Ahmedabad: બ્રિજ ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થયું, જાણો અધિકારીઓએ બ્રિજની ગુણવત્તા વિશે શું કહ્યું
બ્રિજની કામગીરીની દેખરેખ કરતા ઔડાના અધિકારીનું કહેવું છે કે બ્રિજના કામમાં ગુણવત્તાના કોઈ જ સવાલ ઉઠતા નથી. જેથી કોન્ટ્રાક્ટરની આમાં કોઈ ભૂલ નથી.
Bridge Collapse in Ahmedabad: અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ગત રાત્રે નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થઈ ગયું છે. ઔડાના સત્તાધીશો અને બ્રિજની કામગીરી સંભાળતા એડવાઈઝરે ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ કરી છે. ઔડાના અધિકારીઓ હજુ એ જાણી શક્યા નથી કે બ્રિજ કયા કારણોસર ધરાશાયી થયો હતો. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં ઔડાના સત્તાધીશો પોતાના અને કોન્ટ્રાક્ટરના બચાવમાં ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
બ્રિજની કામગીરીની દેખરેખ કરતા ઔડાના અધિકારીનું કહેવું છે કે બ્રિજના કામમાં ગુણવત્તાના કોઈ જ સવાલ ઉઠતા નથી. જેથી કોન્ટ્રાક્ટરની આમાં કોઈ ભૂલ નથી. અધિકારી એમકે મોદીએ કહ્યું કે બ્રિજની ડિઝાઈન સહિતની કામગીરી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાસે જ મંજૂર કરાવતા હોઈએ છીએ. પણ આ બધુ જ કમિટી દ્વારા નક્કી કરાશે.
અધિકારીના જણાવ્યા અનુસાર ટેક્નિકલ ટીમ તપાસ કરે પછી ખબર પડી શકે કે કયા કારણોસર બ્રિજ ધરાશાયી થયો છે. સત્તાધીશોનું કહેવું છે કે બ્રિજ ધરાશાયી થયો તે સમયે ઔડાના તમામ એન્જિનિયર હાજર હતા. ટ્રેસિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક વાયબ્રેશન થતાં તેઓ નીચે આવી ગયા હતા.
આ બ્રિજને લઈને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. મળેલી માહિતી અનુસાર મહત્વનું છે કે ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને (Ranjit Buildcon) બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.
જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે 30 મહિનામાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી આપવાની જવાબદારી નિર્ધારિત કરાઈ હતી. જે મુજબ આ કામ 4 સપ્ટેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું. પરંતુ કામ હજુ ચાલું હતું અને ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ થવાનું હતું. તેન્ડર મુજબ બ્રિજ બનાવવાનો ખર્ચ 78.48 કરોડ નિર્ધારિત કરાયો હતો. જ્યારે બ્રિજ બનાવવાની અંદાજિત કિંમત રૂપિયા 66.79 કરોડથી વધુ નિર્ધારિત કરાઈ હતી.
આ પણ વાંચો: રાજ્યમાં 78 PSIની PI તરીકે કરવામાં આવી બઢતી, જાણો કયા વિસ્તારના અધિકારીને મળ્યું પ્રમોશન