પાકિસ્તાન ક્રિકેટ ટીમ નવા કોચની શોધમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ માટે ઘણા નામો પર વિચાર કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન તેમને આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં સૌથી આગળ હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે વોટસનનું નામ પસંદ થવું નિશ્ચિત છે, પરંતુ આ દરમિયાન વોટસને કોચ બનવાની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાના સમાચાર આવ્યા હતા.
વોટસન પાકિસ્તાન સુપર લીગ (PCL) ટીમ ક્વેટા ગ્લેડીયેટર્સના કોચ છે. આ સિઝનમાં તેણે ટીમને કોચિંગ આપ્યું હતું. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી PCB સાથે ચર્ચામાં હતો. બોર્ડ તેને પાકિસ્તાન ટીમની મર્યાદિત ઓવરોની ટીમનો કોચ પણ બનાવવા માંગતું હતું. પરંતુ હવે વોટસન તેમાંથી બહાર છે.
એક અહેવાલ મુજબ, વોટસન પાકિસ્તાની ટીમનો કોચ બનવા પર ગંભીરતાથી વિચારી રહ્યો હતો અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે કામ કરવા પણ ઉત્સુક હતો. PSL દરમિયાન તેને પાકિસ્તાન ખૂબ ગમ્યું, પરંતુ પછી તેણે IPLને કારણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. રિપોર્ટ અનુસાર, વોટસને તેની હાલની કોમેન્ટ્રી અને કોચિંગ કોન્ટ્રાક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. તે IPLમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે અને મેજર લીગ ક્રિકેટમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્નનો કોચ છે.
આ સિવાય તે ક્વેટાના કોચ પણ છે. IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. PSL સમાપ્ત થયા બાદ તે IPLમાં કોમેન્ટ્રી કરશે. આ સિવાય તેનો પરિવાર પણ છે. જો તેણે પાકિસ્તાની ટીમના કોચ બનવાની ફુલ ટાઈમ નોકરી લીધી હોત તો તેણે તરત જ આ કામ સંભાળવું પડત, કારણ કે IPLની મધ્યમાં પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે 18 એપ્રિલથી પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે.
વોટસનનું નામ પાછું ખેંચવાથી પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટું નુકસાન થઈ શકે છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા કોચને લઈને ઝડપથી નિર્ણય લેવો પડશે અને જો તેમ નહીં થાય તો ટીમે ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ કોચ વિના રમવી પડશે. આ પછી તેમણે મે મહિનામાં ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી પણ રમવાની છે. આ પછી T20 વર્લ્ડ કપ રમાવાનો છે.
આ પણ વાંચો : IPL 2024નો બીજો તબક્કો ભારતમાં નહીં રમાય! જાણો કયો દેશ હશે યજમાન?