ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મ પુરસ્કારનું સન્માન, હેમંત ચૌહાણ, અરીઝ ખંભાતા, પરેશ રાઠવાને મળશે પદ્મશ્રી એવોર્ડ
Gujarat News : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8 સવાયા ગુજરાતીઓને વિશેષ સન્માનની જાહેરાત કરાઇ હતી.
ભારત સરકારની જાહેરાત બાદ, સવાયા ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનીત કરાશે. જેમાં લોકગાયક હેમંત ચૌહાણ, રસનાના સ્થાપક અરીઝ ખંભાતા અને પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને, પોતાના ક્ષેત્રમાં આગવા પ્રદાન બદલ પદ્મ પુરસ્કારથી સન્માનીત કરાશે. મહત્વપૂર્ણ છે કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8 સવાયા ગુજરાતીઓને વિશેષ સન્માનની જાહેરાત કરાઇ હતી.
ભજન સમ્રાટ તરીકે ઓળખાય છે હેમંત ચૌહાણ
પોતાના સ્વરથી ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ઉભુ કરનાર, ગુજરાતી ભજનીક એટલે હેમંત ચૌહાણ. હેમંત ચૌહાણને ગુજરાતી ભજનના સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકોટના કુંદણી ગામે જન્મેલ હેમંત ચૌહાણનું ભજન ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણી, ગુજરાતી ગરબા સહિત અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદૂ પાથર્યો છે અને પોતાના સ્વરનું કરોડો ગુજરાતીઓને રસપાન કરાવ્યું છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ હેમંત ચૌહાણીની સૌથી મોટી વિશેષતા છે.
અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ
તો ગુજરાતના ઉદ્યોગપતિ અને રસના ફેઇમ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરાશે. અરીઝ ખંભાતા બેનેવોલેન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન પણ હતા. તેઓ વર્લ્ડ અલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તીના પૂર્વ ચેરમેન હતા. સાથે જ અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. ખંભાતા લોકપ્રિય ઘરેલુ પીણાની બ્રાન્ડ રસના માટે જાણીતા છે. જેનું દેશની 18 લાખ દુકાનો પર વેચાણ થાય છે.
પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને પદ્મશ્રી
તો છોટાઉદેપુરના પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે. પરેશ રાઠવા છોટાઉદેપુરના કવાંટમાં રહે છે અને વર્ષોથી આદિવાસીઓના દેવ બાવાદેવ પીથોરાના લખારા તરીકે ઓળખાય છે. જિલ્લાની ઓળખ સમા પિઠોરાના ચિત્રો એ માત્ર ચિત્રો નથી પણ પ્રાચીન સમયની એક લિપિ છે. પિથોરા દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે છે. તેમણે આ પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે.
પિઠોરા આદિવાસી રાઠવા સમાજના સૌથી મોટા દેવ મનાય છે. આદિવાસીઓ આ પીઠોરા ચિત્રોને પોતાના ઘરમાં ચિતરાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે. 12000 હજાર વર્ષથી ચાલી આવતી આ પરંપરા હાલ પણ જીવિત છે.
આ પદ્મ સન્માન મેળવનારાઓમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદના સ્થપતિ અને હમણાં જ જેમનું નિધન થયું તે સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મવિભૂષણથી નવાજાયા છે જ્યારે 7 ગુજરાતીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય અમદાવાદના કઠપૂતળી આર્ટીસ્ટ મહેન્દ્ર કવિને પદ્મશ્રી, ગીરમાં રહેતા અને સીદી સમુદાયના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરનારા હીરાબાઈ લોબીને પદ્મશ્રી આપવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…