ડાંગ : સાપુતારામાં વિસ્થાપિત પરિવારોને 53 વર્ષે મળ્યો ન્યાય, 42 જમીનધારકના પરિવારોને અપાયા હક્ક પત્રો
વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને 1965-66ની સાલમાં ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ 42 જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, (land) રાજ્ય સરકારને સોંપી હતી.
ડાંગ : ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના (Saputara)વિકાસ માટે 1969માં વિસ્થાપિત બનેલ પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક્ક મળ્યો, 300 ચોરસ મીટર જમીન (Land)માત્ર 1 રૂપિયાના ટોકન લઈને 99 વર્ષના હક્ક પત્ર (Letter of claim)મળતા નવાગામના લોકોએ આજે આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું.
ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા, મૂળ 42 જેટલા જમીનધારક પરિવારો, અને તેમના વધેલા વંશ વારસદારો વિસ્થાપિત થયાના 5 દાયકા સુધી પોતાના હક માટે લડત ચલાવતા હતા, ઘણા આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવાગામ ખાતે આ પરિવારોને 300 ચોરસ મીટર જમીન ઉપર હક્ક હોવાના લેખિત પત્ર આપતા નવાગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે. રૂપિયા 1 ટોકન દરે 99 વર્ષ માટે રહેઠાણ પ્લોટ ફાળવણી પત્ર આપવા માટે વહીવટી તંત્ર એ ખાસ આયોજન કર્યું હતું, આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ , સાંસદ કે.સી.પટેલ, ધારસભ્ય વિજય પટેલ અને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને 1965-66ની સાલમાં ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ 42 જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, રાજ્ય સરકારને સોંપી હતી. જેના બદલામાં તત્કાલિન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમા આવેલા નવાગામ ખાતે ખસેડાયા હતા. ત્યારબાદ ગિરિમથક સાપુતારાનો તા.1/5/1966ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.હિતેન્દ્રભાઈ દેસાઇએ ગિરિમથક તરીકેનો પાયો નાખ્યો હતો.
ગુજરાતના એક માત્ર હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારાનો આજે વિકાસ જોઈ શકાય છે. ત્યારે આ વિકાસ પાછળ વિસ્થાપિત બનેલા લોકો વિકટ પરિસ્થિતિમા મુકાયા હતા, જેમના હાથમાં જમીનના હક પત્ર આવતા તેઓએ સરકારનો આભાર માનતા મંત્રી નરેશ પટેલને આજ રોજ અમને આઝાદી મળી હોવાનું કહ્યું હતું. અને મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના ચરણ સ્પર્શ કરી આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવાગામ ખાતે હાલ મૂળ 42 લાભાર્થી પરિવારને હક આપવામાં આવ્યા છે. જોકે ઘણા સમયથી અહીંયા વસવાટ કરતા 17 થી વધુ પરિવાર જેઓને હક મળવાના બાકી છે, તેમને પણ આગામી સમયમાં રહેઠાણના હક મળશે તેવી મંત્રી નરેશ પટેલે વાત કરી હતી.
આ પણ વાંચો :Surat : પરવત પાટીયા બીઆરટીએસ કેનાલ પાસે ત્રણ દિવસથી નહેર ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો બગાડ