બોટના કોન્ટ્રાક્ટરની દેખીતી બેદરકારી હોવાના પ્રાથમિક અહેવાલ, કોન્ટ્રાક્ટર ફરાર, તો શાળાના સંચાલકો પણ ઘટના બાદ થયા ફરાર
વડોદરામાં થયેલ બોટ દુર્ઘટનાકાંડમાં પણ હવે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાની જેમ જ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બોટ દુર્ઘટના બાદ જે કોન્ટ્રાક્ટરને હરણી તળાવ માટેનું ટેન્ડર આપવામાં આવેલુ હતુ તે ફરાર થઈ ગયા છે. જ્યારે શાળાના સંચાલકો પણ ફરાર થયા છે.
વડોદરામાં સનરાઈઝ સ્કૂલના બાળકોની પિકનિક મોતની પિકનિક બની ગઈ છે. શાળાના શિક્ષકો 30 જેટલા બાળકોને હરણી તળાવની પિકનિકમાં લઈ જવાયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ અને શાળાના બાળકો સહિત 15 લોકોના મોત થયા છે. જેમા બે શિક્ષકોના પણ મોત થયા છે. જો કે આ દુર્ઘટના બાદ શાળા સંચાલકો અને કોન્ટ્રાક્ટરે નિર્લજ્જતાની હદ વટાવી છે. જ્યા જવાબદારી સ્વીકારવાની હોય ત્યાં હાલ તેઓ ફરાર થઈ ગયા છે. કોન્ટ્રાક્ટર અને શાળાના સંચાલકો બંને હાલ ફરાર છે.
વ્હાલસોયાને ગુમાવનારા માતાપિતાનું હૈયાફાટ આક્રંદ
ઘટનાસ્થળે માતમ ફેલાઈ ગયો છે. સંતાનો ગુમાવનારા માતાપિતાનું હૈયાફાટ આક્રંદ ત્યાં હાજર સહુ કોઈને હચમચાવી દેનારુ છે. જે ભૂલકાઓ પિકનિકમાં મજા કરવા માટે ગયા હતા. એમણે ક્યાં વિચાર્યુ હતુ કે તેઓ ક્યારેય પરત જ નથી આવવાના. આ મૃત બાળકોના મમ્મી પપ્પાએ તેમના વ્હાલસોયાને હોંશે હોંશે તૈયાર કરી, નવા કપડા પહેરાવી પિકનિકમાં મોકલ્યા હશે. ત્યારે એ ક્યાં જાણતા હતા કે તેઓ તેમને મોતની પિકનિકમાં મોકલી રહ્યા છે.
બે પૈસા વધુ કમાવાની લ્હાયમાં કોઈના જીવ સાથે રમત રમવાનો પરવાનો કોણે આપ્યો? છાશવારે બનતી આ પ્રકારની દુર્ઘટનાઓમાંથી કેમ આજ સુધી કોઈ બોધપાઠ નથી લેવાતો ? શું આ માતાઓએ આ પ્રકારે મોતને હવાલે કરી દેવા તેમના બાળકને પિકનિકમાં મોકલ્યુ હતુ? આજની બોટ કાંડની ઘટનાએ આ માતાપિતાને ક્યારેય ન રૂજાય એવા ઉજરડા આપ્યા છે.
આ પણ વાંચો: હરણી તળાવ દૂર્ઘટના : કોણ છે બોટનો કોન્ટ્રાક્ટર, કોણ છે સનરાઈઝ સ્કૂલનો માલિક ? જાણો તમામ સવાલોના જવાબ
ક્યાં સુધી રેઢિયાળ તંત્રના પાપે નિર્દોષો હોમાતા રહેશે?
દુર્ઘટના સામે આવ્યા બાદ સરકારોએ તુરંત સહાયની જાહેરાત કરી દીધી. જેમા પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખની સહાય અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાયનો મલમ લગાવવાનો પ્રયાસ કરાયો છે ત્યારે એ સવાલ પણ ચોક્કસ થાય કે શું આ સહાયથી આ માતાપિતાઓએ જે ગુમાવ્યુ છે એ પાછુ આવશે? આખરે ક્યાં સુધી નઘરોળ તંત્રની રેઢિયાળ કામગીરીના પાપે નિર્દોષોનો ભોગ લેવાતો રહેશે ?
Input Credit- Yunus Gazi- Vadodara