અંબાજીમાં ભાજપના VIPઓની સરભરા પાછળ દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા 12 લાખ રૂપિયા, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ- Video
કરોડોની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજીમાં ફેબ્રુઆરીમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં ભાજપના ધારાસભ્યો પાછળ થયેલા ખર્ચ સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે ધારાસભ્યોની સરભરા પાછળ 11 લાખ 33 હજાર 924 રૂપિયાનો ખર્ચ થયો છે. હકીકતમાં આ ખર્ચ બનાસકાંઠા કલેક્ટર અને સરકારે ચુકવવાનો હતો પરંતુ ધારાસભ્યો અને મંત્રીઓની સરભરા માટે થયેલો આ ખર્ચ મંદિર ટ્રસ્ટે ચુકવી દીધો છે.
અંબાજીમાં આયોજિત થયેલા 51 શક્તિપીઠ મહોત્સવમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો સામેલ થયા હતા. આ મંત્રીઓના ચા-પાણી, નાસ્તા અને ભોજન સહિતની સરભરામાં 11 લાખ 33 હજાર 924 રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ખર્ચ સામાન્ય રીતે સરકારના સરભરા બજેટમાંથી ચુકવવાનો થતો હોય છે. પરંતુ આ VIP પરિક્રમાનો તમામ ખર્ચ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના માથે નાખવામાં આવ્યો અને દેવસ્થાન ટ્રસ્ટે આ તમામ ખર્ચ ચુકવી દીધો છે.
એક હાઈ ટીના 360 અને ભોજનની ડીશના 1745 રૂપિયા ખર્ચ
આ પરિક્રમાં દરમિયાન પ્રત્યેક રાજકારણીની બે ટાઈમ ચાનો ખર્ચ 720 રૂપિયા અને ભોજનનો ખર્ચ 1745 રૂપિયા થયો છે. મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર બાદ 51 શક્તિપીઠ પરિક્રમાં મહોત્સવમાં ગયા હતા. આ તમામ VIP ના ભોજન, ચા- નાસ્તાના ખર્ચની ચોંકાવનારી વિગતો સામે આવી છે.આ ખર્ચને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે અને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે.
દરેક મંત્રી દીઠ બે ટાઈમ હાઈ ટી અને ભોજન પાછળ ચુકવ્યો 11.33 લાખનો ખર્ચ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના ધારાસભ્યોની આગતા સ્વાગતા માટે એક ટાઇમ હાઇ ટી 360 રૂ.ની કિંમતની ગબ્બર ખાતે અને બીજી ચા સર્કિટ હાઉસ ખાતે આપવામાં આવી હતી. આ બે ટાઈમની ચા નો ખર્ચ 720 રૂપિયા ચુકવાયો છે. આ ઉપરાંત 1745 રૂપિયાની મોંઘી ભોજનની ડીશ પણ પીરસવામાં આવી હતી. આમ કુલ બે ટાઇમ ચાના 720 રૂપિયા અને ભોજનના પ્રતિ ડીશ 1745 રૂપિયા લેખે અંદાજે 12 લાખ જેટલો ખર્ચ થયો. પરંતુ આ ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી ચૂકવવામાં આવ્યો હતો. જેને લઇને દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના આગેવાનોએ વહીવટદારને આવેદનપત્ર પાઠવી સરકારને ઘેરી.
કોંગ્રેસ ભાજપના MLAના મતવિસ્તારમાં જઈ મંદિર માટે ઉઘરાવશે દાન
આ મામલે કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવેલા રૂપિયા ટ્રસ્ટમાં પરત જમા નહીં થાય તો કોંગ્રેસ ભાજપના તમામ ધારાસભ્યોના વિસ્તારો જશે. જ્યાં અંબાજી મંદિરના QR કોડના માધ્યમથી જે-તે MLAના વિસ્તારના લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવશે, અને એ રૂપિયા ટ્રસ્ટમાં ફરી જમા કરાવવામાં આવશે.