11 જુલાઈના મહત્વના સમાચાર : ચોમાસામાં સુરતની સ્થિતિ બગાડવા પાછળ ખાડી પરના દબાણ જવાબદાર, તંત્રની તપાસમાં ખુલાસો, સોમવારથી ગેરકાયદે દબાણ પર ફરશે બૂલડોઝર
આજે 11 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 11 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સાબરકાંઠાઃ હિંમતનગરમાં વિઝાના નામે છેતરપિંડી
સાબરકાંઠાઃ હિંમતનગરમાં વિઝાના નામે છેતરપિંડી આચરવાની ઘટનામાં પ્રીતિ ઈન્સ્ટીટ્યુટની સંચાલિકા સામે વધુ ખૂલાસા થયા છે. દક્ષિણ ગુજરાતમાં પણ લોકોને શિકાર બનાવ્યાં હોવાનુંં તપાસમાં ખૂલ્યુ છે. ઈન્સ્ટિટ્યુટ ખોલી વિદેશ જવા ઈચ્છુકોને જાળમાં ફસાવ્યા. હિંમતનગર પોલીસે વિઝા છેતરપિંડીના રેકેટને લઈ તપાસ હાથ ધરી છે. સાત લોકોને શિકાર બનાવી 1.37 કરોડની છેતરપિંડી આચરી. ઈન્સ્ટીટ્યુટની સંચાલિકા પ્રીતિ વ્યાસ ભૂગર્ભમાં ઉતરી ગઈ. પ્રીતિ વ્યાસની ધરપકડ કરવા હિંમતનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે.
-
સુરતમાં ખાડીપૂરમાં આવતા પૂર મુદ્દે Dy.CMની બેઠક
એક તરફ વારંવાર આવતા ખાડીપુરથી લોકો પરેશાન છે તો બીજી તરફ તારાજી બાદ તંત્રમાં બેઠકોનો દોર યથાવત છે. નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રિય પ્રધાન સી.આર પાટીલની હાજરીમાં બેઠક યોજાઈ. જેમાં અત્યાર સુધી ચૂકવાયેલા કેશડોલ અને સહાય અંગે ચર્ચા હાથ ધરાઈ. આ ઉપરાંત શહેરભરમાં સફાઈ, દવાઓનો છંટકાવ, વેપારીઓની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. ખાડી વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી સોમવારથી હાથ ધરવા આદેશ કરાયો છે. સાથે જ તંત્ર દ્વારા વધુ ટીમ બનાવી સહાય ઝડપથી પહોંચાડવા કહેવાયું છે.
આ વખતે સુરતમાં ભયાવહ તારાજી સર્જી છે. ત્યારે આવી સ્થિતિ શા માટે સર્જાઈ. તેને લઈને પણ ચર્ચાઓ ઊઠી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિ શા માટે સર્જાઈ. તે અંગે ડિટેઈલમાં રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે.
-
-
અમરેલી: અંટાળિયા નજીક સિંહના હુમલામાં 2 આરોપીના 2 દિવસના રિમાન્ડ
અમરેલી: અંટાળીયા નજીક સિંહના હુમલામાં યુવક બાદ તંત્ર હરકતમાં આવ્યુ. કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વનવિભાગે બંને આરોપી પાસેથી વધુ પુરાવા એકત્ર કરવા પૂછપરછ હાથ ધરી છે. ગેરકાયદે સિંહ દર્શન મામલે મૃતક સહિત તેના બે મિત્રો સામે ગુનો દાખલ કરાયો છે. સિંહની પજવણીની ઘટનામાં દાખલો બેસાડવા તંત્ર એક્શનમાં આવ્યુ છે. આરોપીઓએ મોબાઈલમાંથી કેટલાંકને વીડિયો કોલ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. વીડિયો ઉતાર્યા બાદ આરોપીઓએ ડેટા ફોર્મેટ માર્યા. આરોપીઓના મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે
આરોપ છે કે મૃતક અહેમદ ઉર્ફે સોહિલ મેમણ અને તેના બે મિત્રો રેહાનખાન પઠાણ તેમજ યશરાજસિંહ વાજા ગેરકાયદે સિંહ દર્શન માટે જ આવ્યા હતા. તેમણે સિંહ-સિંહણના મેટિંગ દરમિયાન તેમની પજવણી કરતાં સિંહે હુમલો કર્યો હતો. વન વિભાગ દ્વારા નોંધાયેલ ગુનામાં 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના વધુ રિમાન્ડ માગવામાં આવશે.
-
રાજકોટઃ ટ્રાફિક ટોઈંગ વાહનને લઈને વિવાદ સામે આવ્યો
રાજકોટઃ ટ્રાફિક ટોઈંગ વાહનને લઈને વિવાદ સામે આવ્યો છે. ટ્રાફિક ટોઈંગ વાહનનો વીમો ન હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકે વીડિયો બનાવી ટ્રાફિક પોલીસને સવાલ કર્યા છે. મહિલા સાથે ટ્રાફિક પોલીસે રકઝક કરી હોવાનો પણ આરોપ છે. ટ્રાફિક પોલીસ ઓનલાઇન ચલણના રૂપિયા ન લેતી હોવાનો પણ દાવો કરાયો છે. ટ્રાફિક પોલીસને લોકોએ સવાલો પૂછતા સ્થળ પરથી ભાગ્યા હતા. વકીલે સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરી છે. ફરિયાદીનો આરોપ છે કે જે પોલીસ વાહનચાલકોને દંડ ફટકારે છે. નો પાર્કિગમાં રહેલા વાહન ટોઈંગ કરે છે, તો પોલીસના વાહનનો જ વીમો નથી.
-
વડોદરા: શિક્ષકે વિદ્યાર્થીને લાફા મારતા કાનમાં ઇજા
વડોદરા: શિક્ષકે વિદ્યાર્થીને લાફા મારતા કાનમાં ઇજા પહોંચી છે. વિદ્યાર્થીએ શિક્ષકને બર્થડે વિશ કરી તો શિક્ષકે માર માર્યાનો આક્ષેપ કરાયો છે. બર્થ ડે ન હોવા છતાં વિશ કરતાં શિક્ષકે ઉશ્કેરાઇને માર માર્યાનો વિદ્યાર્થીએ કર્યો છે. 11 વર્ષનાં વિદ્યાર્થીનાં કાનનાં પડદા પર ગંભીર ઇજા પહોંચી છે. ખંડેરાવ માર્કેટ વિસ્તારની લિટલ ફ્લાવર સ્કુલની ઘટના છે. જ્યાં આરોપી શિક્ષક જયેશ પરમારની પોલીસે અટકાયત કરી છે. કસુરવાર શિક્ષક સામે પગલાં ભરવા વાલીએ માગ કરી છે. સમગ્ર મામલે શાળાના આચાર્યનું કહેવું છે કે આરોપી શિક્ષક શાળામાં છેલ્લા 17 વર્ષથી કામ કરે છે અને તેમણે બાળકને માર માર્યો હોવાનો સ્વીકાર કર્યો છે. ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસે વાલીની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
-
વડોદરા: શિનોરમાં 300થી 400 વીઘા વિસ્તારમાં કેળનો પાક જમીનદોસ્ત
વડોદરાના શિનોરના માલસર અને માંડવા ગામમાં નર્મદા નદી કિનારે આવેલા કેળના ખેતરોમાં ભારે પવન સાથે આવેલા વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ત્રણ દિવસ અગાઉ પડેલા સાડા ત્રણ ઈંચ જેટલા વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડાએ અંદાજે 300થી 400 વીઘા વિસ્તારમાં કેળનો પાક જમીનદોસ્ત કરી દીધો છે. લણણી સમયે જ પાક પડી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને વેપારીઓ પણ હવે પાક લેવા તૈયાર નથી. જેના લીધે ખેડૂતોના માથે અણધારી આફતનો પહાડ તૂટ્યો છે.
-
અમદાવાદ: ઘોડાસરના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ
અમદાવાદ: ઘોડાસરના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. મુરલીધર ભાજીપાવ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નીકળ્યાનો દાવો કરાયો છે. ગ્રાહકે ઓર્ડર કરેલા પાવભાજીમાંથી જીવાત નીકળતા રોષ ફેલાયો છે. ગ્રાહકે રજૂઆત કરતા દુકાનદારે દાદાગીરી કર્યાનો આક્ષેપ કરાયો છે. ગ્રાહકે ઘટનાનો વીડિયો વાયરલ કરી ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.
-
સાબરકાંઠા: હિંમતનગરથી પ્રાંતિજ હાઈવે પરના મંદિરમાં ચોરી
સાબરકાંઠા: હિંમતનગરથી પ્રાંતિજ હાઈવે પરના મંદિરમાં ચોરી ની ઘટના સામે આવી છે. દલપુર નજીકના જાણિતા જોગણી માતાના મંદિરમાં બે ચોરોએ હાથ ફેરો કર્યો અને દાનપેટી તોડી 10 હજારની રોકડ લઈ ફરાર થઈ ગયા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિક પોલીસે સીસીટીવીને આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
-
ધોરાજી-જુનાગઢ માર્ગ બિસ્માર, સમારકામની જરૂર
રાજકોટ જિલ્લાના ધોરાજીથી જુનાગઢ તરફ જવાનો માર્ગ જાણે વાહનચાલકો માટે આફતનો માર્ગ બન્યો હોય તેવો ઘાટ સર્જાયો. એક તરફ ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી અને બીજી તરફ વરસાદના કારણે વાહનચાલકોની મુશ્કેલી બમણી થઈ. ભારે વરસાદના કારણે ઓવરબ્રિજ પાસે બનાવવામાં આવેલ કાચું ડાયવર્ઝન ધોવાયુ. રસ્તા પર મસમોટા ખાડા પડ્યા. જેના કારણે વાહનચાલકોને રસ્તો પાર કરવામાં ભારે મુસિબતનો સમામનો કરવો પડે છે. તાત્કાલિક ડાયવર્ઝનનું સમારકામ કરવા સ્થાનિકો માગણી કરી રહ્યા છે.
-
મહેસાણા: જર્જરીત ઈમારતો સામે લાલ આંખ
મહેસાણામાં ચોમાસા વચ્ચે જર્જરીત ઈમારતો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને જાનહાનિ ટાળી શકાય તે માટે મહેસાણા મહાનગરપાલિકાએ શહેરભરમાં જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં આશરે 250 જેટલી ઇમારતોના માલિકોને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે શહેરના મુલકી ભવનને પણ જર્જરિત ગણાવી નોટિસ અપાઈ છે. ત્યારે તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સમયસર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ નહીં કરવામાં આવે તો પાણી, ડ્રેનેજ અને વીજળીના કનેક્શન કાપવામાં આવશે. એટલું જ નહીં, જરૂર પડશે તો મહાનગરપાલિકા પોતાના ખર્ચે જોખમી ઇમારતોને દૂર કરવાની કાર્યવાહી પણ કરશે.
-
એકના ડબલ કરવાની લાલચે 11 લાખની છેતરપિંડી
અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા જીગર જાદવ રૂપિયા ડબલ કરવાની લાલચમાં 11 લાખની છેતરપિંડીનો શિકાર બન્યાં. આરોપીઓએ પહેલા 1600 રૂપિયાની ક્રોસ કટિંગ નોટો આપી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ જીગરની લાલચ જાગી અને પોતાના મિત્રોના દાગીના ગીરવે મૂકીને અને ઉછીના લઈને 11 લાખ એકઠા કર્યાં અને એકના ડબલની લાલચે વિજાપુરના નવા સનધપુર ગામે પહોંચ્યો, જ્યાંથી આરોપીઓ પૈસા લઈને ભાગી છૂટ્યા.
વિજાપુર પોલીસે ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધારો સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 4 લાખ રોકડા, સોનાનો દોરો, બે કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
-
ભાવનગર યુનિ.માં ABVPના કોલેજ પ્રમુખ પર હુમલા બાદ કાર્યવાહી
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ મા ABVP ના કોલેજ પ્રમુખ ઉપર હુમલા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. કોલેજ માં અભ્યાસ કરતા 4 જેટલા શખ્સોએ બે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થયેલ જેની દાઝ રાખીને વિદ્યાર્થીઓ અને તેની સાથે રહેલા લોકો એ હુમલો કરાયો હોવાની નોંધાઈ ફરિયાદ છે. ABVP સહજાનંદ કોલેજ ના પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેના મિત્ર હર્ષ ચૌહાણ ઉપર હુમલો કરાયો. 9 જુલાઈ એ પ્રિયરાજસિંહ પરમાર ને અમન આસિફ ખોખર વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખી ને અમન ખોખર, ઈમિતયાજ કાજી,અયાન મજીદ ઉચડિયા,અશ્રત નાઝીર હુસૈન શેખ સહિત 4 થી વધુ શખ્સો એ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
-
વડોદરાઃ GMERS હોસ્પિટલમાં લિફ્ટ બંધ રહેતા હાલાકી
વડોદરાઃ GMERS હોસ્પિટલમાં લિફ્ટ બંધ રહેતા હાલાકી સર્જાઈ. ઑપરેશન થિયેટર પાસેની લિફ્ટ કલાકો સુધી બંધ રહેતા દર્દીઓ હેરાન થયા. સર્જરી બાદ દર્દીઓને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ. 6 કલાક બાદ પણ લિફ્ટનું રિપેરિંગ ન થતા દર્દી રઝળ્યા. લિફ્ટ બંધ થવા અંગે હોસ્પિટલ તંત્રનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી.
-
વડોદરા: સમા વિસ્તારમાં મિલકતનો ઝઘડો હત્યામાં ફેરવાયો
વડોદરા: સમા વિસ્તારમાં મિલકતનો ઝઘડો હત્યામાં ફેરવાયો. બે સગા ભાઇઓ વચ્ચે થયેલી મારામારીમાં એકનું મોત નિપજ્યુ છે. તારીખ 29 જૂને મકાન વેચવા અંગે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. મોટા ભાઈએ નાના ભાઈના માથામાં ઈંટ મારી ગંભીર ઈજા પહોંચી હતી. દસ દિવસની સારવાર બાદ નાના ભાઈનું કરુણ મોત નીપજ્યું હતુ. પોલીસે આરોપીઓને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
જુનાગઢ: સિંહે બાળકને ફાડી ખાતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ: ગિરનાર પર 11 વર્ષના બાળકનો સાવજે શિકાર કર્યો. ગીરનાર પર્વત ચડી રહેલા બાળકને ચુપકીથી આવી દબોચીને સાવજ લઈ ગયો. ત્યારે આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે અને વનવિભાગની કામગીરી ફરી એકવાર શંકાના ઘેરામાં આવી છે. સિંહ પ્રેમીઓએ પણ વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. જુનાગઢમાં જ વન વિભાગનું હેડ ક્વાર્ટર આવેલુ છે. મુખ્ય અધિકારીઓ જુનાગઢમાં જ હોવા છતા આટલી મોટી ચૂક કેમ થઈ શકે. ત્રણ સિંહ એક સપ્તાહથી ફરી ગીરનાર પર્વત આસપાસ ફરી રહ્યા હોય અને ફોરેસ્ટ વિભાગને ખબર પણ ન હોય તે કેમ ચાલે. યાત્રાધામ અને પ્રવાસન સ્થળ હોવા છતા શા માટે સાવજને ટ્રેક કરવામાં ન આવ્યા. હાલ તો સમગ્ર ઘટનામાં વન વિભાગ ઉંઘતુ ઝડપાયુ છે. સ્થાનિકોના દાવા મુજબ સિંહ આ વિસ્તારમાં અઠવાડિયાથી આંટાફેરા કરતાં હતા. ત્યારે સવાલ એ છે કે વન વિભાગ દ્વારા યોગ્ય પગલાં શા માટે ન લેવાયા ?
-
ઓકલેન્ડમાં સંબોધન દરમિયાન PM નરેન્દ્ર મોદી થયા ભાવુક
પોતાના ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા.ઓકલેન્ડમાં સંબોધન કરતાં તેમણે જૂની યાદોને વાગોળી. મોદીએ જણાવ્યું કે 25-30 વર્ષ પહેલાં જ્યારે તેઓ રાજકારણમાં નહોતા, ત્યારે તેમને ન્યૂઝીલેન્ડમાં એક મફલર, ટોપી અને હાથનાં મોજાં ભેટમાં મળ્યા હતા. તેમણે એ જ મફલર પહેરીને આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેને ભારતીયોના પ્રેમનું પ્રતિક ગણાવ્યું.
-
વડોદરાઃ SSG હોસ્પિટલ પર દર્દીના સંબંધીનો આક્ષેપ
વડોદરાઃ SSG હોસ્પિટલ સામે ફરી સવાલ ઉઠ્યા છે. દર્દીના સ્વજને આક્ષેપ કર્યો છે કે પગમાં ફ્રેક્ટર સાથે 200 મીટર ચાલવાની ફરજ પાડી હતી. એક્સ રે વિભાગથી ઈમરજન્સી વોર્ડ સુધી પહોંચવામાં દર્દીને હાલાકી પડી. પરિનારજનોના સહારે વોર્ડ સુધી પહોંચ્યા હોવાનો દાવો કર્યો છે. સંબંધી દર્દીને ખભાનો સહારો આપીને ચાલતા લઈ ગયા પરંતુ દર્દીને વ્હીલચેર આપવામાં ન આવી. પંચમહાલથી આવેલા દર્દીને SSG હોસ્પિટલમાં કડવો અનુભવ થયો છે.
તો બીજી તરફ રેસિડેન્ટ મેડિકલ ઓફિસરે આ ઘટના અંગે કહ્યું કે અમારી હોસ્પિટલમાં દર્દીની સાર-સંભાળ રાખવા દરેક સ્ટાફને સૂચના અપાઈ છે. જો કોઈ સ્ટાફની ભૂલ હશે તો તપાસ કરી કાર્યવાહી કરાશે.
-
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 15ના મોત
વિયેતનામથી એક અતયંત દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં ફૂ ક્વોકમાં ભારતીય પ્રવાસીો ભરેલી બોટ પલટી જતા 15 ભારતીયોના મોત થયા છે. બોટમાં 24 લોકો સવાર હતા. જેમાં 5 આંધ્રપ્રદેશના અને 17 તમિલનાડુના લોકો હતા. હાલ સરકારે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
-
સુરતના રાજમહેલ મોલમાં યુવકની હત્યા, વહેલી સવારે લાશ મળતાં ચકચાર
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાંથી વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સફાઈ કામદારે લાશ જોઈ પોલીસને જાણ કરતાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ છે, જે ફાઇનાન્સ કંપનીમાં હપ્તા ઉઘરાવવાનું કામ કરતો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ મોલના CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે, જ્યારે યુવકની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
-
100% ભરાયેલા રંઘોળા ડેમના દરવાજામાં ક્ષતિ, રિનોવેશન બાદ પણ બેદરકારી સામે આવી
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંઘોળા ડેમમાં ગંભીર બેદરકારી સામે આવી છે. 100 ટકા ભરાયેલા ડેમના એક દરવાજામાં ક્ષતિ સર્જાતા તેમાંથી પાણીનો ધોધ શરૂ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગની ટીમ અને એન્જિનિયરો તાત્કાલિક સ્થળ પર પહોંચી મરામતની કામગીરી હાથ ધરી હતી. રંઘોળા ડેમમાં કુલ 52 દરવાજા કાર્યરત છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ રૂ. 1.50 કરોડના ખર્ચે ડેમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, છતાં દરવાજામાં ક્ષતિ સામે આવતાં કામગીરીની ગુણવત્તા અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
-
હિંમતનગરમાં અકસ્માતગ્રસ્ત પોલીસ જવાનનું સારવાર દરમિયાન મોત
સાબરકાંઠાના હિંમતનગરમાં ડ્રાઈવિંગ સ્કૂલની કારની ટક્કરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પોલીસ જવાન અરવિંદ ગમારેનું 18 દિવસની સારવાર બાદ મોત થયું છે. અરવિંદ ગમારે હિંમતનગર રેલવે આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા હતા અને અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થતાં અંતે તેમનું નિધન થયું હતું. પોલીસ જવાનના નિધનથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરતના અડાજણમાં તાપી નદીમાં ડૂબી જતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત
સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીમાં ડૂબી જતાં 11 વર્ષીય શેરૂ સાઉદનું કરુણ મોત થયું છે. રમતા રમતા બાળક નદીમાં ડૂબી જતાં તે ગુમ થયો હતો, જેના બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તાપી નદીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ નેપાળના પરિવાર પર આ દુર્ઘટનાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
-
સુરતના બેગમપુરામાં રખડતા શ્વાનોનો આતંક, બકરીનો શિકાર થતાં રહેવાસીઓમાં રોષ
સુરતના બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા શ્વાનોએ એક બકરીનો શિકાર કરતાં સ્થાનિકોમાં ભારે ભય અને રોષનો માહોલ સર્જાયો છે. વિસ્તારમાં વધતા રખડતા શ્વાનોના ત્રાસને કારણે રહેવાસીઓએ બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોએ તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને રખડતા શ્વાનોને પકડવા તેમજ વિસ્તારમાં કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક પગલાં ભરવાની અપીલ કરી છે.
-
ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 9 ગામોમાં સર્વે અને દવાઓનો છંટકાવ
ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યું છે. બે વર્ષ પહેલાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લાના 9 જેટલા ગામોમાં દવાઓનો છંટકાવ અને વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. નવ ગામોના વિવિધ વિસ્તારોમાં 391 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, જ્યારે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા, આસપાસ સ્વચ્છતા જાળવવા, કાચા મકાનો અને ખાડાઓ પૂરવા તેમજ કોઈપણ પ્રકારના તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે.
-
પૂર્વ એશિયા પર સુપર ટાયફૂન ‘બાવી’નું સંકટ, તાઈવાન-જાપાન-ચીનમાં હાઈ એલર્ટ
પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું શક્તિશાળી સુપર ટાયફૂન ‘બાવી’ પૂર્વ એશિયાના તાઈવાન, જાપાન અને ચીન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું તાઈવાનના ઉત્તરીય ભાગ પાસેથી પસાર થઈ ચીનના પૂર્વ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન એજન્સીઓએ કેટલાક વિસ્તારોમાં એક મીટર (આશરે 39 ઇંચ) સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને ભારે પવનથી વ્યાપક નુકસાનની આશંકા છે. સત્તાવાળાઓએ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે શાળાઓ બંધ, ફ્લાઇટો રદ અને દરિયાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે
-
અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ, તમામ 13 ભારે પોર્ટલ બીમનું લોન્ચિંગ પૂર્ણ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં તમામ 13 ભારે પ્રીકાસ્ટ કોંક્રિટ પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં 1,640 મેટ્રિક ટન વજન ધરાવતો સૌથી ભારે પોર્ટલ બીમ રેલવે લાઇન પર માત્ર ત્રણ કલાકમાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો હતો. સાબરમતી ખાતે અંતિમ અને સૌથી ભારે પોર્ટલ બીમના લોન્ચિંગ સાથે પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરી છે. આ દરમિયાન મણિનગર ખાતે મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઇન પર 5, વટવા ખાતે 7 અને સાબરમતી ખાતે અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન ઉપર 1 પોર્ટલ બીમ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચ કરાયેલા તમામ 13 પોર્ટલ બીમોમાં આ સૌથી ભારે પ્રીકાસ્ટ કોંક્રિટ પોર્ટલ બીમ ગણાય છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ દર્શાવે છે.
Published On - Jul 11,2026 7:35 AM
