આજકાલ મા-બાપને સૌથી મોટી ચિંતા હોય તો એ બાળકોના મોબાઈલના વળગણની હોય છે. કેમકે ધીમે ધીમે બાળકો મા-બાપ, સમાજ અને રમતોથી દૂર જઈ રહ્યા છે. જોકે દાહોદના દાઉદી વહોરા સમાજે એક મઝાની પહેલ કરી છે જેમાં 15 વર્ષથી નાના તરૂણોને મોબાઇલથી દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ એક અનોખી પહેલ છે જેને અત્યારે તમામ સમાજે અપનાવવાની જરૂર છે. કેમકે સમય એવો આવ્યો છે કે બાળક 2-3- વર્ષનું થાય ત્યારથી જ મા-બાપ મોબાઈલમાં કાર્ટૂન અને ગેમ બતાવતા થઈ ગયા છે. પણ એ કેટલું જોખમી છે એનો આપણને અંદાજ હોતો નથી.
આ વાત ઓસ્ટ્રેલિયા જેવો દેશ પહેલા જ સમજી ગયો છે. એટલે જ જો તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે. હવે ભારત એમાંથી ક્ચારે પ્રેરણા મેળવશે એ તો ખબર નહીં પરંતુ ગુજરાતના દાહોદમાં દાઉદી વહોરા સમાજે આ પહેલ જરૂર કરી છે.
દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના લોકોને એક પહેલ રૂપે ઉપદેશ આપ્યો છે.. જેમાં સમાજના 15 વર્ષથી નાના બાળકોને ‘નો મોબાઇલ ટચ’ સંકલ્પ જાહેર કરાયો. જેને દાહોદ જિલ્લાના દાઉદી વહોરા સમાજના લોકોએ વધાવી લીધો છે. એટલું જ નહીં આ ઉદ્દેશ્યને સાકાર કરવાની શરૂઆત કરી દેવાઈ છે.
દાહોદના દાઉદી વહોરા સમાજની મહિલાઓ દ્વારા પણ આ ઉદ્દેશ્યને સાકાર કરવા પોતાના ઘરથી જ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલાઓએ મોબાઈલમાં ખૂંપેલા રહીને કે બાળકોને મોબાઈલ સોંપી દેવાને બદલે પોતે જ બાળકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યુ છે. એટલું જ નહીં શાળાના લેસનમાં પણ ઓનલાઈનનું બહાનું કાઢવાને બદલે હાર્ડકોપી કાઢીને તેના થકી પણ ભણી શકાય છે. તે વાત ડોક્ટર્સ પણ સમજાવી રહ્યા છે.