રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, રાજ્યસભા સાંસદે લીધો અધિકારીનો ઉધડો- Video
રાજકોટમાં સરકારી અનાજની ગુણવત્તા સામે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સવાલ ઉઠાવ્યા છે. રામ મોકરીયાએ કલેક્ટરને સડેલા અનાજના પુરાવા તરીકે સેમ્પલ આપ્યા અને રીતસરનો અધિકારીનો ઉધડો લીધો હતો. સાથે જ રોકડુ પરખાવ્યુ કે મોદી સરકારમાં આવુ બિલકુલ ચલાવી નહીં લેવાય.
સરકારી અનાજમાં સડો એ કંઈ નવી વાત નથી. અનેક જગ્યાએથી સડેલા અનાજની ફરિયાદો છાશવારે સામે આવતી રહે છે. ત્યારે હવે સરકારી અનાજની ગુણવત્તા સામે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જ સવાલ ઉઠાવ્યા છે. રામ મોકરિયાએ કલેક્ટરને સડેલા સરકારી અનાજના સેમ્પલ પણ પુરાવા તરીકે આપ્યા અને સરકારી અનાજમાં લોલમલોલ મુદ્દે રામ મોકરીયા રીતસરના અધિકારી પર બગડ્યા હતા. સાંસદે રોકડુ પરખાવ્યુ કે મોદી સરકારમાં આવુ બધુ નહીં ચાલે.
રામ મોકરીયાનો દાવો છે કે સરકારી અનાજ, સડેલુ હોય છે, તેમાં ભેળસેળ હોય છે, કાંતો પછી અનાજનું ગુણવત્તા હલકી હોય છે. દાવો એ પણ છે કે સડેલું અનાજ ખાઇને નાગરિકો બીમાર પડે છે. રાજ્યસભાના સાંસદની રજૂઆત બાદ કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. રામ મોકરીયાની માગ છે કે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ અને લોકોને સારૂ અનાજ મળવું જોઇએ.
હાલ સાંસદની બાદ ખરાબ સડેલા અનાજ માટે કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે કહ્યું છે કે સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.
ટ્રેન શરૂ કરવા બાબતે પોતાની જ સરકાર સામે જાહેરમાં મોકરિયાએ ઠાલવી હતી હૈયાવરાળ
આ અગાઉ પણ રામ મોકરીયાએ પોતાની જ સરકાર સામે જાહેરમાં હૈયાવરાળ ઠાલવી હતી. રાજકોટ ટ્રેન શરૂ કરવા મામલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના વલણ સામે તેમણે જાહેરમાં નારાજગી દર્શાવી હતી. રાજકોટ માટે જાહેર કરવામાં આવેલી ટ્રેનો શરૂ જ ન થતી હોવાની સાંસદે વ્યથા વ્યક્ત કરી છે.રામ મોકરિયાએ કહ્યું છે કે ટ્રેનોની જાહેરાત થાય છે પણ શરૂ નથી થતી. રાજકોટમાં અગાઉ જાહેર કરેલી 6 ટ્રેન શરૂ કરવા તેમણે રજૂઆત કરી હતી.. તત્કાલિન રેલવેમંત્રી દર્શનાબેન જરદોષે ટ્રેનની જાહેરાત કરી હતી પરંતુ તેમાંથી હજુ સુધી એકપણ ટ્રેન શરૂ નથી થઈ. રામ મોકરિયાના દિલનું દર્દ શબ્દોમાં બહાર આવી ગયુ કે જાહેર કરેલી આ ટ્રેન વહેલી શરૂ કરાવો પત્રકારો મને ટોણા મારે છે. સાથે જ તેમણે નેશનલ હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ટ્રેન શરૂ કરવા પણ ટકોર કરી.