IND vs AUS : ‘દીકરાનો જન્મ થયો, હવે પર્થ જાવ…’ રોહિત શર્માને લઈને સૌરવ ગાંગુલીનું ચોંકાવનારું નિવેદન
રોહિત શર્માએ BCCIને પહેલા જ કહ્યું હતું કે બાળકના જન્મને કારણે તે પર્થમાં 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેની પત્ની રિતિકાએ 15 નવેમ્બરના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો, ત્યારબાદ આશા જાગી હતી કે રોહિત પર્થ ટેસ્ટમાં ભાગ લઈ શકે છે. પરતું તે પર્થ ટેસ્ટમાં નહીં રમે અને બીજી ટેસ્ટથી ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. રોહિતના પર્થમાં ન રમવા અંગે સુનીલ ગાવસ્કર બાદ હવે સૌરવ ગાંગુલીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. આ સમાચારે દરેક ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા છે, ત્યારે હવે દરેકના મનમાં સવાલ એ છે કે શું રોહિત પર્થ ટેસ્ટમાં રમવા માટે ઉપલબ્ધ થશે? હાલ તો આવું થતું હોય તેવું લાગતું નથી પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે રોહિત પર્થ ટેસ્ટ રમે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
રોહિત પર્થ ટેસ્ટ નહીં રમે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22મી નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને પ્રથમ મેચ પર્થમાં રમાવાની છે. જો કે આ માટે કેપ્ટન રોહિત ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો નથી. રોહિતે BCCIને પહેલા જ કહ્યું હતું કે બાળકના જન્મને કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહી શકે છે. બોર્ડે તેને આ માટે પરવાનગી પણ આપી હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પર્થ ટેસ્ટની ખૂબ જ નજીક રોહિતની પત્ની બાળકને જન્મ આપશે.
રોહિત હવે એડિલેડમાં રમશે
જો કે, હવે રોહિતના પુત્રનો જન્મ 15 નવેમ્બરે થયો હતો, જેના પછી આશા જાગી હતી કે કદાચ રોહિત પર્થ ટેસ્ટ રમશે પરંતુ એવું નથી BCCIના સૂત્રોના હવાલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય કેપ્ટને બોર્ડને જણાવ્યું હતું. કહેવાય છે કે પુત્રના જન્મ પછી તે થોડો સમય ફક્ત તેના પરિવાર સાથે જ વિતાવવા માંગે છે. આ નિર્ણયનું સન્માન કરતાં બોર્ડે રોહિતને પ્રથમ ટેસ્ટમાંથી પણ મુક્તિ આપી દીધી છે. રોહિત હવે એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાંથી વાપસી કરી શકે છે.
સૌરવ ગાંગુલીનું ચોંકાવનારું નિવેદન
હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જે કહ્યું તે થોડું ચોંકાવનારું છે. રેવસ્પોર્ટ્ઝને આપેલા ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાને રોહિતના નેતૃત્વની જરૂર છે કારણ કે તે એક ઉત્તમ કેપ્ટન છે. ગાંગુલીએ વધુમાં કહ્યું કે હવે પુત્રનો જન્મ થયો છે અને પર્થ ટેસ્ટ માટે હજુ એક સપ્તાહ બાકી છે, તેથી હવે રોહિત પર્થ જઈ શકે છે. ગાંગુલી અહીં જ ન અટક્યો અને કહ્યું – “ટેસ્ટ મેચમાં હજુ એક અઠવાડિયું બાકી છે અને જો તે રોહિતની જગ્યાએ હોત તો તે ટેસ્ટ રમવા માટે પર્થ ગયો હોત, કારણ કે આ એક મોટી ટેસ્ટ શ્રેણી છે અને તે ફરીથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરે.”
સુનીલ ગાવસ્કરે કહી મોટી વાત
ગાંગુલી પહેલો પૂર્વ ખેલાડી નથી જેણે આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ કંઈક આવું જ કહ્યું હતું. ગાવસ્કરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની 0-3થી હાર બાદ આગામી સિરીઝની શરૂઆતથી કેપ્ટનનું ત્યાં હોવું જરૂરી હતું. તેમણે એમ પણ કહ્યું કે જો રોહિત પહેલી ટેસ્ટ નહીં રમે અને સિરીઝની વચ્ચે આવે તો તેના સ્થાને આખી સિરીઝ માટે અન્ય કોઈ ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ.
આ પણ વાંચો: IND vs AUS : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રોહિત સાથે ઓસ્ટ્રેલિયા જશે આ સ્ટાર ખેલાડી, ટીમમાં સીધી એન્ટ્રી!