અમદાવાદમાં (Ahmedabad) 22 ઓગસ્ટના કૃષ્ણનગરનાં ઠક્કરનગર વિસ્તારમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા (suicide) કરી હોવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વ્યક્તિની આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પીએમ રિપોર્ટમાં આધારે પોલીસે તપાસ કરતા આ હત્યા અંગે ચોકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસને (Ahmedabad Police) તપાસમાં મૃતક અનિલ દિવાકરની હત્યા તેની જ પત્ની મંગલા દિવાકરે કરી હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદના કૃષ્ણનગરનાં ઠક્કરનગર વિસ્તારમાં રહેતા અનિલ દિવાકરે ગત 22 ઓગસ્ટે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસને એક ફોન કોલ મળ્યો હતો જેમાં અનીલ દિવાકર નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. જે બાદ પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે, અનિલ દિવાકરે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યુ કે અનિલ દિવાકરની તેની જ પત્નીએ હત્યા કરી ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પોલીસે મૃતકની પત્ની મંગલા દિવાકરની ધરપકડ કરી છે.
મંગલા દિવાકરે પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દેતા તેને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. મૃતકના ભાઇ સુનિલ દિવાકરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 22 ઓગસ્ટના રોજ સાંજે જ્યારે સુનિલ દિવાકર ઘરે હતા, ત્યારે સુનાલ દિવાકરના પત્નિએ તેમને જણાવ્યુ હતુ કે, અનીલભાઈના ઘરે કઈંક થયું છે. જેથી સુનિલ દિવાકર તેમની પત્ની સાથે ભાઈ અનીલના ઘરે ગયા હતા, જ્યાં ભાઇ અનીલ સીડી પર પડ્યો હતા, જેથી ભાઈને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે ઉઠ્યો નહોતો અને તેના મોઢામાંથી લોહી નીકળતુ હતુ. જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઇ જતા તબીબે અનીલ દિવાકરને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી, પોલીસે પુછતા મૃતક અનીલની પત્નિ મંગલાએ પતિ અનીલ ઉપરના રૂમની બારીમાં ચાદર ભરાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી તેવી વાત કરી હતી.
પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, જોકે બાદમાં મૃતકના ભાઇ સુનીલે ઘરની આસપાસના લોકોની પુછપરછ કરતા ચાલીમાં રહેતા સન્ની કશ્યપ તથા મદનસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, 22મી ઓગસ્ટના રોજ રાતના સમયે તેઓ ચાલીના નાકે ઉભા હતા, ત્યારે અનીલ પણ ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નિ મંગલા ત્યાં બુમાબુમ કરતી આવી હતી અને અનીલને લાફા મારી “આજ તો તુજે પુરા કર દુંગી” તેમ કહી ધક્કા મારતી ઘરે લઈ ગઈ હતી. જેથી ફરિયાદી સુનીલ દિવાકરને ભાભીએ ભાઈએ આત્મહત્યા કરી તે ખોટી વાર્તા ઉભી કરી હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે પહોંચતા જ સુનિલભાઈને જાણ થઈ હતી કે નાનાભાઈ અનીલનું ગળુ દબાવવાથી મોત થયુ છે અને તેના શરીરે મુઢ માર માર્યો હોવાની ઈજાઓ મળી આવી હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે. જેથી આ મામલે ભાઈની પત્નીએ રાતના સમયે ઝઘડો કરીને ભાઈની હત્યા કરી હોવાનું ધ્યાને આવતા આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી પત્નિની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક અનિલ દિવાકર અવારનવાર દારૂના નશામાં ઘરે આવતા પત્ની સાથે ઝઘડો થતો હતો અને તે બાબતે કંટાળીને જ પત્ની મંગલાએ ગળું દબાવી હત્યા કરી હતી. જોકે આ ઘટનામાં મૃતક અને આરોપીના બે બાળકો નિરાધાર બન્યા છે. હાલ તો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી હત્યા પાછળનું સાચું કારણ દારૂની ટેવ અને ઘરકંકાસ જ છે કે પછી અન્ય કોઈ કારણસર પતિની હત્યા કરવામાં આવી છે તે જાણવાનાં પ્રયાસો હાથ ધર્યા છે.