Anand જિલ્લાની પેટલી પ્રાથમિક શાળામાં યોજાયો બાળ મગર મેળો, જાણો શું છે તેની ખાસિયત
વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સી તથા પેટલી ગ્રામ પંચાયતના સહયોગથી પેટલી પ્રાથમિક શાળામાં બાળ મગર મેળાનું (Crocodile Fair) આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ (Anand ) જિલ્લામાં આવેલી પેટલી પ્રાથમિક શાળામાં (Primary school) બાળ મગર મેળો (Crocodile Fair) યોજવામાં આવ્યો હતો. પ્રથમ વખતમાં આ માહિતી વાંચીને આશ્ચર્ય થશે કે વળી આ બાળ મગર મેળો શું છે ? તમને જણાવી દઇએ કે ચરોતર વિસ્તારમાં જ્યાં મગરની વસતી વધુ છે તેમના બાળકોને અહીં એકત્ર કરવામાં આવ્યા હતા. મગરની વસતિ ધરાવતા 14 ગામોની પ્રાથમિક શાળાઓના ધો. 6 થી 8ના 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાવિ પેઢી માનવામાં આવે છે એવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અને જાગૃતતા તરફ વળે તે હેતુથી શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
કેમ આ મેળો બધાથી અલગ છે ?
વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સી તથા પેટલી ગ્રામ પંચાયતના સહયોગથી પેટલી પ્રાથમિક શાળામાં બાળ મગર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ચરોતર પ્રદેશમાં મગરોની સાથે રહેતા સ્થાનિક ગ્રામજનો તથા મગર વચ્ચેનો જે સહ અસ્તિત્વનો સંબધ છે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ મેળામાં ચરોતરમાં મગરની વસ્તી ધરાવતાં પેટલી, ડેમોલ, લવાલ, દેવા, અલીન્દ્રા, વસો, મલાતજ તથા હેરંજ ગામોની 14 જેટલી પ્રાથમિક શાળાઓના ધો. 6 થી 8ના 250થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મગરની થીમ પર જ વિવિધ સ્પર્ધા
ભાવિ પેઢી એવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અને જાગૃતતા તરફ વળે તે અર્થે મગરને સંદર્ભ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને માટીમાંથી મગર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓ ગમ્મત સાથે સાથે જ્ઞાન મેળવે તે માટે મગરના ઈંડા, મગરની બખોલ, મારું ગામ મારા મગર, મગરની ચાલ જેવી વિવિધ રમતો આવરી લેવામાં આવી હતી. મગર વિશેષજ્ઞ ડો. રાજુ વ્યાસ દ્વારા આ બાળ મગર મેળા પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વન્યજીવ વૈજ્ઞાનિક ડો. જતીન્દર કૌર હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા નેચર કન્ઝર્વન્સીના 30 સ્વયંસેવકો દ્વારા તથા બીજેવીએમ કોલેજના NSSના 18 વિદ્યાર્થીઓએ ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું. વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.