“બિલ્કિશ બાનુ કેસના આરોપીઓને છોડી મુકવા એ ગુજરાત માટે કલંકિત ઘટના”, કોંગ્રેસના સરકાર પર આરોપ
બિલ્કિશ બાનુ કેસના 11 આરોપીઓના સજા માફી આપવા મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે અને કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ખેરાએ આરોપીઓને મુક્ત કરવાને રાજ્ય માટે કલંકિત ઘટના ગણાવી છે.
રાજ્યના બહુચર્ચિત બિલ્કિશ બાનુ કેસ (Bilkish Banu case)માં 11 આરોપીઓને રાહત આપવા મામલે રાજકારણ ગરમાયુ છે. આ મુદ્દે કોંગ્રેસ (Congress) કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર(Centre)ની સહમતી વિના આરોપીઓને માફી મળી શકે જ નહીં. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ આ ઘટનાને ગુજરાતને બદનામ કરવાની ઘટના ગણાવી. આ તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે અપરાધીઓને છોડી મુકવા એ કલંકિત ઘટના છે. રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આ મુદ્દે પ્રહાર કર્યા છે.
મુક્ત કરાયેલ 11 આરોપીઓ 15 વર્ષથી વધુ સમયથી જેલમાં હતા
આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ગોધરાકાંડ દરમિયાન બિલ્કિશ બાનુ પર સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના સાત લોકોની હત્યા કરાઈ હતી. આ કેસમાં 11 કેદીઓની સજા માફ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાથી તેમને ગોધરા સબ જેલમાંથી સ્વતંત્રતા પર્વના દિવસે જ મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓની સજા માફી અંગે કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય રાજ્ય સરકાર પર છોડવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મુક્ત કરવામાં આવેલા 11 કેદીઓ 15 વર્ષથી વધુ સમયથી જેલમાં કેદ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જેલમુક્ત થવા માટે વિનંતી કરતા સુપ્રીમે સજા માફીનો નિર્ણય રાજ્ય સરકારને લેવા માટે કહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે સજા ઘટાડવા અંગેનો નિર્ણય લેવાનું કહ્યા પછી ગુજરાત સરકારે રિમિશન પોલિસી હેઠળ તેમને મુક્ત કર્યા છે.