12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : આફ્રિકાના જિબૂતીમાં બોટ દુર્ઘટનાઃ 15 બાળકો સહિત 139 માઇગ્રન્ટ્સનાં મોત, અનેક લોકો લાપતા
આજે 12 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
આફ્રિકાના જિબૂતીમાં બોટ દુર્ઘટનાઃ 15 બાળકો સહિત 139 માઇગ્રન્ટ્સનાં મોત, અનેક લોકો લાપતા
આફ્રિકાના જિબૂતીમાં માઇગ્રન્ટ્સને લઈ જતી બોટ ડૂબી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિબૂતીથી યમન જઈ રહેલી આ બોટ ઓબોકના પોર્ટ ટાઉન નજીક પલટી ગઈ હતી. બોટમાં કુલ 305 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 15 બાળકો સહિત 139 માઇગ્રન્ટ્સનાં મોત થયાં હોવાના અહેવાલ છે. જ્યારે 82 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ અનેક લોકો લાપતા હોવાથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. લાપતા લોકોને શોધવા માટે બચાવ અને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દુર્ઘટનાને પગલે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. જિબૂતીથી યમન તરફ જતા માઇગ્રન્ટ્સના જોખમી દરિયાઈ પ્રવાસ દરમિયાન બનેલી આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે અને જોખમી સ્થળાંતરના માર્ગો પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
-
CEC વિવાદઃ વિપક્ષી નેતાઓને મળવાનો CJI સૂર્યકાંતનો ઇનકાર, રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની જાહેરાત
ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સંબંધિત વિવાદ વચ્ચે વિપક્ષી ગઠબંધનને ઝટકો લાગ્યો છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતે વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ CJIને મળવા માટે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આ મામલે CJI સૂર્યકાંતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પાસે વહીવટી સ્તરે કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળને મળવાની સત્તા નથી. પ્રતિનિધિમંડળ જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માગે છે, તે કોર્ટમાં પહેલેથી જ વિચારાધીન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની શક્તિ અરજી દાખલ થયા બાદ તેની સુનાવણી કરીને ચુકાદો આપવાની છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના દરવાજા તમામ નાગરિકો માટે 24 કલાક ખુલ્લા છે અને અદાલત દરેક નાગરિકના મૂળભૂત અધિકારોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
-
-
વડોદરામાં કારનો કાચ તોડી રૂ.35 લાખની ચોરી, હેલ્મેટ પહેરેલા તસ્કરો રોકડ ભરેલી બેગ લઈ ફરાર
વડોદરામાં દેણા ચોકડી પાસે કારનો કાચ તોડીને રૂ.35 લાખની રોકડની ચોરી કરવામાં આવતાં ચકચાર મચી છે. હાલોલથી વડોદરા આવી રહેલા કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર આ ચોરીનો ભોગ બન્યા હતા. એન્જિનિયરે ચા-પાણી માટે કાર પાર્ક કરી હતી તે દરમિયાન હેલ્મેટ પહેરીને આવેલા તસ્કરોએ કારનો કાચ તોડ્યો હતો અને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. બેગમાં નમો આંગડિયા પેઢીમાંથી ઉપાડેલા રૂ.30 લાખ તેમજ અગાઉની ઉઘરાણીના રૂ.5 લાખ સહિત કુલ રૂ.35 લાખની રોકડ હતી. આ રોકડનો ઉપયોગ કંપનીના કર્મચારીઓના પગાર ચૂકવવા અને સપ્લાયરોને પેમેન્ટ કરવા માટે થવાનો હતો. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
-
અમદાવાદઃ મેડ સંધુ હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ, ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન
પંજાબના અમૃતસરમાં થયેલા મેડ સંધુ હત્યા કેસમાં ગુજરાત ATS અને વલસાડ SOGને મોટી સફળતા મળી છે. બંને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSએ ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને પંજાબ પોલીસને સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના અમૃતસરમાં કાર વોશિંગ સેન્ટર નજીક મેડ સંધુની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી શૂટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS અને વલસાડ SOGની સંયુક્ત કાર્યવાહીથી તપાસમાં વધુ મહત્વની કડી મળી શકે છે.
-
ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા હોબાળાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશનના PI એ.એમ. દેસાઈ ફરિયાદી બન્યા છે. મેવાણી પર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા, અભદ્ર વ્યવહાર કરવા, ભડકાઉ ભાષણ આપવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પરમારની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં જીગ્નેશ મેવાણી સહિત 20થી વધુ લોકો પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં હોબાળો થયો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા મેવાણી સામે ફરિયાદ નોંધવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
-
આજે 12 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Oct 12,2026 7:30 AM

