બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરી રહ્યો છે, જે આ શ્રેણીમાં અત્યાર સુધીનો સૌથી સફળ બોલર પણ છે. પરંતુ રમતના બીજા દિવસે જસપ્રીત બુમરાહે અચાનક જ મેદાન છોડી દીધુ છે. બુમરાહે બીજા દિવસના પહેલા સેશનમાં અદભૂત બોલિંગ કરી અને 1 સફળતા પણ મેળવી. પરંતુ લંચ પછી કંઈક એવું થયું જેણે ભારતીય ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
જસપ્રીત બુમરાહ લંચ બાદ મેદાન પર જોવા મળ્યો નથી. તે સપોર્ટ સ્ટાફ સાથે મેદાન છોડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ટીમ ઈન્ડિયાની મેચની જર્સીમાં પણ નહોતો. તેણે ટ્રેનિંગ કીટ પહેરી હતી. જે બાદ એવું માનવામાં આવે છે કે જસપ્રીત બુમરાહ કોઈ શારીરિક મુશ્કેલીમાં છે. આ સિવાય તે મેદાનની બહાર એક કારમાં પણ જોવા મળ્યો હતો.
વાસ્તવમાં, જસપ્રીત બુમરાહને થોડી ઈજા થઈ છે અને તેને ટીમ સ્ટાફની સાથે સ્કેનિંગ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહે કોહલી સાથે વાત કરી અને મેદાન છોડી દીધું અને પછી સત્તાવાર પ્રસારણકર્તાઓએ તેને ટીમના સુરક્ષા સંપર્ક અધિકારી અંશુમન ઉપાધ્યાય અને ટીમના ડૉક્ટર સાથે મેદાન છોડતો બતાવ્યો પણ હતો.
જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં અત્યાર સુધી 32 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં બુમરાહનું મેદાન છોડવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. સિડની ટેસ્ટની આ ઇનિંગમાં બુમરાહે અત્યાર સુધી 10 ઓવર ફેંકી છે અને 2 વિકેટ પણ લીધી છે. એટલે કે તે આ મેચમાં પણ સારા ફોર્મમાં હતો.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલી હવે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે. જ્યારે, બોલરોની સંપૂર્ણ જવાબદારી સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ પર આવી ગઈ હતી. જે તેમણે સફળતાપૂર્વક પાર પાડીને ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલ આઉટ કરી દીધુ.
જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે. ગયા વર્ષે જ બુમરાહે ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં પીઠની સફળતાપૂર્વક સર્જરી કરાવી હતી. તેને આ ઈજા જૂન 2022માં થઈ હતી. ત્યારબાદ ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ શક્યો નહોતો. આ ઈજાના કારણે તેને લાંબા સમય સુધી મેદાનની બહાર રહેવું પડ્યું હતું. આવી સ્થિતિમાં ભારતીય ચાહકોને આશા હશે કે બુમરાહની ઈજા વધારે ગંભીર નથી.