Gujarat Video: વડોદરા પથ્થરમારાની ઘટનામાં પોલીસે નોંધ્યો ચોથો ગુનો, ભડકાઉ નિવેદન મામલે રોહન શાહ અને ઋષિ વાલિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ
Vadodara: રામનવમીના દિવસે થયેલી અલગ અલગ પથ્થરમારાની ઘટનામાં પોલીસે ચોથો ગુનો નોંધ્યો છે. જેમાં વીડિયો ફુટેજને આધારે વારસિયા પોલીસ મથકમાં ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. SRP જવાનને તમાચો મારી રાઈફલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભડકાઉ નિવેદન મામલે રોહન શાહ અને ઋષિ વાલિયાને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવા હુકમ કરાયો છે.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન અશાંતિ ફેલાવનાર તત્વો સામે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા સાયબર ક્રાઈમ સેલે કાર્યવાહી કરી છે. ફેસબુક પર પોસ્ટ કરનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે તો બીજી તરફ VHPના વધુ એક કાર્યકર ઋષિ વાલિયાની પોલીસે ધરપકડ કરી અને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
ભડકાઉ નિવેદન મામલે રોહન શાહ અને ઋષિ વાલિયાને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવા હુકમ
રોહન શાહે આપેલા નિવેદન સમયે ઋષિ પણ સાથે હતો. તો VHPના નેતા રોહન શાહ, કેતન ત્રિવેદી, કુંજલ શાહ સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. એટલું જ નહીં ફેસબુક પર એડીટેડ વીડિયો મુકનાર શખ્સ સામે પણ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી. હાલ તેને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જામીન અરજી પર આવતીકાલે રેગ્યુલર કોર્ટમાં સુનાવણી થશે.
મહત્વનું છે કે, રોહન શાહ સામે પોલીસ વિરુદ્ધ ખોટા શબ્દો ઉચ્ચારીને સામાન્ય પ્રજામાં ઉશ્કેરણી કરવાનો આરોપ છે. આ ઉપરાંત કોમી વૈમનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક શબ્દો ઉચ્ચારીને હિંસા ફેલાવ્યાનો ગુનો પણ દાખલ કરાયો છે. રોહન શાહ સહિત ચાર સામે IPCની કલમ 153 A મુજબ ગુનો દાખલ કરીને રોહન શાહની અટકાયત કરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરાના વારસિયામાં પથ્થરમારાની ઘટનામાં પણ ચોથો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ કુંભારવાડાના ધૂળ ધોયાવાડમાં તૈનાત SRPની ટૂકડી પર હુમલો કર્યો હતો. સ્થાનિક પોલીસ સાથે તૈનાત SRP જવાનને તમાચો મારી રાઈફલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વીડિયો ફુટેજને આધારે ગુનો દાખલ કર્યો છે.