12 મહિનાના મસાલાની ખરીદી કરતી વખતે તેમા ભેળસેળ થઈ છે કે નહીં તે કેવી રીતે ચકાસશો? – Video
હાલ મસાલાની સીઝન ચાલી રહી છે અને લોકો આખુ વર્ષ મસાલા ખરીદવા ન પડે આથી નવા બજારમાં આવેલા મરચુ, હળદર અન ધાણાજીરુની ખરીદી કરતા હોય છે. ત્યારે આ મસાલામાં ભેળસેળ થઈ છે કે નહીં તે કેવી રીતે ચકાસશો. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીએ એક તરકીબ જણાવી છે.
હાલ 12 મહિનાના મસાલા ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે મસાલામાં થતી ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમે રાજકોટ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમા મસાલામાં ભેળસેળ ચકાસવા માટે વિવિધ મસાલાના નમૂના એકત્ર કર્યા હતા. આ દરમિયાન સ્થળ પર જ રાઈ અને વરિયાળીમાં કલરની ભેળસેળનું ચેકિંગ કરાયુ હતુ. આ દરમિયાન વરિયાળી કે રાઈમાં કોઈ કલરની ભેળસેળ હોવાનું ધ્યાનમાં આવ્યુ ન હતુ. ત્યારબાદ મરચાં અને હળદરની ચકાસણી કરવામાં આવી હતી.
મસાલા ખરીદતી વખતે કેવી રીતે ચેક કરશો ભેળસેળ?
ફુડ વિભાગના અધિકારી જણાવે છે કે પાણી દ્વારા મસાલાની ભેળસેળ અંગે ચકાસણી કરી શકાય છે. થોડી માત્રામાં હળદર કે મરચુ હાથમા લઈ તેમા થોડુ પાણી ઉમેરીને થોડુ રબ કરે તો સરળતાથી જાણી શકાય છે કે કલરની ભેળસેળ થઈ છે કે નહીં!
કેટલાક વેપારીઓ મરચાંમાં કાર્સિનોજેનિક ડાયનું મિશ્રણ કરે છે
રાજકોટ ફુટ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે હળદરમાં સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવતી હોય છે. તેની ચકાસણી ઘરે કરી શકાતી નથી. તેનુ સેમ્પલ લઈ આરોગ્ય વિભાગની લેબમાં ચકાસણી કરવામાં આવે છે. મરચામાં સોલ્યુબલ ડાય અથવા અનસોલ્યબલ ડાય અથવા કલરનું મિશ્રણ કરવામાં આવે છે. જેની ચકાસણી પાણી દ્વારા કરી શકાય છે. જો મરચામાં કોઈપણ પ્રકારની ડાયનું મિશ્રણ કરેલુ હોય તો તેને પ્રાથમિક દૃષ્ટિએ એટલુ ચેકિંગ કરી શકાતુ નથી. તેને લેબમાં ચેકિંગ માટે મોકલવાનું રહે છે. કાર્સિનોજેનિક ડાય આરોગ્ય માટે ઘણી હાનિકારક હોય છે. આવુ મરચુ લાંબો સમય ખાવાના કારણે કેન્સર થવાની શક્યતા રહેલી છે.
કેટલાક લેભાગુ વેપારીઓ મસાલામાં સ્ટાર્ચનું મિશ્રણ કરે છે
મસાલામાં મેળવવામાં આવતા સ્ટાર્ચ એટલા હાનિકારક નથી હોતા, તે એક પ્રકારનો કોર્ન ફ્લોર હોય છે, જે બજારમાં સસ્તા ભાવે મળતો હોવાથી લેભાગુ વેપારીઓ તેની ભેળસેળ કરતા હોય છે. આ પ્રકારની ભેળસેળ ન થાય અને ગ્રાહકોને કોઈપણ મિલાવટ વગરના મસાલા મળી રહે તે અંગે આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યુ અને સ્થળ પર પણ ચેકિંગ કર્યુ હતુ અને વિવિધ સેમ્પલ પણ એકત્ર કર્યા હતા. જેમની હવે લેબમાં ચકાસણી કરવામાં આવશે.