એક પ્રેમપત્ર બન્યો હતો માધવપુરના પ્રાગટ્યનું નિમિત્ત ! જાણો વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવનું રહસ્ય

એક પ્રેમપત્ર બન્યો હતો માધવપુરના પ્રાગટ્યનું નિમિત્ત ! જાણો વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવનું રહસ્ય

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:57 AM

પ્રચલિત કથા અનુસાર દેવી રુકમણીને લઈને દ્વારિકા પહોંચતા પહેલાં શ્રીકૃષ્ણ આજના માધવપુરની સમીપે પહોંચ્યા હતા. શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે કોઈ કુંવારી ભૂમિની શોધમાં હતા. કુંવારી ભૂમિ એટલે એવી ભૂમિ કે જેના પર કોઈપણ પ્રકારનું કર્મ જ ન થયું હોય !

આજથી લગભગ 5,000 વર્ષ પહેલાં એક કોડ ભરેલી કન્યાએ તેના હૃદયસ્વામીને એક પત્ર લખ્યો. ભાવભીનો, લાગણી ભરેલો એક એવો પત્ર કે જેને લખવા ઘણી હિંમત જોઈએ. આ એ જ પત્ર હતો કે જે વિશ્વનો સર્વપ્રથમ ‘પ્રેમપત્ર’ બન્યો ! અને સાથે જ બન્યો એ ધરાના પ્રાગટ્યનું નિમિત્ત કે જેને આપણે સૌ આજે ‘માધવપુર’ના (Madhavpur) નામે ઓળખીએ છીએ. પોરબંદરનું (Porbandar) માધવપુર એટલે એ સ્થાન કે જ્યાં દર વર્ષે ચૈત્ર માસમાં માધવ-રુકમણીના વિવાહોત્સવનું આયોજન થાય છે. ત્યારે આવો, આજે આપણે એ જ પાવનકારી ધામની મહત્તા જાણીએ.

માધવપુર અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર માધવપુર ઘેડના નામે પ્રસિદ્ધ છે. તે પોરબંદર શહેરથી લગભગ 60 કિલોમીટરના અંતરે સ્થિત છે. ‘ઘેડ’ પ્રદેશ એ એક એવો વિસ્તાર હોય છે કે જ્યાં નદી અને સાગરના સંગમને લીધે નદી કાંપને ઘસડી નથી શકતી. જેનો પૂરો લાભ ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યને મળે છે. અને તેનો અહેસાસ તો માધવપુરના મધુવનમાં પગ મૂકતાં જ વર્તાવા લાગે છે. અલબત્, જેની અનુભૂતિ માટે શ્રદ્ધાળુઓ અહીં આવે છે, તે તો છે અહીંના કણ-કણમાં વર્તાઈ રહેલાં રુકમણી-માધવના સ્પંદનો.

શ્રીમદ્ ભાગવતમાં વર્ણીત રુકમણી હરણની કથા અનુસાર દેવી રુકમણી વિદર્ભ નરેશ ભિષ્મકના પુત્રી હતા. કહે છે કે વિદર્ભ આવનારા સત્પુરુષોના મુખેથી દેવી રુકમણીએ ભગવાન શ્રીકૃષ્ણની એટલી પ્રશંસાઓ સાંભળી હતી કે તે વગર જોયે જ શ્રીકૃષ્ણને હૃદય આપી બેઠાં. પરંતુ, રુકમણીના સૌથી મોટા ભાઈ રુક્મિએ તેમના વિવાહ શિશુપાલ સાથે કરાવવાનો નિર્ણય લઈ લીધો. ત્યારે દેવી રુકમણીએ શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા તે દ્વારિકા શ્રીકૃષ્ણને પહોંચાડ્યો. પુરાણોના જાણકારો આને વિશ્વનો સર્વ પ્રથમ પ્રેમપત્ર માને છે ! કે જે દેવી રુકમણીની શાલીનતા અને અદભુત બુદ્ધિચાતુર્યનો પણ પરિચય આપે છે. કહે છે કે આ પત્ર વાંચી ભક્તવત્સલ શ્રીકૃષ્ણ વિદર્ભ દોડી આવ્યા. મંદિરે પૂજા કરવા આવેલા રુકમણીને શ્રીકૃષ્ણએ તેમના રથમાં બેસાડ્યા, વિદ્રોહી રાજાઓને પરાસ્ત કર્યા અને પછી તે દ્વારિકા આવવા નીકળ્યા.

પ્રચલિત કથા અનુસાર દેવી રુકમણીને લઈને દ્વારિકા પહોંચતા પહેલાં શ્રીકૃષ્ણ આજના માધવપુરની સમીપે પહોંચ્યા. શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે કોઈ કુંવારી ભૂમિની શોધમાં હતા. કુંવારી ભૂમિ એટલે એવી ભૂમિ કે જેના પર કોઈ કર્મ જ ન થયું હોય. કહે છે કે આ માટે તેમણે સમુદ્ર દેવતાને પ્રાર્થના કરી. અને સમુદ્ર દેવે તેમને ભૂમિ આપી. ‘માધવ’ના નામ પરથી જ તે ભૂમિ ‘માધવપુર’ના નામે પ્રસિદ્ધ થઈ. ચૈત્ર સુદ નોમથી લઈ ચૈત્ર સુદ તેરસ સુધી આ જ ધરા પર રુકમણી-માધવના વિવાહની તમામ વિધિ સંપન્ન થઈ. જેને પગલે જ માધવપુરમાં દર વર્ષે ચૈત્ર માસમાં મેળો લાગે છે. અને સાથે જ વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવની ઉજવણી થાય છે.

માધવપુર તો એ સ્થાન છે કે જ્યાં ખુદ દેવી રુકમણીનું શમણું પૂરું થયું. આજે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. એ માધવ-રુકમણીના વિવાહ સાથે જોડાયેલાં સ્થાનકોના દર્શન કરે છે અને ધન્યતાની અનુભૂતિ કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : તમે નહીં જોઈ હોય આવી દુર્લભ ગણેશ પ્રતિમા, જાણો પુણેના ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિનો મહિમા

આ પણ વાંચો : આ 7 બાબતોનું રાખી લો ધ્યાન, સિદ્ધ કુંજિકા સ્તોત્ર ચોક્કસથી કરશે શ્રેષ્ઠ ફળ પ્રદાન!

g clip-path="url(#clip0_868_265)">