Panchmahal: શહેરા તાલુકાના બીલીથા ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતાં વિદ્યાર્થીઓ ઢીચણ સમા પાણીમાંથી સ્કૂલે જવા મજબૂર
ચોમાસાની વિકટ પરિસ્થિતિમાં મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ પણ ઇમરજન્સી સર્જાય ત્યારે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
પંચમહાલ (Panchmahal) ના શહેરા તાલુકાના બીલીથા ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગામના માછી ફળિયા નજીક ઢીચણ સમા પાણી ભરાયેલા છે. વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન થતા ભારે હાલાકી સર્જાઇ છે. વિદ્યાર્થીઓ (students) ને સ્કૂલે (school) જવામાં મુશ્કેલી પડી રહી છે તો ગ્રામજનોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. ગ્રામજનોની માગ છે કે તંત્ર વરસાદી પાણીનો ત્વરિત નિકાલ કરે.
રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદે મોટા પાયે ખાનાખરાબી સર્જી છે. પંચમહાલના જાંબુઘોડા, ઘોઘંબા અને ગોધરા તાલુકામાં વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા અને ગોધરા તાલુકામાં વરસ્યો છે. પંચમહાલ જિલ્લાના આ બંને તાલુકામાં ચાલુ વર્ષે સિઝનનો ૫૦ ટકા ઉપરાંત વરસાદ એકસાથે વરસી ગયો છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. બીજી તરફ વરસાદને કારણે ગોધરા તાલુકામાં નદી-કોતરો પર આવેલા નાળા અને કોઝ-વે પણ ધોવાઈ જવા પામ્યા છે. પંચમહાલ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં આવેલા 17 જેટલા કોઝ-વે અને 20થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે જે પૈકી કેટલાક રસ્તાઓ તો તાજેતરમાં જ બન્યા હતા. તેમ છતાં થોડાક વરસાદમાં જ તે તૂટી ગયા છે. પરિણામે સ્થાનિકોએ રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પંચમહાલમાં પુલ અને રસ્તાઓ ધોવાઇ જતાં કેટલાક ગામો અને ફળિયાનો સંપર્ક તૂટ્યો છે. સ્થાનિકોને કોઝવેના અભાવે 10 કિમી સુધી વધારાનું અંતર કાપવાનો વારો આવ્યો છે. ચોમાસાની વિકટ પરિસ્થિતિમાં મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ પણ ઇમરજન્સી સર્જાય ત્યારે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. તૂટેલા રસ્તા અને નાળાને કારણે ગામો તેમજ ફળિયા વિખૂટા પડતા બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. ત્યારે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને કોઝ-વેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.