એક તરફ કોરોના મહામારી દેશના 84 ટકા પરિવારો માટે સમસ્યા બનીને ઉભરી છે, ત્યારે શ્રીમંતો માટે મહામારી વરદાન સમાન હતી. કોરોના દરમિયાન દેશના અબજોપતિઓની સંપત્તિ બમણીથી વધુ થઈ હતી અને તેમની સંખ્યા 39 ટકા વધીને 102થી 142 થઈ ગઈ. દેશના 10 સૌથી ધનિક લોકોની વાત કરીએ તો તેમની પાસે એટલા પૈસા છે કે તેઓ 25 વર્ષ સુધી દેશના બાળકોની શાળા અને ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાઈ શકે છે. સંપત્તિની અસમાનતા પર Oxfamના અહેવાલ પ્રમાણે 142 ભારતીય અબજોપતિ પાસે રૂ. 53 લાખ કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે તેમાંથી સૌથી ધનિક 98 લોકો પાસે હવે ભારતના સૌથી ગરીબ 40 ટકા એટલે કે 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ છે.
એનજીઓ Oxfam Indiaના રિપોર્ટ ‘Inequality Kills’માં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્તિ વર્ષ 2021માં 57.3 લાખ કરોડની ટોચે પહોંચી ગઈ છે. ઓક્સફેમે સ્વિટ્ઝર્લેન્ડના Davosમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન એજન્ડા સમિટના પહેલા દિવસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોના મહામારીને કારણે દેશના 84 ટકા પરિવારોએ જીવન અને આજીવિકા ગુમાવવાના કારણે તેમની આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના 98 અબજોપતિઓ પરના વેલ્થ ટેક્સમાં એક ટકાનો વધારો કરવામાં આવે તો દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારતનો ખર્ચ સાત વર્ષથી વધુ સમય માટે નીકળી જશે. જ્યારે 10 સૌથી અમીર લોકો પર એક ટકાનો વધારાનો ટેક્સ લગાવવામાં આવે તો 17.7 લાખ વધારાના ઓક્સિજન સિલિન્ડર આપી શકાય છે. મહામારીની બીજી વેવ દરમિયાન જ્યારે દેશમાં ઓક્સિજન સિલિન્ડરની ભારે અછત હતી, ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોની મફત સારવાર કરવામાં આવી હતી.
ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે રિપોર્ટ અસમાનતાની કઠોર વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે. આ અસમાનતા સમગ્ર વિશ્વમાં દરરોજ 21,000 લોકોને મૃત્યુ તરફ ધકેલી દે છે, જેનો મતલબ છે કે દર ચાર સેકન્ડે એક વ્યક્તિનું Wealth Inequalityના લીધે મૃત્યુ નીપજે છે.