Shrawan 2022 : અહીં વિદ્યમાન થયા છે મહાબલિના મહાદેવ ! જાણો શા માટે થાય છે એક ખંડિત શિવલિંગની પૂજા ?
અહીં ખૂબ જ નાના ગર્ભગૃહમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ (trinetreshwar mahadev) વિદ્યમાન થયા છે. પણ, આ નાનકડાં સ્થાનકનો સૌથી મોટો મહિમા એ છે કે આ શિવલિંગ સ્વયં દેવાધિદેવના હસ્તે પ્રદાન થયું હોવાની લોકવાયકા છે !
જૂનાગઢના (Junagadh)વંથલી તાલુકામાં કોયલી નામે નાનકડું ગામ આવેલું છે. આ કોયલી ગામને પાવની ઉબેણ નદીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. અને આ ઉબેણને કાંઠે જ સ્થિત છે કોયલી મઠ (Koyalimath). કોયલી મઠનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું તો અદભૂત છે કે અહીં પગ મૂકતા જ મનના તમામ ઉદ્વેગ અને ચિંતાઓનું શમન થઈ જાય છે અને આ મઠની મધ્યે જ તો શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યા છે ત્રિનેત્રેશ્વર મહાદેવ (Trinetreshwar mahadev).
મંદિર માહાત્મ્ય
કોયલી મઠ મધ્યે દેવાધિદેવનું અત્યંત સુંદર શિવાલય શોભાયમાન છે. લાલ પત્થરમાંથી કંડારેયલું આ શિવાલય નાગરશૈલીથી નિર્મિત છે. અહીં ખૂબ જ નાના ગર્ભગૃહમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિદ્યમાન થયા છે. પણ, આ નાનકડાં સ્થાનકનો સૌથી મોટો મહિમા એ છે કે આ શિવલિંગ સ્વયં દેવાધિદેવના હસ્તે પ્રદાન થયું હોવાની લોકવાયકા છે ! નિત્ય જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિનેત્રેશ્વર મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શનાર્થે અહીં ઉમટી પડે છે. તો કોયલીવાસીઓની તો સવાર જ ત્રિનેત્રેશ્વર દાદાના પૂજન-અર્ચનથી થાય છે.
ત્રિનેત્રેશ્વર પ્રાગટ્ય
સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા અને અપરાજિત રહેવાની મનશા સાથે અસુરરાજ બલિએ મહાયજ્ઞ કર્યા હોવાની કથા સર્વ વિદિત છે. લોકવાયકા એવી છે કે રાજા બલિએ 101 સોમયજ્ઞનો સંકલ્પ કર્યો હતો. અને તેમના અંતિમ યજ્ઞ માટે તેમણે આજના વંથલીની જ પસંદગી કરી હતી. ઉલ્લેખનીય છે કે આજના વંથલીનું પ્રાચીનકાળનું નામ વામનસ્થલી છે ! કારણ કે શ્રીવિષ્ણુ આ જ સ્થાન પર વામન રૂપે પધાર્યા હતા ! વંથલીમાં જ વામનદેવે રાજા બલિ પાસે ત્રણ પગલાં ભૂમિનું દાન માંગ્યું હતું. પણ, કહે છે કે આ ઘટના પૂર્વે અને મહાયજ્ઞના પણ પ્રારંભ પૂર્વે રાજા બલિ તેમના આરાધ્ય શિવજીને લેવા કાશી પહોંચ્યા હતા. કારણ કે તેમની પ્રબળ મનશા એવી હતી કે તેમના અંતિમ યજ્ઞમાં દેવાધિદેવ ઉપસ્થિત રહે. ત્યારે શિવજીએ સ્વયં પોતાના જ અંશ રૂપ શિવલિંગ રાજા બલિને પ્રદાન કર્યું. પણ, સાથે જ કહ્યું કે, “તું જે સ્થાન પર આ શિવલિંગ મૂકીશ તે જ સ્થાન પર તે પ્રસ્થાપિત થઈ જશે. પછી, ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાં શિવલિંગ તે સ્થાન પરથી ચલિત નહીં થઈ શકે !”
રાજા બલિ શિવલિંગના ઊંચકીને વંથલીના યજ્ઞસ્થળે પહોંચવા આગળ વધ્યા. ત્યારે આજના કોયલી મઠના સ્થાન પર જ મહાદેવે અદભુત લીલા કરી. એકાએક શિવલિંગનું વજન વધી ગયું. રાજા બલિથી શિવલિંગ નીચે મુકાઈ ગયું અને મહેશ્વર ત્યાં જ વિદ્યમાન થઈ ગયા.
ખંડિત શિવલિંગ !
ત્રિનેત્રેશ્વર શિવલિંગ સામાન્ય શિવલિંગ કરતા ભિન્ન છે. તેને નિહાળતા ખ્યાલ આવે છે કે શિવલિંગ ખંડિત છે. દંતકથા એવી છે કે ભૂલથી શિવલિંગ નીચે મૂકાઈ જતા રાજા બલિને ખૂબ પસ્તાવો થયો. તેમણે શિવલિંગ પર મસ્તક પછાડીને દુઃખ વ્યક્ત કર્યું. જેને લીધે શિવલિંગ ખંડિત થયું. સામાન્ય રીતે મંદિરોમાં ક્યારેય ખંડિત પ્રતિમાઓ કે શિવલિંગની ઉપાસના નથી થતી. પરંતુ, આ એ સ્થાન છે કે જ્યાં મહેશ્વર તેમની ઈચ્છાથી જ બિરાજમાન થયા છે. અને એટલે જ અહીં આ સ્વરૂપે જ તેમની પૂજા કરવામાં આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)