બોલિવુડની ક્વિનથી જાણીતી કંગણા રણૌત બાદ હવે રાજાબાબુની રાજકારણમાં રિએન્ટ્રી થઈ છે. રાજાબાબુ ફિલ્મમાં ડૉક્ટર, એક્ટર, રાજાનેતા સહિતના અનેક કિરદાર નિભાવનારા ગોવિંદા હવે રિયલ લાઈફમાં પણ ફરી રાજનેતા બનવા જઈ રહ્યા છે. બોલિવુડમાં રાજાબાબુથી પ્રચલિત થયેલા અભિનેતા ગોવિંદાની ફરી રાજકારણમાં એન્ટ્રી થઈ છે. ગોવિંદા આજે શિંદે જૂથની શિવસેના પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવી પણ ખબરો મળી રહી છે કે ગોવિંદા ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ વખતે તેમને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડાવે તેવા સંકેત મળી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર ઉમેદવાર છે. તેમની સામે ગોવિંદાને શિંદેજૂથ મેદાને ઉતારી શકે છે.
રાજકારણમાં ગોવિંદાની આ પ્રથમ ઈનિંગ નથી. 2004માં ગોવિંદા ઉત્તરી મુંબઈ લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. ઉત્તરી મુંબઈ લોકસભા બેઠક પારંપારિક રીતે ભાજપનો ગઢ ગણાય છે. જેમા બોરીવલી, દહિસર, મગાથેન કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ પશ્ચિમ વિધાનસભા વિસ્તાર સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભાજપે મંડીથી અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી છે અને તેમના નામની જાહેરાત થતા જ તે પ્રચારમાં લાગી ગઈ છે.
આજના ઘટનાક્રમ પર નજર કરીએ તો સૌપ્રથમ શિવસેનાના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે ગોવિંદાને મળ્યા હતા. આ બેઠક બાદ ગોવિંદા શિંદેજૂથની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડવા માટે ગોવિંદાનું નામ ચર્ચાઈ રહ્યુ છે જ્યાથી ઉદ્ધવ જૂથે અમોલ કિર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે. જો કે કોંગ્રેસના સંજય નિરૂપમ તેનાથી નારાજ છે કે યુબીટીએ કોંગ્રેસની સીટ પર ઉમેદવારને તેમના ઉમેદવારને ઉભા રાખ્યા છે. જો કે ચૂંટણી લડવાને લઈને ગોવિંદાએ હજુ તેના પત્તા ખોલ્યા નથી પરંતુ હાલ ચર્ચા તો એવી જ છે કે શિવસેના ગોવિંદાને ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી શકે છે.
Published On - 6:54 pm, Thu, 28 March 24