IND Vs AUS: ટીમ ઈન્ડિયા 109 રનમાં સમેટાઈ જવા ખેલાડીઓનો ફ્લોપ શો નહીં, બેટિંગ કોચને પીચનો વ્યવહાર અયોગ્ય લાગ્યો!
India Vs Australia, 3rd Test: ઈંદોર ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 109 રનમાંજ દાવ સમેટાઈ ગયો હતો. આ માટે બેટિંગ કોચને બેટરોમાં નહીં હવે પીચના વ્યવહારમાં આશ્ચર્ય લાગે છે.
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની ત્રીજી ટેસ્ટ મેચ ઈંદોરમાં રમાઈ રહી છે. અહીં ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે ભારતીય ટીમની પ્રથમ ઈનીંગ કંગાળ રહી હતી. ટીમ ઈન્ડિયા માત્ર 109 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા પીચથી ટર્ન મળવાને મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના કોચ વિક્રમ રાઠોડને પણ ખૂબ જ પડકારજનક સ્કોર લાગ્યો હતો.
આ પહેલા સિરીઝની પ્રથમ બંને મેચોમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી દીધુ હતુ. પ્રથમ બંને ટેસ્ટના પરિણામ ભારતે માત્ર 3 જ દિવસમાં લાવી દીધા હતા. જોકે ઈંદોર ટેસ્ટમાં ઉલ્ટાનુ ભારતીય ટીમ મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી હતી. પ્રથમ સત્રમાં જ ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયન સ્પિનર મેથ્યૂ કુહનેમને તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારત પર ઓસ્ટ્રેલિયાએ 47 રનની લીડ મેળવી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 156 રન નોંધાયો હતો.
બેટિંગ કોચે કહ્યુ-અપેક્ષા કરતા વધારે ટર્ન
ટીમ ઈન્ડિયાની આ પરેશાની પાછળનુ કારણ પીચ માનવામાં આવી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટરોને રમત મુશ્કેલીભરી લાગી રહી હતી. રાઠોડે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “તે ચોક્કસપણે એક પડકારજનક વિકેટ છે. તે અમારી અપેક્ષા કરતાં વધુ ટર્ન લઈ રહી છે. આ ભેજને કારણે હોઈ શકે છે, બોલ સવારે ઝડપથી ટર્ન લઈ રહ્યો હતો. અમે ચોક્કસપણે વધુ રન બનાવી શક્યા હોત પરંતુ મને નથી લાગતું કે કોઈ ખરાબ ક્રિકેટ રમ્યું હોય. બેટિંગ યુનિટ તરીકે અમારા માટે આ નિરાશાજનક દિવસ હતો.”.
ટર્નિંગ પિચ પર રમવાનુ પસંદ
ટર્ન લેતી પિચ પર રમવાના જોખમો વિશે વાત કરતા રાઠોડે કહ્યું કે ક્યારેક તેઓ પણ તેમાં પાછળ પડી શકે છે પરંતુ તે હંમેશા ટીમની તાકાત રહેશે. તેમણે કહ્યું, “ચોક્કસપણે બેટિંગ યુનિટ તરીકે તમે ક્યારેક આઉટ થઈ શકો છો પરંતુ અમે હજુ પણ ટર્નિંગ પિચ પર રમવાનું પસંદ કરીએ છીએ. આ અમારી તાકાત છે, એક યુનિટ તરીકે અમે આમાં ખૂબ જ મજબૂત છીએ. સાચું કહું તો તે તેના પ્રકારની અલગ વિકેટ છે.”
ભારતીય કોચે વધુમાં કહ્યું, “મને નથી લાગતું કે પ્રથમ બે મેચમાં વિકેટ ખરાબ હતી. તે કદાચ અમારી અપેક્ષા કરતાં થોડી સૂકી છે અને અમે પણ જોયું. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે તેના પર ઘણો વળાંક આવ્યો હતો, જે અપેક્ષા કરતા વધુ હતો.”
લીડ એ કોઈ મુદ્દો નથી
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બેટ્સમેનો તેમની વ્યૂહરચનાથી ભટક્યા છે, તો તેણે નકારાત્મક જવાબ આપ્યો અને કહ્યું, “એવું નથી. યોજના એવી હતી કે અમારા સંરક્ષણ પર આધાર રાખવો અને શક્ય તેટલા રન બનાવવા માટે લૂઝ બોલની રાહ જોવાની. તે એક એવો દિવસ હતો જ્યારે તમારો દરેક શોટ ફિલ્ડરોના હાથમાં જતો હતો. તે અમારા માટે નિરાશાજનક દિવસ હતો.”
કાંગારુઓને લીડ લેવા અંગે રાઠોડે કહ્યું કે, “લીડ લેવી એ મોટો મુદ્દો નથી કારણ કે આ પીચ પર તેમને ચોથી ઇનિંગ્સમાં પણ બેટિંગ કરવી પડશે. હવે પડકાર તેમને ઓછામાં ઓછા સ્કોર પર એકત્રિત કરવાનો રહેશે. અમારે બીજા દાવમાં સારો સ્કોર બનાવવો પડશે.”
પીચ તૈયાર કરવાને લઈ કહ્યુ આમ
તો બીજી તરફ પીચના મુદ્દાઓના સવાલ પર બેટિંગ કોચે કહ્યુ કે, “ક્યુરેટર્સને વિકેટ તૈયાર કરવા માટે ભાગ્યે જ સમય મળ્યો. અહીં રણજી સિઝન હતી અને મેચનો નિર્ણય લાંબા વિલંબ પછી લેવામાં આવ્યો હતો જેને ધર્મશાલાથી અહીં ખસેડવામાં આવી હતી. તેને પૂરતો સમય નહોતો મળ્યો.”