બોપલના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગમાં લાગેલી આગની ચપેટમાં આવેલા અનેક ફ્લેટ્સને પારાવાર નુકસાન, મોડી રાત સુધી ચાલ્યુ રેસક્યુ ઓપરેશન- Video
અમદાવાદના બોપલમાં આવેલા ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગમાં બી વિંગના આઠમા માળે આગ લાગી હતી. આગ પર કાબુ કરવા અને અંદર રહેલા લોકોનું રેસક્યુ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યુ હતુ. આગ બુજાવવા માટે 12 જેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કરાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 22 માળ સુધી આગની જ્વાળાઓ પહોંચી હતી.
શુક્રવારે રાત્રે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલા ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગમાં બાળકો દેવ દિવાળી નિમીત્તે ફટાકડા ફોડવાની મજા માણી રહ્યા હતા. એ જ સમયે કુદરતને જાણે આ મંજૂર ન હોય તેમ હસી-ખુશીની આ પળો એકાએક દોડાદોડી, ચીસાચીસ અને અફરતફરીમાં ફેરવાઈ ગઈ હતી. કારણ હતુ બિલ્ડીંગના M વિંગમાં આઠમા માળે લાગેલી એ ભીષણ આગ. M વિંગમાં 8મા માળે ઈલેક્ટ્રીક ડકમાં અચાનક આગ લાગી અને આગે જોતજોતામાં વિકારળ સ્વરૂપ ધારણ કર્યુ અને 8મા માળેથી 22 મા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
કેવી રીતે લાગી હતી આગ?
ઈસ્કોન પ્લેટિનમમાં ગત રાત્રે શોર્ટ સર્કિટના થતા ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં પ્રસરીને 8માં માળથી 22માં માળ સુધી પહોંચી હતી. જેમાં એક 65 વર્ષિય મહિલાનું મોત થયુ હતુ. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. કોલ મળતા 12 ફાયર ટેન્ડર્સ આગ બુજાવવા માટે દોડી આવ્યા હતા અને મોડી રાત સુધી આગ બુઝાવવાની તેમજ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી. પોલીસના જવાનો અને ફાયર બ્રિગેડ દ્વારા 200 લોકોનું રેસક્યુ કરાયુ હતુ. 20 જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ધુમાડાને કારણે લોકો અનકોન્શ્યસ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હોવાથી દરેક ફ્લોર પર વુડન ફર્નિચરને વધુ પ્રસરી હતી. જેના કારણે અનેક લોકો ઘરમાંથી બહાર નીકળી શક્તા ન હતા. આથી ફાયર બ્રિગેડે સૌપ્રથમ રેસક્યુની કામગીરી કરી હતી અને 100 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢ્યા હતા.
આગમાં અનેક ફ્લોરને પારાવાર નુકસાન, અનેક ઘરની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ
M વિંગમાં 8માં માળે ઈલેક્ટ્રીક ડકમાં લાગેલી આગ જોતજોતામાં અનેક ફ્લેટમાં પ્રસરી હતી અને ઘરની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. સ્થાનિકોને હાલ તેમના ઘરમાં જવાની પણ મનાઈ કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકો માટે ક્લબ હાઉસ, બેન્કવેટ હોલ અને યોગરૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 60 થી વધુ અસરગ્રસ્ત માટે અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
બહુમાળી અને રેસિડેન્શ્યિલ બિલ્ડીંગ હોવાથી આગ પર કાબુ કરવામાં પડી ભારે મુશ્કેલી
ફાયરકર્મીના જણાવ્યા મુજબ આગ પર કાબુ કરવામાં તેમને ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. કારણે બહુમાળી ઈમારતમાં અનેક ફ્લોર પર સ્થાનિકો ફસાયેલા હતા. તેમને સૌપ્રથમ આગમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી. ઈમારત બહુમાળી હોઈ આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આગની ઘટનાઓ વચ્ચે બહુમાળી ઈમારતોની મંજૂરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 35 માળની ઈમારતોને મંજૂરી અપાઈ છે. જેમા 35મા માળે આગ લાગે તો ફાયર વિભાગ પાસે વ્યવસ્થા છે ખરી તે પણ સવાલ કોર્પોરેશન સામે ઉઠી રહ્યા છે. બહુમાળી ઈમારતોમાં લાગેલી આગમાં બચાવ કામગીરી માટે કોર્પોરેશન પાસે શું બેકઅપ પ્લાન છે તે સવાલ પણ આ આગની ઘટના બાદ ઉઠી રહ્યા છે.