“મારુ પદ ટકાવી રાખવા માટે ક્યારેય હાઈકમાન્ડ સામે જી હજુરી કરી નથી”- શક્તિસિંહ
tv9 ગુજરાતી દ્વારા આયોજીત કોન્કલેવ 2025માં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ સવાલોનો નિખાલસતાથી અને બેબાક રીતે જવાબો આપ્યા. હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, કોંગ્રેસના ગદ્દારો, રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત સહિતના તમામ મુદ્દાઓ પર બાપુએ ખૂલીને વાત કરતા જોવા મળ્યા.
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી બહાર છે અને શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પણ કોંગ્રેસનો તૂટવાનો સિલસિલો અટક્યો નથી. ત્યારે શક્તિસિંહને જ્યારે પૂછવામાં આવ્યુ કે ગુજરાતની જનતા ઈચ્છે છે કે વિપક્ષ મજબૂત બને અને ઝનૂનથી લડે, તેના પર શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે કોંગ્રેસનો દરેક કાર્યકર ઝનૂનથી લડી રહ્યો છે. શક્તિસિંહે દાવો કર્યો જો કોંગ્રેસમાં લડાયક વૃતિનો અભાવ હોત તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પરસેવો ન પાડવો પડ્યો હોત.
કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે, બુલડોઝર બતાવવામાં આવે, પોલીસ ધમકાવે, રૂપિયાના થેલા બતાવી પ્રલોભનો આપવામાં આવે, છતા 1500 ઉમેદવારો નગરપાલિકામાં હાર કે જીતની ચિંતા વગર મજબૂતાઈથી લડે, એમને એકમાત્ર ઝનૂન જ લડાવે છે. શક્તિસિંહે કહ્યુ આવનારા દિવસોમાં પણ એજ સેવાની સાધનાના ઝનૂન સાથે કોંગ્રેસ લડશે.
અધ્યક્ષ પદ ટકાવવાનો શક્તિસિંહ સામે કેટલો પડકાર?
શક્તિસિંહે બેબાકપણે કહ્યુ ” મારુ પદ ટકાવી રાખવા હાઈકમાન્ડ સામે ક્યારેય મહેનત નથી કરી, હું સૈનિક છુ, કામ કરુ છુ, અને જ્યાં સુધી પ્રમુખ છુ ત્યા સુધી મને ચાલુ રાખજો એમ કહેવા પણ નથી જવાનો. પરંતુ હાઈકમાન્ડ મને રાખશે, રાહુલ ગાંધીએ જતા સમયે પણ કહ્યુ છે કે તારે જ લડવાનું છે અને તારે જ રહેવાનું છે. મજબૂતીથી લડીશ અને રહીશ.”
ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહીલ પોતાને 10 માંથી કેટલા માર્ક્સ આપે,, આ સવાલના જવાબમાં શક્તિસિંહે નિખાલસ કબૂલાત. કરતા કહ્યુ જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બને ત્યાં સુધી ઝીરો.