16 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટમાં સર્જાઈ કરુણાંતિકા, તળાવમાં ડૂબી જવાથી 3 બાળક સહિત 4ના મોત, ડૂબતા બાળકને બચાવવા ગયેલા મોટાભાઇ સહિત ચારેય પાણીમાં ગરકાવ
Gujarat Live Updates આજ 16 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 16 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ખેડાઃ ઠાસરામાં માઈનોર બ્રિજ તૂટવા મામલે મોટો ખૂલાસો
ખેડાના ઠાસરાના સરદારપુરામાં માઈનોર બ્રિજ ધરાશાયી થવાના મામલે મોટો ખુલાસો થયો છે. માર્ગ-મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે બ્રિજ ધરાશાયી થયો હોવાની વાત સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ TV9 સાથેની વાતચીતમાં આ બાબતની કબૂલાત કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ, જો બંને વિભાગો વચ્ચે યોગ્ય સંકલન થયું હોત તો કદાચ બ્રિજ તૂટવાની ઘટના ટાળી શકાઈ હોત. બ્રિજ તૂટતાં બે ગામ વચ્ચેનો સંપર્ક પ્રભાવિત થયો છે. હવે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અને બ્રિજના પુનઃનિર્માણ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
-
અમદાવાદ: દાણીલીમડામાં MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડામાં નારોલ BRTS વર્કશોપ નજીક દરોડો પાડી MD ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા છે. પોલીસે મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ અને ઈરાફત યાસીન અન્સારીને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 76 ગ્રામ 30 મિલિગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે જપ્ત કરાયેલા ડ્રગ્સની ગેરકાયદેસર કિંમત આશરે રૂ.8 લાખ હોવાનું જણાવ્યું છે. જોકે, પ્રાથમિક માહિતી મુજબ તેની કિંમત રૂ.2.28 લાખ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે નફીશ શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ વેરિફિકેશન વગરના ગાર્ડને છુટા કર્યા
અમદાવાદના આનંદનગરમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સફાળું જાગ્યું છે. યુનિવર્સિટીમાં પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત પેન્થર એજન્સીના અંદાજિત 57 સિક્યુરિટી ગાર્ડને છૂટા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ વેરિફિકેશન વગર સિક્યુરિટી ગાર્ડને રાખવામાં આવતા હોવાનો આક્ષેપ NSUI દ્વારા અગાઉ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મની ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાને લઈને આ કાર્યવાહી કરી છે.
-
ભાવનગરઃ ખંડણી અને બ્લેકમેલિંગના કેસમાં ત્રણ સામે ફરિયાદ દાખલ
ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીએ ખંડણી અને બ્લેકમેલિંગના આક્ષેપ સાથે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિ-પત્ની સહિત ત્રણ લોકો દ્વારા કે.પી. સ્વામીને બ્લેકમેલ કરી રૂ.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસે મહિલા સહિત બે પુરુષોના મોબાઇલ ફોન તેમજ કે.પી. સ્વામીનો મોબાઇલ કબજે કર્યો છે. મોબાઇલમાં રહેલી વાતચીતના ઓડિયો રેકોર્ડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઓડિયો સાચા છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ : બાવળા પાસે ખાનગી કંપનીમાં ભીષણ આગ
અમદાવાદના બાવળા નજીક રામનગર ગામના પાટિયા પાસે આવેલી જી.આર. ઇન્ફ્રાપ્રોજેક્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં રજા હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે કંપનીમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
-
દેવભૂમિ દ્વારકાઃ ભાણવડના રાણપર ગામે વિદેશી દારૂ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના ભાણવડના રાણપર ગામે LCBએ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરકારી ખરાબાની જમીનમાં સંતાડવામાં આવેલા 1,838 બોટલ વિદેશી દારૂ અને 360 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.13.27 લાખથી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો વેચાણના ઈરાદે સંતાડવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે ખીમો ઉર્ફે લાખો બોઘાભાઈ રબારી અને બધાભાઈ કાનાભાઈ રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
નવસારીઃ બીલીમોરામાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
નવસારીના બીલીમોરામાં ઘરફોડ ચોરીના આરોપી આરીફુદ્દીન ઉર્ફે આરીફ સૈયદને LCBની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોનાની લગડીઓ, રોકડ અને બાઈક સહિત કુલ રૂ.10 લાખ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBની તપાસમાં ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફ્રૂટ વેચવાના બહાને સોસાયટીઓમાં રેકી કરતો અને બંધ મકાનોને નિશાન બનાવતો હતો. આરોપીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તે મકાનોની આસપાસ રેકી કરતો જોવા મળે છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 11 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
-
અમદાવાદઃ કસ્મટ વિભાગે એરપોર્ટ પરથી સોનુ સહિતનો સામાન જપ્ત કર્યો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે શારજાહથી આવેલા પતિ-પત્ની પાસેથી સોનું સહિત કુલ રૂ.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કસ્ટમ્સ વિભાગની તપાસ દરમિયાન બંને પાસેથી 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂ.28 લાખ હોવાનું સામે આવ્યું છે. મહિલાએ સોનાની કેટલીક વસ્તુઓ પહેરી હતી, જ્યારે કેટલીક વસ્તુઓ પર્સમાં સંતાડેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત બેગમાંથી બે લેપટોપ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરત: કામરેજના સેગવા ગામે ગોપીન ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી
સુરતમાં કામરેજના સેગવા ગામે ગોપીન ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટના સામે આવી છે. શાકના મસાલા બનાવતી પ્રયોશા નામની કંપનીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. કંપનીના પાછળના ભાગનો દરવાજો તોડી તસ્કરો ફેક્ટરીમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ ઓફિસમાંથી રૂ. 1.94 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઘટનાને પગલે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
ખેડા: ઠાસરામાં 70 વર્ષ જૂનો માઈનોર બ્રિજ ધરાશાયી
ખેડાના ઠાસરામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો 70 વર્ષ જૂનો માઈનોર બ્રિજ ધરાશાયી થતાં બે ગામનો સંપર્ક તૂટ્યો છે. વર્ષ 1965માં મહી કેનાલમાંથી પાણીના નિકાલ માટે કાંસ પર આ બ્રિજ બનાવાયો હતો. બ્રિજના પિલર પાસે માટીનું ધોવાણ થતાં જૂનું સ્ટ્રક્ચર બેસી ગયું હોવાની આશંકા છે. સદનસીબે બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બે ગામના લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ઘટનાની જાણ થતાં માર્ગ મકાન વિભાગ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બ્રિજ ધરાશાયી થયાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામજનોએ તંત્ર પાસે વૈકલ્પિક રસ્તો અને નવો બ્રિજ બનાવવાની માંગ કરી છે.
-
સુરત: ચોથા માળેથી પટકાતા 1 વર્ષના માસૂમનું મોત
સુરતમાં ચોથા માળેથી પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું છે. અલથાણ એપાર્ટમેન્ટના D-2 બ્લોકમાં આવેલા ફ્લેટ નંબર 404માં બાળક ગેલેરીમાંથી નીચે પટકાયું હતું. ગંભીર ઈજાઓ સાથે બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. 11 ઓગસ્ટે બનેલી આ કરુણ ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે.
-
અમદાવાદઃ રાણીપ પોલીસ ચોકી નજીક યુવકની ઘાતકી હત્યા
અમદાવાદના રાણીપ પોલીસ ચોકી નજીક અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 8થી 10 શખ્સોએ યુવક પર તલવાર અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકની પીઠ પર 15થી વધુ ઊંડા ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ક્રૂર હતો કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું આંતરડું બહાર નીકળી આવ્યું હતું. ઘટનાને પગલે યુવકનું મોત થયું હતું. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રાણીપ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
મહેસાણા: LCBએ ધનાલી ગામથી દારૂનો જથ્થો ઝડપ્યો
મહેસાણાના ધનાલી ગામમાં LCBએ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તબેલા પાછળ પતરા નીચે સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 194 પેટીમાંથી કુલ 8,529 બોટલો જપ્ત કરી છે. પોલીસે દારૂ સહિત કુલ 26.43 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે સૈયદ ફકીર મહંમદ નામના આરોપીને ઝડપી લીધો છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અન્ય આરોપી કનુજી ઠાકોરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
વલસાડ: નદી કિનારે સેલ્ફી લેતા લોકો સાવધાન
વલસાડના સેલવાસમાં નક્ષત્ર ગાર્ડન નજીક દમણગંગા નદી કિનારે સેલ્ફી લેતી તરૂણીનું ડૂબી જવાથી મોત થયું છે. પરિવાર સાથે નદી કિનારે ફરવા આવેલી તરૂણી પાણીના કિનારે બેસીને ફોટા પડાવી રહી હતી. દરમિયાન અચાનક તે પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તરૂણીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મળી આવી ન હતી. કલાકો સુધી શોધખોળ કર્યા બાદ તરૂણીનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાન તરૂણી ડૂબી તે પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના ફરી એકવાર નદી કિનારે સેલ્ફી લેતા સમયે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે.
-
સુરતઃ ભેસ્તાન વિસ્તારમાં સોફાના કારખાનામાં ભીષણ આગ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનામાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની 5થી 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. કારખાનામાં સોફા બનાવવાનું કામ થતું હોવાથી આગને કારણે મોટાપાયે નુકસાનની આશંકા છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
-
રાજકોટ: તળાવમાં ડૂબવાથી ત્રણ બાળક સહિત એક સગીરનું મોત
રાજકોટઃ તળાવમાં ડૂબી જવાથી 3 બાળક સહિત 4ના મોત ત્રણ બાળક અને એક સગીરનું ડૂબી જવાથી મોત વીડીવાળા પીરની દરગાહ નજીકનો બનાવ સ્થાનિકોએ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યા એક બાળક ડૂબતા બચાવવા માટે ગયેલા અને ત્રણ પણ ડૂબ્યા મૃતકોમાં બે બાળકો સગભાઈ હોવાનું સામે આવ્યું 10 વર્ષના મૃતક બાળક સોહાનનો આજે જ હતો જન્મદિવસ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકમાં બે સગા ભાઈ પણ સામેલ છે..સેફુ નામનો બાળક ડૂબતા તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ લોકોના પણ મોત થયા..મૃતક બાળકોમાં એક બાળકનો આજે જ જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે જ કરુણ ઘટનામાં બાળકે જીવ ગુમાવ્યો..
-
બનાસકાંઠા: દાંતા કોંગ્રેસ મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
બનાસકાંઠાના દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગેનીબેને આરોપ લગાવ્યો કે ભાજપ બોલે અને વર્તે તેમાં દિવસ-રાતનો ફરક છે. તેમણે કહ્યું કે ખેડૂતોને યુરિયા ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે, જ્યારે દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે. પોલીસને આ તમામ બાબતોની જાણ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. ગેનીબેને દારૂના અડ્ડાઓ અને બુટલેગરોની યાદી તૈયાર કરી ગૃહમંત્રીને આપવા કોંગ્રેસ કાર્યકરોને સૂચના આપી. સાથે જ અડ્ડા બંધ નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
-
ખેડા: ઠાસરામાં માઈનોર બ્રિજ ધરાશાયી થવાનો મામલો
ખેડાના ઠાસરામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો આશરે 70 વર્ષ જૂનો માઈનોર બ્રિજ ધરાશાયી થતાં બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. મહી કેનાલમાંથી પાણીના નિકાલ માટે કાંસ પર બનાવાયેલો આ બ્રિજ માટીના ધોવાણને કારણે બેસી ગયો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સદનસીબે બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બે ગામના લોકો તેમજ શાળાએ જતા બાળકોની અવરજવરનો રસ્તો બંધ થતાં મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા અને નવો બ્રિજ બનાવવાની માંગ કરી છે.
-
ભારતમાલાના એક્સપ્રેસ-વે પર રખડતા ઢોરનો ત્રાસ, સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
જામનગર-કચ્છ તરફથી આવતો અને રાજસ્થાન, હરિયાણા તથા પંજાબને જોડતો ભારતમાલા એક્સપ્રેસવે ઝડપી અને સુરક્ષિત મુસાફરી માટે બનાવાયો છે. પરંતુ વાવ-થરાદમાં થરાદથી સુઈગામના જાસનવાડા સુધીના માર્ગ પર રખડતા ઢોર અને શ્વાનની અવરજવર જોવા મળતાં વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એટલી હદ્દે કે એક ટ્રેલરની સામે અચાનક નીલગાય આવી જતાં ટ્રેલર ગરનાળામાં ખાબક્યું હતું. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી. ત્યારે હાઇવેની પેટ્રોલિંગ અને મોનિટરિંગ વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે તો હાઇવેની જાળવણી અને વ્યવસ્થામાં કથિત ભ્રષ્ટાચાર તથા બેદરકારીના આક્ષેપો સાથે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
-
ઉમેટા નજીક રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં બે બાળકો ડૂબ્યા
ઉમેટા નજીક રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં બે બાળકો ડૂબ્યા. સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે બાળકોનાં મોત. થયા છે. શનિ-રવિની રજા પરિવાર માટે બની ગોઝારી. તાંદલજા વડોદરાનો પરિવાર રજા માણવા રિસોર્ટ આવ્યો હતો. માતા-પિતાએ બંને બાળકોને પૂલમાંથી બહાર કાઢ્યા. 112 જનરક્ષકની મદદથી બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આંકલાવ રેફરલ હોસ્પિટલમાં બંને બાળકોને મૃત જાહેર કરાયા. 9 વર્ષ અને 7 વર્ષની વયના બે સગા ભાઈઓના મોત. બે માસૂમના મોતથી પરિવાર પર આભ ફાટ્યું. વડોદરાના તાદલજાનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાજપના નેતાએ ગુજરાત હાઇકોર્ટના જજની કામગીરી પર સવાલ ઉઠાવી સોશિયલ મીડિયામાં કર્યું પોસ્ટ
ભાજપના નેતાએ ગુજરાત હાઇકોર્ટના જજની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલનાં સંયોજક મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી. ભાજપનાં નેતા મુકેશ ગુજરાતીએ વિવાદિત DCP રાજદીપસિંહ નકુમના સમર્થનમાં બે પોસ્ટ અપલોડ કરી છે.
-
ખેડા જિલ્લામાં વધુ એક પૂલ તુટ્યો, ચિતલાવથી સરદારપુરાને જોડતો માઇનોર બ્રિજ ધરાશાયી
ખેડા ઠાસરાના ગંભીરા બ્રિજ બાદ ખેડામાં એક માઇનોર બ્રિજ ધરાશાયી થયો છે. ચિતલાવથી સરદારપુરાને જોડતો માઇનોર બ્રિજ ધરાશાયી થયો. બે ગામને જોડતો કાંસ પરનો બ્રિજ ધરાશાયી થતાં બે ગામ વચ્ચે રોડ માર્ગે સંપર્ક તુટ્યો. મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટેની કાંસ ઉપર હતો આ માઇનોર બ્રિજ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બ્રિજ નીચેના પિલરની આજુબાજુ ધોવાણ થઈ જવું એ આ ઘટના બનવાનું પ્રાથમિક કારણ. તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને નવા બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોની માંગ
-
કોંગ્રેસ કાર્યાલયમાં પાપ થયું છે, જનતા સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે, અમિત શાહે કર્યાં શાબ્દિક પ્રહારો
અમિત શાહે, વંદે માતરમનુ અપમાન કરવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાર્યાલયમાં પાપ થયું છે અને દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે.
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134.94 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 16,372 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 134.94 મીટર પર પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની મહત્તમ સપાટીને સ્પર્શવામાં માત્ર 3.74 મીટર બાકી રહેવા પામી છે. છેલ્લા 24 કલાકમાં 25 સેમીનો વધારો થયો છે.
-
સાપ્તાહિક રજાની માગ સાથે સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગના કામદારોએ પાળ્યો બંધ
સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં હજારો કામદારો દ્વારા આજે સજ્જડ હડતાળ પાડવામાં આવી છે. શહેરના અંજની ઇન્ડ્રસ્ટ્રી અમરોલી, કતારગામમાં કારીગરો વિરોધ નોંધાવ્યો. આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ. દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. કારખાનાઓમાં મશીનો બંધ રાખીને કામદારોએ કામકાજથી અળગા રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રવિવારની રજાનો સત્તાવાર નિર્ણય નહીં લેવાય ત્યાં વિરોધ કરશે. કામદારોની આ હડતાળથી સુરતના કાપડ અને એમ્બ્રોઇડરી ઉત્પાદનને મોટી અસર થવાની શક્યતા. વિરોધને લઈ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે તેનાત. કારીગરોને સમજવાનો પ્રયાસ અને કોઈ કારીગરો તોફાન કરે તે માટે પોલીસ એલર્ટ.
-
શાળાઓથી 100 મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકો, શાળા સંચાલક મંડળે સરકારને લખ્યો પત્ર
શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી એવી માંગણી કરી છે કે, શાળાઓથી 100 મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રાજ્યની તમામ શાળાઓના કેમ્પસ અને આસપાસના 100 મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધની માંગ. નાનાં બાળકોમાં ગંભીર રોગોના વધતા બનાવોને લઈને શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત. શાળાઓમાં ચાલતી કેન્ટીનનું મનપામાં રજિસ્ટ્રેશન થવુ જોઇએ. શાળાઓમાં બાળકોને અસ્વાસ્થ્યપ્રદ અને હલકી ગુણવત્તાવાળું ભોજન ન અપાય તેવી નિયમાવલી બનાવવા રજૂઆત. વાલીઓમાં જંકફૂડ અને નશાકારક પદાર્થો અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા માંગ. વિદ્યાર્થીઓનું આરોગ્ય રાજ્યના ભવિષ્યનું આરોગ્ય હોવાનો ઉલ્લેખ કર્યો. તમામ શાળાઓ માટે યોગ્ય નીતિ-નિયમો અમલમાં મૂકવા રાજ્ય સરકારને રજૂઆત.
-
અમદાવાદના રાણીપમાં 8થી 10 લોકોએ તલવાર-ધારિયાથી હુમલો કરીને યુવકને રહેંસી નાખ્યો
રાણીપ પોલીસ ચોકી નજીક યુવકની હત્યાનો બનાવ બન્યો છે. યુવક ઉપર તલવાર-ધારિયાથી હુમલો કરીને આંતરડા બહાર કાઢી નાખ્યાં. 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવકની, અંગત અદાવતમાં આઠથી 10 લોકોએ મળીને હત્યા કરી. વિશાલ ચૌહાણ સહિત 8 થી 10 લોકોનો હુમલો કર્યો હતો. તલવાર અને ધારિયા હથિયાર વડે હુમલો કર્યો. પીઠ પર 15 થી વધુ ઉંડા હથિયારના ઘા ઝીંક્યા હતા. આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસ તપાસ શરૂ કરી છે.
-
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં શ્વાન આંટાફેરા મારતો હોવાનો વીડિયો થયો વાયરલ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં શ્વાનનો આંતક સામે આવ્યો છે. હોસ્પિટલના ડીલેવરી વોર્ડના પેહલા માળે શ્વાનના આંટાફેરા મારતો નજરે પડ્યો. રખડતા શ્વાનના આંટાફેરાથી દર્દી અને સગાઓ હેરાન પરેશાન થઈ ગયા છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં જ શ્વાનના ત્રાસ દેખાતા તંત્ર પર અનેક સવાલો. અગાઉ પણ અનેક વાર રખડતા શ્વાનની ફરિયાદો ઉઠી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.
-
ડો. હર્ષ પંડ્યા આપઘાત મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં 4 સિનિયર ડોકટર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ડો હર્ષ પંડ્યાના પિતા દ્વારા નોંધાવવામાં આવી ફરિયાદ. ખટોદરા પોલીસ સ્ટેશનમાં રેગિંગ કરનાર ચાર સિનિયર ડોક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. (1) ડો વસાવે નીરાલીબેન, (2) ડો. અનુજ મહેશ્વરી, (3) ડો ગેવરીયા દિશીતાબેન અને (4) ડો ભુત હીનાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પહેલી ફરિયાદમાં પણ બે ડોકટરો હજુ નિવેદન નોંધવા આવ્યા ના હતા ત્યાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ખટોદરા પોલીસે હવે ગમે ત્યારે આ ડોકટરોની ધરપકડ કરી શકે છે.
-
ગોઝારીયા ગ્રામ પંચાયતના સભ્ય જુગાર રમતા ઝડપાયા
મહેસાણામાં ગોઝારીયા ગ્રામ પંચાયતના સભ્ય જુગાર રમતા ઝડપાયા. ગોઝારીયા ગામનાં વાણિયા વાસમાંથી ઝડપાયું જુગારધામ. વોર્ડ નંબર 16ના ગ્રામ પંચાયત સભ્ય પ્રફુલ પટેલ પકડાયા. પ્રફુલ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. પ્રોફેશનલ જુગારધામની જેમ કોઈન દ્વારા રમાડાતો હતો જુગાર. 61 કોઈન, 10 મોબાઈલ સહિત 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત.
-
વડોદરાના પાદરામાં કરંટ લાગતા ભાઈ-બહેનનું મોત
વડોદરાના પાદરામાં કરંટ લાગતા ભાઈ-બહેનનું મોત થયું છે. મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાં બે લોકોના મોત. 25 વર્ષીય જયદીપ અને 22 વર્ષે મિત્તલનું ભાઈ બહેનનું કરુણ મોત. 25 વર્ષીય જયદીપને કરંટ લાગતા 22 વર્ષીય મિત્તલ બહેન બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો. વહેલી સવારે 5:30 વાગે રાજપીપળા મંદિર જવા નીકળતા બની ઘટના. સમગ્ર મામલે પાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
-
સાસણગીર નજીકના રિસોર્ટમાં જૂગાર રમતા અમદાવાદના 9 ઝડપાયા
ગીર સોમનાથના સાસણ ગીર નજીક ભોજદે ગામે LCBએ સપાટો બોલાવ્યો છે. ખાનગી રિસોર્ટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ગીર LCBએ રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો. અમદાવાદના 9 જુગારીઓ સહિત રિસોર્ટ મેનેજરની અટકાયત કરવામાં આવી છે. દરોડામાં આશરે 2 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. રોકડ સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
-
આજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ US – CANADAની મુલાકાતે
આજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ US – CANADAની મુલાકાતે રવાના થયા છે. વહેલી સવારે પ્રતિનિધિ મંડળ સાથે US જવા થયા રવાના. રાજ્યના મુખ્ય સચિવ, CMOના અધિકારી, ઇન્ડસ્ટ્રી વિભાગના અધિકારીઓ સહિત 30 લોકોનું ડેલીગેશન USની મુલાકાતે રવાના થયા છે.
-
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 8મી પુણ્યતિથિએ રાજકીય મહાનુભાવોએ પાઠવી અંજલિ
ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને તેમની આઠમી પુણ્યતિથિ પર, રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અટલજીના નેતૃત્વએ દેશને મજબૂત બનાવ્યો. પેઢીઓ તેમના વિચારોથી પ્રેરિત રહી છે. અટલજી એક પ્રભાવશાળી વક્તા અને સ્વપ્નદ્રષ્ટા રાજનેતા હતા. સમગ્ર રાષ્ટ્ર ભારત રત્ન અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
-
મ્યાનમારમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5 તીવ્રતા
મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે 16 ઓગસ્ટને રવિવારના રોજ સવારના 6:30 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી.
-
વડોદરાના ગોરવા મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસે યુવકનો મૃતદેહ મળ્યો
વડોદરાના ગોરવા મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસે યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવકનો મૃતદેહ બે ટુકડામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. રેલવે પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. મૃતક અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
લુણાવાડાના કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓ ખીચડી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની થઈ અસર
મહીસાગરના લુણાવાડાના કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. લુણાવાડાના ચાર કોશીયા નાકા પાસે આવેલી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ખીચડી ખાધા બાદ 6 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે હેલ્થ સ્ક્રીનિંગ દરમિયાન લક્ષણો જણાતા તમામ વિદ્યાર્થીઓને 108 મારફતે તાબડતોબ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખસેડ્યા. બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં કુલ 18 જેટલા વિધાર્થીઓ રહે છે, જેમાંથી 6 જેટલા વિધાર્થીઓને ઝાડા ઉલટીની અસર થવા પામી છે. સમયસર સારવાર મળતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.
Published On - Aug 16,2026 7:21 AM