વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)રવિવારે રામજન્મભૂમિ ખાતે રામ લલ્લાના(Ram Lalla)દર્શન કરીને પૂજન કર્યું હતું. રામ મંદિરના (Ram mandir)નિર્માણ માટે 5 ઓગસ્ટ, 2020 ના રોજ ‘ભૂમિ પૂજન’ કર્યા પછી વડાપ્રધાને પ્રથમ વાર અયોધ્યાની મુલાકાત લીધી છે. તેમજ દીપોત્સવની ઉજવણી માટે અયોધ્યા પહોંચ્યા પછી તરત જ વડા પ્રધાન રામ મંદિર ગયા અને રામ લલ્લાના દર્શન કર્યા હતા. અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રામ મંદિરમાં દીવા પ્રગટાવ્યા હતા અને ભગવાન રામની મૂર્તિઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ તેમણે આરતી ઉતારી હતી.
જ્યારે મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે વડાપ્રધાનના કપાળ પર તિલક લગાવ્યું. મોદીએ મંદિરના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. મોદીએ ત્યાં દીવા પ્રગટાવ્યા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મંદિરની પ્રગતિ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ નિર્માણ કાર્યની સમીક્ષા કરી અને મંદિરના નિર્માણ કાર્યમાં રોકાયેલા લોકો સાથે વાતચીત કરી.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે મોદી રામ કી પૌડી ખાતે 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી બનશે તેમજ સાથે સરયૂ કિનારે ભવ્ય મ્યુઝિકલ લેસર શો પણ નિહાળશે. વડા પ્રધાન સરયુના કિનારે ‘આરતી’માં હાજરી આપશે, જે પછી દીપોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. અયોધ્યા મંડલના કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું કે રામ કી પૌડીમાં 22,000 સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું. રામલલાના દર્શન કરીને અયોધ્યા પરત ફરેલા ભગવાન રામનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે રાજ્યાભિષેક કર્યો હતો. આ પછી કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યાના દરેક કણમાં ભગવાન રામનું દર્શન સમાયેલા છે.
તેમણે કહ્યું કે અયોધ્યાની રામલીલા, સરયુ આરતી, દીપોત્સવ દ્વારા આ દર્શન આખી દુનિયામાં ફેલાઈ રહ્યા છે. પીએમે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ દિવાળીએ આપણે સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના અમૃત કાળમાં ભગવાન રામ જેવી ઈચ્છાશક્તિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
અયોધ્યા શહેરમાં લગભગ 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દિપોત્સવ માટે દીવાને શણગારવા માટે સવારથી જ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. અયોધ્યામાં દિવાળી પર ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે
Published On - 7:55 pm, Sun, 23 October 22