પાકિસ્તાન ક્રિકેટમાં બખડજંતર, ટીમની અંદરથી ફરી અવાજ ઉઠ્યો, બાબરને નહીં આ ખેલાડીને બનાવો કેપ્ટન
બાબર આઝમની સુકાનીપદ હેઠળ, પાકિસ્તાન ઘરઆંગણે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણીમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી, જ્યારે તેમણે બે શ્રેણી ગુમાવી દિધી છે.
ગત વર્ષે રમાયેલા ICC T20 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં બાબર આઝમને સુકાનીપદેથી હટાવવાની માંગ ઉઠી હતી. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ખરાબ પરાજય બાદ પણ આ માંગ બળવતર બની હતી. પરંતુ તાજેતરના સમયમાં આ મામલો થોડા સમય માટે શાંત રહ્યા બાદ ઝડપી બોલર હસન અલીએ ફરી ઉઠાવ્યો હતો. તેણે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે બાબરને સુકાનીપદેથી હટાવી દેવો જોઈએ પરંતુ તે માને છે કે લેગ સ્પિનર શાદાબ ખાન પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે.
હસન અને શાદાબ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમે છે. પાકિસ્તાનમાં આજથી PSLની શરૂઆત થઈ રહી છે. આ પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં હસન અલીને પૂછવામાં આવ્યું કે શું શાદાબ પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરવા તૈયાર છે? તો તેણે કહ્યું કે તે હંમેશા પડકાર માટે તૈયાર જ હોય છે.
શાદાબે પોતાની જાતને સાબિત કરી છે
ક્રિકેટ પાકિસ્તાને, હસનને ટાંકીને કહ્યું, “તે પાકિસ્તાનની કેપ્ટનશીપ માટે તૈયાર છે. તેણે પીએસએલમાં પોતાને સાબિત કર્યો છે. તેણે બે મેચમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ પણ કરી હતી. તેથી મને લાગે છે કે તેઓ તૈયાર છે. જો તેને જવાબદારી આપવામાં આવશે તો તે તેનો ફાયદો ઉઠાવશે. તે દરેક પડકાર માટે તૈયાર છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે.
શાદાબ મર્યાદિત ઓવરોમાં પાકિસ્તાન ટીમનો વાઇસ કેપ્ટન છે. તે એક ઉત્તમ લેગ-સ્પિનર છે અને બેટથી પણ યોગદાન આપવાની શક્તિ ધરાવે છે. ટી20 વર્લ્ડ કપ બાદ બાબરના વિકલ્પના નામની ચર્ચા થઈ રહી હતી, જેમાં શાદાબનું નામ પણ આગળ હતું, ખાસ કરીને ટી20 ટીમની કેપ્ટનશિપ માટે.
બાબર નિરાશ થયો
બાબરની કેપ્ટનશીપમાં પાકિસ્તાનનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. પાકિસ્તાન ટીમ માટે ઘરઆંગણે જીત મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. પાકિસ્તાનને તેના ઘરઆંગણે જ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. આ પછી, ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાનને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હરાવ્યું. ન્યૂઝીલેન્ડ પણ ઘરઆંગણે પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં માંડ માંડ સફળ રહ્યું હતું. આ પછી પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ દ્વારા વનડે શ્રેણીમાં પરાજય મળ્યો હતો. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હાલત ખરાબ હતી. પરંતુ કોઈક રીતે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. જોકે ફાઇનલમાં તેને ઇંગ્લેન્ડ સામે કારમી હાર મળી હતી.