રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પર્સનલ લોન(Personal Loan) અને ક્રેડિટ કાર્ડ(Credit Card) દ્વારા લોન લેવાના નિયમોને કડક બનાવ્યા છે. આ અંતર્ગત હવે ગ્રાહકોએ આવી લોન મેળવવા માટે વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે લોન આપતા પહેલા ગ્રાહકોની આર્થિક સ્થિતિની તપાસ પણ કરવામાં આવશે. આ સિવાય તેમને અમુક પ્રકારની ગેરંટી આપવા માટે પણ કહેવામાં આવી શકે છે. બેંકોને સંપૂર્ણ ખાતરી થયા બાદ જ લોન આપવામાં આવશે.હાલ પર્સનલ લોન આપતા પહેલા બેંકો ગ્રાહકોની નાણાકીય સ્થિતિ તપાસતી નથી. ક્રેડિટ કાર્ડની બાબતમાં પણ એવું જ છે. પ્રક્રિયાની સરળતાને કારણે આવી લોન લેવાનું ચલણ ઝડપથી વધ્યું છે. આ સાથે આવા ડિફોલ્ટરોની સંખ્યામાં પણ વધારો થયો છે જેના કારણે બેંકોને નુકસાન ન થાય તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ લોન ઉચ્ચ જોખમ અને અસુરક્ષિત ધિરાણની શ્રેણીમાં આવે છે. અસુરક્ષિત ધિરાણ તેને કહેવામાં આવે છે જેમાં બેંકોમાં કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી. આ કારણોસર આવી લોન પર વ્યાજ દરો પણ ઊંચા છે. જો કોઈ વ્યક્તિ પૈસા ઉછીના લે છે અને તેને પરત ચૂકવવામાં અસમર્થ છે તો વસૂલાત લગભગ અશક્ય છે. આ લોન બેંક માટે વધુ જોખમી છે.
ડેટા મુજબ વર્ષ 2022 માં વ્યક્તિગત લોન લેનારાઓની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે જે 7.8 કરોડથી વધીને 9.9 કરોડ થયોછે. તે જ સમયે, ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેનારા લોકોની સંખ્યા પણ 1 કરોડ 30 લાખથી વધીને 1 કરોડ 70લાખ કરોડ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Commodity Market Today : દેશમાં ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો, આયાત ઘટાડવાના સરકારના પ્રયાસ સામે નકારાત્મક અહેવાલ
આંકડા અનુસાર, ક્રેડિટ કાર્ડ પર લોકોની બાકી રકમ એક વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાથી વધીને 2 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં, એપ્રિલમાં લોન ચૂકવવામાં મોડું કરનારા લોકોની સંખ્યા વ્યક્તિગત લોનના કિસ્સામાં નવ ટકા અને ક્રેડિટ કાર્ડના કિસ્સામાં ચાર ટકા હતી. આ આંકડો કોરોના મહામારી પહેલા કરતા વધારે છે. તે સમયે, આ આંકડો બંને સહિત માત્ર પાંચ ટકા હતો.