Ahmedabad: ગરમીના કારણે બાળકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા, સોલા હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઇ
ગરમીના (Heat) કારણે 108 ઇમરજન્સીમાં કોલમાં વધારો નોંધાયો છે. જેની સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ OPDમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં રોજના એક હજારથી 1150 જેટલા કેસ આવી રહ્યા છે.
ગુજરાતમાં (Gujarat) ચાલુ સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગરમીને (Heat Wave) કારણે રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) બીમારીઓ વધી છે. ગરમીના કારણે અમદાવાદમાં રોગચાળો ફેલાતા સોલા સિવિલમાં OPDમાં વધારો નોંધાયો છે. રોજની 800 કેસની OPD વધીને 1150 પર પહોંચી છે. તો 45% બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. જેમાં અમદાવાદની સોવા સિવિલમાં ઝાડા-ઉલટી, કમળા, ટાઈફોઈડ સહિતના કેસ વધુ નોંધાયા છે.
બાળકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધુ
ગરમીના કારણે 108 ઇમરજન્સીમાં કોલમાં વધારો નોંધાયો છે. જેની સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ OPDમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં રોજના એક હજારથી 1150 જેટલા કેસ આવી રહ્યા છે, અગાઉ સામાન્ય દિવસોમાં 800થી 850 કેસની OPD રહેતી હતી. જે વધારા પાછળ સોલા સિવિલના RMOએ ગરમીનું કારણ દર્શાવ્યું છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારે સૌથી વધુ કેસ ઝાડા-ઉલટીના નોંધાઈ રહ્યા છે, છેલ્લા એક સપ્તાહમાં ઝાડા અને ઝાડા-ઉલટીના 120 જેટલા કેસ નોંધાયા છે, એટલું જ નહિ પરંતુ તેમાં બાળકોની સંખ્યા વધારે છે. ઓપીડીમાં આવતાં પુખ્ત વયના 10થી 15 ટકાને જ્યારે બાળકોમાં 45 ટકા દર્દીને દાખલ કરવા પડ્યા છે.
સોલા સિવિલના આરએમઓ ડો. પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, ગરમીના કારણે ઓપીડીમાં આવતાં કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડાના 70થી 80 કેસ, ઝાડા ઉલટીના 30થી 40 કેસ, કમળાના 8થી 10 કેસ, ટાઈફોઈડના 3થી 5 કેસ નોંધાયા છે. તો હજુ કેસ વધવાની પણ શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે.
તબીબોએ સાવચેતી રાખવા સલાહ
એવું નથી કે અમદાવાદમાં માત્ર સોલા સિવિલમાં જ કેસમાં વધારો થયો છે તે સિવાય અસારવા સિવિલ અને ખાનગી હોસ્પિટલ તેમજ AMC સંચાલિત હોસ્પિટલમાં પણ ગરમીને કારણે OPDમાં 15 થી 20 ટકા વધારો નોંધાયો છે. જે એ જ સૂચવે છે કે લોકોએ ગરમી વચ્ચે હજુ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. બાળકો, બીમાર અને સિનિયર સીટીઝન્સે કામ વગર બહાર ન નીકળવુ જોઇએ. જેથી કરીને હીટસ્ટ્રોકથી બચાવ કરી શકાય.
નિર્ણયનગર પાસે એક ખાનગી હોસ્પિટલના ડોકટર પરાગ ઠાકરનું માનીએ તો ગરમીના કારણે 20 ટકા કેસમાં વધારો થયો છે. જેમાં હીટ ફીવર, તાવ અને ઝાડા ઉલ્ટીના કેસ અને પેટના દુખાવાના વધુ કેસ છે. તેમજ દર વર્ષે મે મહિનામાં એડમિશન રેશિયો ઓછો રહેતો તેની સામે આ વર્ષે રેશિયો વધારે છે. જે ચિંતાનો વિષય છે. જેને લઈને ડોકટરે સાવચેત રહેવા જણાવ્યું.
બાળકોના ડોકટરોએ બાળકોને સવારે 10 થી સાંજે 7 સુધી કામ વગર બહાર નહિ નીકળવા અને જો બહાર નીકળે તો શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા સલાહ આપી છે. સાથે જ સુતરાઉ કપડાં પહેરવા સૂચન કર્યુ છે. તેમજ પાણી વધુ પીવડાવવાનું પણ સૂચન કરવામાં આવ્યુ છે. જેથી બાળકને હીટસ્ટ્રોકની અસર ન થાય.