સતત બીજા વર્ષે ગુજરાતની ઝાંખીની ભવ્ય જીત, પીપલ્સ ચોઇસ કેટેગેરીમાં ધોરડોની ઝાંખીને મળ્યુ પ્રથમ સ્થાન, જુઓ વીડિયો
પ્રજાસત્તાક દિવસના પર્વ પર કર્તવ્ય પથ પર ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના કચ્છનો ધોરડાની ઝાંખીને પ્રસ્તુત કરવામાં આવી હતી. ધોરડાની ઝાંખીને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે.તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું.
#RepublicDay parade in #Delhi : #Gujarat ’s tableau wins 1st prize in ‘People’s Choice’ category . #Tv9News pic.twitter.com/TQOAGn5N0O
— Tv9 Gujarati (@tv9gujarati) January 30, 2024
ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે.
ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય પરેડમાં દરવર્ષે દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે.2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ 25 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ ટેબ્લોઝની ઝાંખીમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહી ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને સતત અગ્રેસર રાખવાની પરંપરાને વધુ ગતિ અપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોને વધુ એક સફળતા આ ટેબ્લોના વિજેતા થવાથી મળી છે.
ધોરડોની ઝાંખીમાં શું હતુ
ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા દિવાળીબહેન આહિરે ગાયુ હતુ. આ ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેનો પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.