GDP growth: માર્ચ ક્વાર્ટરમાં દેશનો જીડીપી ધીમો પડીને 4.1% થયો, સમગ્ર નાણાકીય વર્ષમાં 8.7% વધ્યો
India GDP growth: માર્ચ ક્વાર્ટરમાં દેશનો (India) જીડીપી વૃદ્ધિ દર ધીમો પડીને 4.1 ટકા થયો, જે તેના અગાઉના ક્વાર્ટરમાં 5.4 ટકા હતો.
માર્ચ ક્વાર્ટરના જીડીપીના (GDP) આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ચોથા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં(Indian Economy) 4.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેના કારણે ગત નાણાકીય વર્ષમાં વિકાસ દર 8.7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. માર્ચ ક્વાર્ટરના આ આંકડા ડિસેમ્બરના વૃદ્ધિદરના આંકડા કરતાં ઓછા છે જ્યારે જીડીપી વૃદ્ધિ 5 ટકાથી વધુ હતી. સંપૂર્ણ વર્ષનો અંદાજ NSOના બીજા અંદાજ કરતાં 20 બેસિસ પોઈન્ટ ઓછો છે. નિષ્ણાતો પહેલેથી જ ધારણા કરી રહ્યા હતા કે ડિસેમ્બર ક્વાર્ટરની રિકવરી માર્ચ ક્વાર્ટર દરમિયાન વધતી જતી મોંઘવારી (Inflation) અને ઓમિક્રોન(Omicron) વિશેની આશંકાથી પ્રભાવિત થશે.
ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ પાછલા ક્વાર્ટરની સરખામણીમાં ધીમી રહી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં વિકાસ દર 5.4 ટકા હતો. જોકે, ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વૃદ્ધિના આંકડા વધુ સારા રહ્યા છે. જ્યારે 2020-21ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી 2.5 ટકાના દરે વધ્યો હતો. અર્થવ્યવસ્થા 2020-21માં 6.6 ટકાના દરે ઘટી હતી જ્યારે ગયા નાણાકીય વર્ષમાં 8.7 ટકાની વૃદ્ધિ હતી, જે દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાથી પ્રભાવિત થઈ હતી.
તેના બીજા અનુમાનમાં, NSOએ 2021-22 દરમિયાન 8.9 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જો કે, 2022 ની શરૂઆતમાં ઓમિક્રોનની અસરને કારણે, વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર થોડી અસર પડી હતી જેના કારણે અંતિમ આંકડા અંદાજ કરતા ઓછા હતા. CAG દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ જીડીપીના 6.7 ટકા રહી હતી. આ સુધારેલા અંદાજ કરતાં 20 બેસિસ પોઈન્ટ ઓછું છે.
સેક્ટરનું પ્રદર્શન કેવું રહ્યું?
ગયા નાણાકીય વર્ષમાં હોટલ અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં 11.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. હકીકતમાં, છેલ્લા નાણાકીય વર્ષમાં કોવિડને કારણે, હોટેલ અને પરિવહન ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું હતું અને તે દરમિયાન આ ક્ષેત્રમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગે 0.6 ટકાના ઘટાડા સામે 9.9 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. કૃષિ ક્ષેત્રે 2021-22માં 3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે અગાઉના નાણાકીય વર્ષમાં 3.3 ટકા હતો.
રાજકોષીય ખાધ અપેક્ષા કરતા ઓછી
દેશની રાજકોષીય ખાધ અંદાજ કરતા સારી રહી છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજકોષીય ખાધ જીડીપીના 6.71 ટકા હતી, જ્યારે સંશોધિત અંદાજ 6.9 ટકા હતો. 15.91 લાખ કરોડના અંદાજની સામે રકમમાં ખાધ રૂ. 15.87 લાખ કરોડ રહી છે. CAG દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, મહેસૂલી ખાધ 4.37 ટકા રહી છે. આવકમાં તફાવત 10.33 લાખ કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે અંદાજ 10.89 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષ માટે, સરકારે અગાઉ 6.8 ટકાની રાજકોષીય ખાધનો અંદાજ મૂક્યો હતો, જે બાદમાં સુધારીને 6.9 ટકા કરવામાં આવ્યો હતો.
જો કે, વાસ્તવિક આંકડો આના કરતા ઓછો છે. રાજકોષીય ખાધનો મતલબ સરકારની આવક કરતાં વધુ ખર્ચ કરવો, કોવિડને કારણે સરકારની આવકમાં ઘટાડો થયો હતો, જ્યારે સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ખર્ચ વધારવાનો આગ્રહ રાખ્યો હતો, જેના કારણે ખાધ 7 ટકાની નજીક પહોંચી ગઈ હતી. આ સાથે એપ્રિલ મહિનામાં રાજકોષીય ખાધ 4.5 ટકા અથવા 16.61 લાખ કરોડ રૂપિયા રહી છે.