સંસદમાં ધક્કામુક્કી મુદ્દે રાહુલ ગાંધીને ખખડાવનાર આ સાંસદ વડોદરા પહોંચ્યા, આંબેડકરના અપમાન મુદ્દે કહી આ વાત
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સંસદમાં થયેલા હોબાળા અને રાહુલ ગાંધી સાથેના ઘર્ષણ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આંબેડકરના અપમાનના આરોપો અને સંસદની ઓછી પ્રોડક્ટિવિટી અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોશીએ કહ્યું કે, કોંગ્રેસના સતત વિરોધ અને હોબાળાને કારણે તેઓ તેમના ત્રણ પ્રશ્નો રજૂ કરી શક્યા નથી.
સંસદમાં પ્રવેશ કરવા માટેના મકરદ્વાર પર ડો.આંબેડકર પર ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની નિંદાને લઈને ઇન્ડિયા ગઠબંધન અને ભાજપના સાંસદો વચ્ચે વિરોધનો દૌર શરૂ થયો હતો, જેમાં રાહુલ ગાંધીએ જવાનો પ્રયાસ કરતાં ધક્કામુક્કી થઇ હતી અને ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે સંસદના મકરદ્વાર પાસે હોબાળો મચ્યો હતો. આ ઘટના દરમિયાન વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ત્યાં હાજર હતા, જે વડોદરા પરત ફરતા સમગ્ર ઘટના અંગે યુવા સાંસદ તરીકે તેમને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે- સંસદમાં ખોટા હોબાળાના કારણે હું સાંસદ તરીકે મારા ત્રણ પ્રશ્નો રજૂ કરી શક્યો નથી.
વિરોધના કારણે શિયાળુ સત્ર 40 ટકા પ્રોડક્ટિવ રહ્યું
આ મુદ્દે સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, આ વર્ષે શિયાળુ સત્રમાં હોબાળા અને ખોટી વાતોના વિરોધને કારણે 40% પ્રોડક્ટિવિટી થઈ. માત્ર એક વ્યક્તિના અહંકારના કારણે સંસદમાં પૂરી ચર્ચા થઈ શકી નથી. હું પણ સાંસદ તરીકે મારા ત્રણ પ્રશ્નો રજૂ કરી શક્યો નથી કારણ કે, હાઉસ વહેલું સમાપ્ત થયું હતું. આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે યુવા સાંસદ તરીકે આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે. કોંગ્રેસ કોઈને કોઈ મુદ્દાને લઈને શિયાળુ સત્રમાં દર સપ્તાહે હોબાળા કરતું હોય છે.
સંસદના મકર દ્વાર પર જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું હતું અને ભાજપના સાંસદો બાજુમાં આવેલા રસ્તા પરથી શાંતિથી જતા હતા. ભાજપના સાંસદોને એવું લાગ્યું કે, આ લોકો આંબેડકરજીના નામે ભ્રમણા ફેલાવી રહ્યા છે. ગૃહમંત્રીના વીડિયોને અડધાથી કટ કરીને ભ્રમણા ફેલાવાનું કામ આ લોકો કરી રહ્યા હતા. આ ખૂબ જ નીંદનીય બાબત હતી. જેથી, ભાજપના સાંસદોએ મળીને માત્ર ને માત્ર હકીકત રજૂ કરવાને લઇને વિરોધ કર્યો હતો કે, અત્યાર સુધીમાં કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર માટે કઈ-કઈ બાબતે અન્યાય કર્યો છે ત્યારે આ સમયે રાહુલ ગાંધી અને તેમના સાંસદો વાતાવરણ ડહોળવા માટે આવ્યા હતા.