Patan Video : મ્હારી છોરિયા છોરોસે કમ હૈ કે ! હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
પાટણના હાજીપુરમાં પરિવારની કે જ્યા અથાગ મહેનતથી 4 સગી બહેનોએ પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી પરિવાર અને ગામનું નામ રોશન કર્યુ છે. તેમજ તેઓ રમત ગમત ક્ષેત્રો પણ ખૂબ જ આગળ છે.
મ્હારી છોરિયા છોરોસે કમ હૈ કે આ ડાયલોગ હવે ખાલી કહેવા માટે નથી રહ્યો. આજની દીકરીઓ તેને સાર્થક પણ કરી રહી છે. આજે વાત કરવાની છે એવા પરિવારની કે જ્યા અથાગ મહેનતથી 4 સગી બહેનોએ પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી પરિવાર અને ગામનું નામ રોશન કર્યુ છે.
પાટણ જિલ્લાનું નાનકડું ગામ હાજીપુર જે રમત ગમત ક્ષેત્રે ઘણા સમયથી આગળ છે. ન માત્ર રમત ગમત પરંતુ પોલીસ ભરતીમાં પણ અગ્રેસર છે. એવામાં હાજીપુર ગામમાં રહેતા ઈશ્વરભાઈ ચૌહાણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવામાં પત્ની અને 4 દીકરીઓ અને એક દીકરો છે. એટલે એક પિતા તરીકે પેટે પાટા બાંધીને ઈશ્વર ભાઈએ તમામ દીકરીઓને શિક્ષણ પુરૂ પાડ્યુ અને સાથે રમત ગમતમાં પણ આગળ વધવા માટે પ્રેરણા આપી. આજે ચારેય દીકરીઓની એક સાથે પોલીસ વિભાગમાં ભરતી થતા પરિવારમાં ખુશીનો માહોલ છે.
એથલેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા
ચાર દીકરીઓ પૈકી એક દીકરી હેતલ સારી ખેલાડી છે તેણે એથલેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે. ત્યારે હેતલની સાથે એની બીજી ત્રણ બહેનો પણ પોલીસ ભરતી માટે તેમના ગામના કોચ સાથે દોડની પ્રેક્ટિસ કરતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરતી. આ વર્ષ 2023ની પોલીસ ભરતીમાં આ ચારેય સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામીઅને હાલ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણૂક લઈને ફરજ બજાવી રહી છે.
એક જ પરિવારની 4 દીકરીઓની એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક થઈ આ પાછળ ન માત્ર ચારેય દીકરીઓની મહેનત છે. તો સાથે માતા-પિતાનો વિશ્વાસ અને સંઘર્ષ પણ છે. આ દીકરીઓએ ખુબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.