Gujarat News Update : લખનૌનો 10 રનથી રોમાંચક વિજય, રાજસ્થાન સામે 154નો સ્કોર બચાવ્યો, અવેશ ખાનની 3 વિકેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 11:51 PM

Gujarat Live Updates : આજ 19 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Gujarat News Update : લખનૌનો 10 રનથી રોમાંચક વિજય, રાજસ્થાન સામે 154નો સ્કોર બચાવ્યો, અવેશ ખાનની 3 વિકેટ
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

Updateઆજે 19 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Apr 2023 11:27 PM (IST)

    લખનૌનો 10 રનથી રોમાંચક વિજય, રાજસ્થાન સામે 154નો સ્કોર બચાવ્યો, અવેશ ખાનની 3 વિકેટ

    IPL 2023 ની 26 મેચ સમાપ્ત થઈ ચુકી છે. બુધવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર જીત મેળવી હતી. સંજૂ સેમસને ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા કાઈલ માયર્સે અડધી સદી વડે 154 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 7 વિકેટ ગુમાવીને આ સ્કોર લખનૌએ નોંધાવ્યો હતો, જે રાજસ્થાનને હોમગ્રાઉન્ડ પર આસાન લક્ષ્ય સમાન હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સ 6 વિકેટ ગુમાવીને નિર્ધારીત ઓવરમાં 146 રન જ નોંધાવી શક્યુ હતુ. આમ 10 રનથી લખનૌની જીત રાજસ્થાનના હોમગ્રાઉન્ડમાં થઈ હતી.

  • 19 Apr 2023 10:39 PM (IST)

    2002 Gujarat riots: નરોડા ગામ હત્યાકાંડ કેસનો ચુકાદો ગુરુવાર 20 એપ્રિલે આવવાની પુરી સંભાવના

    2002ના નરોડા ગામ કોમી રમખાણ કેસ જેમાં લઘુમતિ સમુદાયના અગિયાર લોકો માર્યા ગયા હતા તે કેસમાં અહીંની વિશેષ અદાલત ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી એ 86 આરોપીઓમાં સામેલ છે જેમની આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18ના મધ્યવર્તી ગાળામાં મૃત્યુ થયા હતા.

  • 19 Apr 2023 09:39 PM (IST)

    મુખ્તાર અંસારી પર કાર્યવાહી, પત્ની અફશા અંસારી પર 25 હજારનું ઈનામ

    પોલીસ મુખ્તાર અન્સારી પર તેની પકડ વધુ કડક કરી રહી છે. પોલીસે IS-191 ગેંગ લીડર મુખ્તાર અંસારીની પત્ની અફશા અન્સારી પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું છે. આ માહિતી પોલીસ અધિક્ષક અવિનાશ પાંડેને આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અફશા અંસારી વિરુદ્ધ દક્ષિણટોલામાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અફશા અંસારી લાંબા સમયથી ફરાર છે.

  • 19 Apr 2023 09:01 PM (IST)

    J&Kના 6 જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી

    ખરાબ હવામાન વચ્ચે બુધવારે જમ્મુ-કાશ્મીરના 6 જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર ડોડા, કિશ્તવાડ, પૂંચ, રામબન અને બારામુલ્લા જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 24 કલાકમાં ગાંદરબલ જિલ્લામાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે.

  • 19 Apr 2023 09:00 PM (IST)

    અમૃતસરની અટારી-વાઘા બોર્ડર પાસે પાકિસ્તાન તરફથી આવેલુ ડ્રોન મેદાનમાં પડ્યું

    અમૃતસરની અટારી-વાઘા બોર્ડર પાસેના મહવા ગામમાં ઘઉંની કાપણી કરતા મશીન પાસે પાકિસ્તાનનું ડ્રોન પડ્યું હતું. ડ્રોનને જોયા બાદ ખેડૂતોએ તરત જ પોલીસ અને બીએસએફના અધિકારીઓને તેની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ડ્રોનનો કબજો મેળવીને તપાસ શરૂ કરી છે.

  • 19 Apr 2023 08:10 PM (IST)

    ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાએ YT ટેબ્લોઈડ સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, આવતીકાલે થશે સુનાવણી

    અમિતાભ બચ્ચનની પૌત્રી અને ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને તેના હેલ્થ વિશે ‘ફેક ન્યૂઝ’ ફેલાવવા બદલ યુટ્યુબ ટેબ્લોઇડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની સુનાવણી 20 એપ્રિલે થશે.

  • 19 Apr 2023 07:49 PM (IST)

    રાજ્યમાં કોરોનાનો કહેર, આજે નોંધાયા નવા 323 કેસ, 2000થી વધુ એક્ટિવ કેસ

    આજે 19 એપ્રિલે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 323 કેસ નોંધાયા છે અને 381 દર્દીઓ સાજા થયા છે. ત્યારે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 2091 કેસ હાલમાં રાજ્યમાં એક્ટિવ છે સાથે જ રિક્વરી રેટ 98.98 ટકા નોંધાયો છે.  ગઈ કાલ કરતા આજે કોરોનાના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે.

  • 19 Apr 2023 07:25 PM (IST)

    ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

    રાજ્યમાં ખેડૂતોના માટે માવઠાનું સંકટ હજુ પણ યથાવત્ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાકમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે. વાતાવરણમાં ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા છે. તો બીજીતરફ આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં 1 ડિગ્રી તાપમાન વધી કે ઘટી શકે છે.. અને 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

  • 19 Apr 2023 07:19 PM (IST)

    Atiq Ahmed: લો બોલો કોંગ્રેસના ઉમેદવારે અતિક એહમદને ભારત રત્ન આપવાની માગ કરી

    પ્રયાગરાજઃ કોંગ્રેસના નેતાએ માફિયા અતીક અહેમદને શહીદનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી છે. આ સાથે અતીક અહેમદને મરણોત્તર ભારત રત્ન આપવાની પણ માંગ કરવામાં આવી છે. આ વિચિત્ર માંગ પ્રયાગરાજના વોર્ડ નંબર 43 (દક્ષિણ મલાકા)થી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા રાજકુમાર સિંહ ઉર્ફે રાજુ ભૈયાએ કરી છે. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પાર્ટીએ તેમને 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે. મીડિયા સાથે વાત કરતા રાજકુમાર સિંહે કહ્યું કે યોગી સરકારમાં જે રીતે અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી. આના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

  • 19 Apr 2023 06:49 PM (IST)

    પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ફરી એક વખત સમન્સ પાઠવ્યું, 21 એપ્રિલે પોલીસ સમક્ષ થવુ પડશે હાજર

    ભાવનગરમાં ડમી કૌભાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ફરી એક વખત સમન્સ પાઠવ્યું છે. પોલીસે યુવરાજસિંહને 21 એપ્રિલ એટલે કે શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે. ડમી કૌભાંડ મામલે ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં SITના સભ્યો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ડમી કૌભાંડમાં અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ મહત્વના પુરાવાઓ એકત્ર કરવા સહિતના મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી.

  • 19 Apr 2023 06:42 PM (IST)

    Bogus Doctor: સુરતના લિંબાયતમાંથી વધુ એક મુન્નાભાઈ ઝડપાયો, પોલીસે સર્ટિફિકેટ માગ્યુ તો કર્યા ઠાગાઠૈયા

    સુરતના લીંબાયત વિસ્તારમાંથી બોગસ ડોકટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી ડોક્ટર ન હોવા છતાં પણ પોતાની ઓળખ ડોક્ટર તરીકે ઉભી કરી બીમાર લોકોને એલોપેથીક દવા અને ઈન્જેકશન આપી તેમના સ્વાસ્થય સાથે ચેડા કરતો હતો. બનાવને પગલે પોલીસે તેના ક્લિનિકમાંથી દવાઓ તથા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હાલ તો બોગસ ડોકટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 19 Apr 2023 06:18 PM (IST)

    એસ જયશંકરનો યુગાન્ડા અને મોઝામ્બિકનો પ્રવાસ, મોઝામ્બિકની મુલાકાત લેનાર ભારતના પ્રથમ વિદેશમંત્રી બન્યા

    આઝાદી પછી દેશમાં અનેક પક્ષોની સરકારો આવી અને ગઈ પણ એ ઈતિહાસ ન બની શક્યો જે હવે બનવા જઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે છ દિવસની યુગાન્ડા અને મોઝામ્બિક મુલાકાત લઇને એ જ ઈતિહાસ રચ્યો છે, જે અત્યાર સુધી દેશની કોઈ સરકાર કરી શકી નથી. તેમની મુલાકાત દરમિયાન, એસ જયશંકર દેશની બહાર પ્રથમ વખત યુગાન્ડામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ટ્રાન્ઝિટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પછી જયશંકર મોઝામ્બિકની મુલાકાતે હતા. ભારતમાંથી કોઈપણ વિદેશ મંત્રીની મોઝામ્બિકની આ પ્રથમ મુલાકાત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

  • 19 Apr 2023 05:26 PM (IST)

    Ahmedabad : ચાંદખેડામાં નવજાત બાળકની 10માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી

    અમદાવાદ શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના બની છે. અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા થઇ છે. નવજાત બાળકને 10 માળેથી ફેંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. નિર્દોષ બાળકની નિર્દયી રીતે હત્યા થવાથી સનસનાટી ફેલાઈ ગઇ છે. ત્યારે પોલીસે આ મામલામાં એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે. સાથે જ FSLની મદદ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

  • 19 Apr 2023 04:25 PM (IST)

    મસ્જિદો પર લાઉડ સ્પીકરનો વિવાદ, સરકારને વિગતવાર સોગંદનામું રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

    ગુજરાત હાઈકોર્ટેમાં ગાંધીનગરના ડોકટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડ સ્પીકર મુદ્દે અગાઉ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડોકટરના ક્લિનિકની પાસેની મસ્જિદમાં લાઉડ સ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાનનો અવાજ આવતો હતો. જેથી આ ધ્વનિ પ્રદુષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી રજુઆત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી.

    અરજદાર દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે. પરંતુ લાઉડ સ્પીકર અને માઈક્રોફોન તેનો અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે તે રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત તેનો ઉપયોગ કરી શકાય નહીં.

  • 19 Apr 2023 04:18 PM (IST)

    અતીક-અશરફ હત્યા કેસમાં SITને 40 CCTV ફૂટેજ મળ્યા

    પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યાની તપાસ કરી રહેલી SIT ટીમે કુલ 40 ફૂટેજ એકત્રિત કર્યા છે. SITએ જંકશનથી કોલવિન હોસ્પિટલ સુધીના 40 CCTV ફૂટેજ એકત્ર કર્યા છે. જેમાં સ્ટેશન રોડથી હોસ્પિટલ વચ્ચેના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપલબ્ધ છે. SITને મળેલા કુલ 40 CCTV ફૂટેજના આધારે SIT ટીમ તપાસ આગળ ધપાવશે.

  • 19 Apr 2023 04:17 PM (IST)

    Surat: નકલી ચલણી નોટનું રાજ્યવ્યાપી રેકેટ ઝડપાયું

    સુરતના અમરોલી પોલીસને ચલણી નોટોના રેકેટને ઝડપવામાં મોટી સફળતા મળી છે. રાજ્યવ્યાપી ડુપ્લીકેટ ચલણી નોટને માર્કેટમાં ફરતી કરવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. સુરતના અમરોલીમાંથી 90 હજારની નકલી ચલણી નોટો સાથે બે આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બેંગલોરથી 4.50 લાખથી વધુની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે વધુ એક આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. બેંગલોરથી ડુપ્લીકેટ નોટ સુરત મોકલવામાં આવતી હતી. ત્યારે પોલીસે આરોપી દ્વારા અન્ય કેટલા શહેરો અને રાજ્યની કેટલી જગ્યાએ નોટો મોકલવામાં આવી છે તે દિશામાં તપાસ કરી રહી છે

    નકલી નોટ ફેરવનારને પકડી અપાયો મેથીપાક

    ગત 14મી તારીખે રાત્રે આરોપી શાંતિલાલ મેવાડા બીજીવાર 500 ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર આવ્યો હતો. આથી વૃદ્વે તેને પકડી લઈ મેથીપાક આપી અમરોલી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે શાંતિલાલ મેવાડા પાસેથી 500ના દરની નકલી 181 ચલણી નોટો અને 50 ના દરની 32 નોટો મળી આવી હતી. આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટો પિતરાઇભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હોવાનું જણાવ્યુ છે.

  • 19 Apr 2023 03:29 PM (IST)

    Kheda: ડુપ્લીકેટ હળદરની તપાસનો રેલો કોચીન સુધી પહોંચ્યો, નડિયાદ પોલીસ કોચીનમાં તપાસ માટે જશે

    ખેડા જિલ્લાના નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ હળદર પકડવાનો મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં નડિયાદ ટાઉન પોલીસના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ચોંકાવનારી માહિતી સામે આવી હતી. હળદર બનાવવા વપરાતુ કેમિકલ કોચીનથી આવતુ હોવાનું સામે આવ્યું.

    આરોપીઓની પુછપરછમાં મોટો ખુલાસો

    મિલ રોડ પર આવેલી ફેક્ટરી જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આરોપી અમિત ટહેલ્યાણી અને પંકજ ટહેલ્યાણી 2017થી ડુપ્લીકેટ હળદર બનાવતા હતા અને ડુપ્લીકેટ હળદરને કરી પાવડરમાં મિક્સ કરી સિલોડ ખાતે આવેલી ડી દેવ ફેક્ટરીમાં મોકલી પેકીંગ કરી દેશ વિદેશમાં વેચાણ કરતા હતા. સૌથી મહત્વનું મિલ રોડ પર આવેલ ફેક્ટરીમાંથી પોલીસે ઝડપેલું ઓલિયોરેઝીન નામનું કેમિકલ કોચીનથી મગાવવામાં આવતું હતું, તેમ આરોપીઓએ પોલીસને જણાવ્યું છે.

  • 19 Apr 2023 03:09 PM (IST)

    નર્મદા પરિક્રમા માટે આવેલા લોકો સાથે દુર્ઘટના, સુરતથી આવેલા લોકોની હોડી પલટી ગઇ

    નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર 1 દિવસ જ બાકી છે. ત્યારે નર્મદા પરિક્રમા માટે આવેલા સુરતના લોકો જે હોડીમાં બેઠા હતા તે પલ્ટી મારી ગઈ હોવાની માહિતી સામે આવી છે. એન્જિન વગરની હોડીમાં 6 પરિક્રમાર્થીઓ બેઠા હતા. માછીમારી માટે વપરાતી આ હોડીમાં લાઈફ જેકેટની પણ વ્યવસ્થા હતી નહીં.

  • 19 Apr 2023 02:45 PM (IST)

    Rajkot: મોજ નદીનું પાણી બન્યુ રંગીન, ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો સ્થાનિકોનો આક્ષેપ

    રાજ્યમાં નદી પ્રદૂષિત થવાની ઘટના સતત સામે આવતી હોય છે. પહેલા સાબરમતી, પછી તાપી અને હવે રાજકોટની મોજ નદી ઉદ્યોગોના પાપે દૂષિત બની છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોજ નદીના પાણીનો રંગ જ ચાડી ખાય છે કે અહીં કોઈ તો પાપ કર્યું છે. મોજ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાણીનો રંગ જ બદલાઇ ગયો છે અને મોજ નદીનું નિર્મળ જળ, સ્વચ્છ જળ, રંગીન બની ગયુ છે. સ્થાનિકોનું માનીએ તો આ વિસ્તારના ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેના કારણે મોજ નદી રંગીન બની ગઈ છે. આવું કેમિકલયુક્ત પાણી પીવાથી ઢોરને નુકસાન થતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.

  • 19 Apr 2023 12:43 PM (IST)

    પ્રયાગરાજ: અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ

    પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ કરી લીધી છે. તેની પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું. પ્રયાગરાજ પોલીસે તેને ઝડપી લીધો છે. વધુ વાંચો

  • 19 Apr 2023 10:00 AM (IST)

    Gujarat News Live : રાજકોટ જામનગર હાઇવે પર અકસ્માતમાં 4ના મોત

    રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક ટ્રેકટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થયા છે. વહેલી સવારે સર્જાયો હતો અકસ્માત

    ગુજરાતના અન્ય સમાચારો જાણવા અહીં ક્લિક કરો.

  • 19 Apr 2023 09:13 AM (IST)

    Gujarat News Live : આજે મળશે કેબિનેટની બેઠક, ડમીકાંડ, પાણી, કોરોનાના કેસને લઈને થઈ શકે છે ચર્ચા

    ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. જેમા ડમીકાંડ મુદ્દે, કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર અંગે આખરી નિર્ણય લેવાઈ શકે છે. તો ડમીકાંડ મુદ્દે, પીવાના પાણીના આયોજન અંગે, વધતાજતા કોરોનાના કેસ સંદર્ભે, તમિલ સંગમ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ શકે છે.

    ગુજરાતને લગતા વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

Published On - Apr 19,2023 9:12 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">