સોશિયલ મીડિયા (Social Media) એક એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ રાતોરાત સેલિબ્રિટી બની શકે છે. ટિકટોક પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા કન્ટેન્ટ ક્રિએટર સાથે પણ આવું જ છે. જેઓ ઈટાલીમાં એક સમયે મશીન વર્કર તરીકે કામ કરતા હતા આજે દરેક વ્યક્તિ ખાબી લેમને (Khaby Lame) જાણે છે. જો તમે યુટ્યૂબ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર જેવા કોઈપણ પ્લેટફોર્મ પર છો તો તમે ખાબીનો વીડિયો જોયો જ હશે. હાલમાં જ ખાબીએ દુનિયાને પોતાની દરેક પોસ્ટની કમાણી જણાવી છે. તેની કમાણી એટલી છે કે ભારતમાં ઘણા એક્ટર્સ-ક્રિકેટર્સ પણ કમાણીના મામલામાં તેની પાછળ છે.
22 વર્ષના ખાબી જૂનમાં ટિકટોક પર સૌથી વધુ ફોલો કરનાર વ્યક્તિ બની હતી. ટિકટોક પર તેને 14.95 કરોડ લોકો ફોલો કરે છે. ફોર્ચ્યુનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેને જણાવ્યું કે દરેક વીડિયો પર વ્યૂ મેળવવા સિવાય તે મોટી કમાણી પણ કરે છે. ખાબીને દરેક પોસ્ટ માટે 7,50,000 ડોલર (આશરે 6 કરોડ રૂપિયા) મળે છે. આ રીતે તેની કમાણી 2022માં જ 10 મિલિયન ડોલર (લગભગ 80 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. ખાબીની મોટાભાગની કમાણી બ્રાન્ડ ડીલ્સમાંથી આવે છે. ખાબી તેના વીડિયોમાં કંઈ બોલતો નથી, તે માત્ર તેના હ્યુમરથી લોકોને હસાવે છે.
ખાબી લેમ સેનેગલના ઈમિગ્રન્ટ છે. તે તેના માતા-પિતા સાથે 2001માં સેનેગલની રાજધાની ડકારથી ઈટાલીના તુરીનમાં રહેવા ગયો. તે તુરીનના ચિવાસોમાં રહે છે. તે તેના ત્રણ ભાઈ-બહેનો સાથે મોટો થયો હતો. ઘરની ખરાબ પરિસ્થિતિને કારણે શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેને ફેક્ટરીમાં મશીન વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ પછી મહામારી દરમિયાન કંપની બંધ થઈ ગઈ અને તેને તેની નોકરી ગુમાવી. આ દરમિયાન તેણે ટિકટોક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેનો વીડિયો વાયરલ થયો અને તે ટિકટોકનો સૌથી મોટો સ્ટાર બની ગયો.
ભારતમાં દરેક પોસ્ટ પરથી સૌથી વધુ કમાણી વિરાટ કોહલી કરે છે. તેને એક પોસ્ટ માટે 5.3 કરોડ રૂપિયા મળે છે. બીજા નંબર પર પ્રિયંકા ચોપરા છે, જે દરેક પોસ્ટ માટે 3.2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. શાહરૂખ ખાન દરેક પોસ્ટ માટે 80 લાખથી એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા ભટ્ટ પણ દરેક પોસ્ટ માટે માત્ર 1 કરોડ રૂપિયા લે છે. આવી પરિસ્થિતિમાં ખાબી લેમની એક પોસ્ટથી કમાણી એટલી વધારે છે કે તે દેશના ક્રિકેટર અને સુપરસ્ટારને પણ તેને પાછળ છોડી દીધા છે. જેમ જેમ ટિકટોક દુનિયાભરમાં ફેમસ થશે તેમ તેમ તેમની કમાણી પણ વધશે.