સોશિયલ મીડિયા કંપની Twitter (X) ના માલિક એલોન મસ્કે (Elon Musk) પ્લેટફોર્મ પર એંગેજમેન્ટ વધારવા માટે ઘણી નવી સેવાઓ શરૂ કરી છે. કન્ટેન્ટ જનરેટ કરનારાઓ માટે આવક યોજના પણ બનાવવામાં આવી છે. કંપનીએ જાહેરાતોમાંથી થતી આવકમાં ભાગીદારી કરવા માટે યુઝર્સ માટે ‘એડ રેવન્યુ શેરિંગ પ્લાન’ બનાવ્યો છે. પરંતુ હવે યુઝર્સને આ રીતે થનારી આવક પર 18% GST ચૂકવવો પડશે.
ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે GST કાયદા હેઠળ ‘એડ રેવેન્યુ શેરિંગ પ્લાન’થી થતી આવકને વિદેશથી ‘સપ્લાય’ ગણવામાં આવશે. તેથી તેને એનકેશ કરવા પર યુઝર્સને 18 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.
જો કોઈ વ્યક્તિની ભાડાની આવક, બેંકોની ફિક્સ ડિપોઝિટ અથવા અન્ય વ્યાવસાયિક સેવાઓ પરનું વ્યાજ એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે થાય છે, તો તેના પર ટેક્સ લાગશે. નિષ્ણાતો કહે છે કે વ્યક્તિની સેવાઓમાંથી 20 લાખ રૂપિયાની આવકમાં તે સ્ત્રોતો સામેલ હશે જેને GSTના દાયરામાં રાખવામાં આવ્યા છે. જે આવકમાં છૂટ આપવામાં આવી છે તેના પર GST વસૂલવામાં નહીં આવે.
હાલમાં વ્યક્તિઓ અને એકમોને દેશમાં સેવાઓમાંથી એક વર્ષમાં 20 લાખ રૂપિયા કે તેથી વધુની આવક પર GST નોંધણી કરાવવી પડે છે. મિઝોરમ, મેઘાલય અને મણિપુરમાં આ મર્યાદા 10 લાખ રૂપિયા છે.
આ અંગે AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહન કહે છે કે, ધારો કે જો કોઈ વ્યક્તિ બેંકમાંથી વાર્ષિક 20 લાખ રૂપિયાની વ્યાજની આવક મેળવે છે. તે તેના પર ન તો કોઈ GST ચૂકવે છે અને ન તો તેણે GST રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે જો તે જ વ્યક્તિ ટ્વિટર જેવા પ્લેટફોર્મ પરથી 1 લાખ રૂપિયા કમાય છે, તો તેણે 20 લાખ રૂપિયાની મર્યાદા વટાવતા જ 18% GST ચૂકવવો પડશે.
આ પણ વાંચો : Property Rates: એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 15% સુધીનો વધારો થયો, જાણો કયા શહેરમાં કેટલા મોંઘા થયા મકાન
હાલમાં Twitter (X) એ તેના પ્રીમિયમ ગ્રાહકો અને વેરિફાઇડ સંસ્થાઓ માટે ‘એડ રેવન્યુ શેરિંગ પ્લાન’ રજૂ કર્યો છે. ટ્વિટર પરથી આ રીતે કમાણી કરવા માટે, વ્યક્તિના ફોલોઅર્સની સંખ્યા ઓછામાં ઓછી 500 હોવી જોઈએ અને 3 મહિનાની પોસ્ટ પર 15 મિલિયન ઈમ્પ્રેશન્સ હોવા જોઈએ.