્ટનો વીડિયો વાયરલ કર્યો. એક્સપાયરી ડેટની ટેબ્લેટ સહિત મેડિકલ વેસ્ટના જથ્થાનો વીડિયો વાયરલ થયો છે. આરોગ્ય વિભાગ આ અંગે તપાસ કરે તેવી લોકોએ માગ કરી છે.

  • 26 Sep 2024 11:15 AM (IST)

    કચ્છઃ ખાવડા ગામેથી જમ્મુ કાશ્મીરનો યુવક પકડાયો

    કચ્છઃ ખાવડા ગામેથી જમ્મુ કાશ્મીરનો યુવક પકડાયો. યુવાન ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને પાકિસ્તાન જવા કચ્છ આવ્યો હતો. યુવક દેશની સીમા ઓળંગી પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો. ખાવડા પોલીસે યુવાનને પકડી પૂછપરછ કરી. પોલીસ તથા અન્ય એજન્સીની પૂછપરછમાં કંઈ સામે ન આવતા યુવકને જવા દેવાયો. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે.

  • 26 Sep 2024 10:57 AM (IST)

    મહારાષ્ટ્રઃ ભારે વરસાદને કારણે વડાપ્રધાન મોદીની પુણેની મુલાકાત રદ

    મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન મોદીની પુણેની મુલાકાત રદ કરવામાં આવી છે. હાલમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે હાલત ખરાબ છે. હવામાન વિભાગે મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. 14થી વધુ ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

  • 26 Sep 2024 09:42 AM (IST)

    સુરતઃ ડાયમંડ કંપનીમાં લાગેલી આગમાં એકનું મોત

    સુરતઃ ડાયમંડ કંપનીમાં લાગેલી આગમાં એકનું મોત થયુ છે. કતારગામમાં ગજેરા સર્કલ પાસે આર.બી.ડાયમંડ કંપનીમાં આગ લાગી હતી. બે દિવસની સારવાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્મચારીનું મોત થયુ છે. આગ અને બ્લાસ્ટની ઘટનામાં 14 કર્મચારીઓ ઘવાયાં હતા. હજુ ત્રણ કર્મચારીઓની ICU માં સારવાર ચાલુ છે. ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની સાથે આગ લાગી હતી.

  • 26 Sep 2024 08:42 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ

    છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ, વડોદરામાં 3.4 ઈંચ વરસાદ વરસ્યો, નવસારીમાં 3 ઈંચ વરસાદ, 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 39 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

  • 26 Sep 2024 08:40 AM (IST)

    ઝારખંડ: બલ્લભગઢ જતી માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

    ઝારખંડના તુપકડીહ રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ માલગાડી બોકારો સ્ટીલ પ્લાન્ટથી બલ્લભગઢ જઈ રહી હતી. જેના કારણે અડધો ડઝનથી વધુ ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે. બોકારો ગોમો રેલ્વે માર્ગ પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અકસ્માતની માહિતી મળતાં આદ્રા ડિવિઝનના રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

  • 26 Sep 2024 08:37 AM (IST)

    મુંબઈના અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

    મુંબઈમાં આજે પણ વરસાદ માટે રેડ એલર્ટ છે. પાલઘર, નાસિક, સોલાપુર અને સાતારામાં પણ ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે.

  • 26 Sep 2024 07:33 AM (IST)

    બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરના સમઢિયાળા, સેથળી તેમજ ગઢડાના ઢસા ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે વરસ્યો ધમધોકાર વરસાદ વરસ્યો છે.

  • 26 Sep 2024 07:32 AM (IST)

    વડોદરા: કરજણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ

    વડોદરા: કરજણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ચાલુ વરસાદે કરજણ ફાયર વિભાગે ખડેપગે કાર્યવાહી કરી છે. નેશનલ હાઇવે 48 ધાવત ચોકડી ઓવર બ્રિઝ પાસે બાજુમાં કરજણ સર્વિસ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમા કરજણ ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વૃક્ષો દૂર કર્યા હતા.

Published On - Sep 26,2024 7:31 AM

Follow Us:
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">