લોકસભા ચૂંટણી 2024નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપે આજે તેમના 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમા ગુજરાતની 26 પૈકી 15 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા છે અને મધ્યપ્રદેશની 24 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઈ છે. જેમા પીએમ મોદી સતત ત્રીજીવાર બનારસથી ચૂંટણી લડવાના છે. જ્યારે રાજનાથસિંહ લખનઉથી ચૂંટણી લડવાના છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો યુપીમાં ભાજપે આ પ્રથમ યાદીમાં 4 મહિલાને ટિકિટ આપી છે. જેમા અમેઠીથી સ્મૃતિ ઈરાનીને સતત ત્રીજીવાર રિપીટ કરાયા છે. તો મથુરાથી હેમામાલિનીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. લખનઉથી રાજનાથસિંહને ફરી રિપીટ કરવામાં આવ્યા છે.
અમરોહા સીટ પર 2014માં સાંસદ રહેલા કંવરસિંહ તંવર પર ફરી વિશ્વાસ મુક્યો છે. જેને 2019ની લોકસભા ચૂંટણીમાં બસપાની ટિકિટ પર દાનિશ અલી જીત્યા હતા. ગુર્જર મતના સમીકરણને જોતા ભાજપે કંવરસિંહ તંવર પર વિશ્વાસ મુક્યો છે. ભાજપે સંભલથી પરમેશ્વર સૈનીને મેદાને ઉતાર્યા છે. 2014માં મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકથી સત્યપાલ સૈની જીતવામાં સફળ રહ્યા હતા જેને જોતા ફરી એકવાર સૈની પર દાવ ખેલવામાં આવ્યો છે. જો કે આ વખતે ચહેરો બદલી દેવાયો છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ સંજીવ બાલિયાનને મુઝફ્ફરનગર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. વર્ષ 2012થી મુઝફ્ફરનગર જિલ્લાની રાજનીતિમાં સક્રિય ડૉ સંજીવ બાલિયાન પહેલીવાર 2014માં લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બાલિયાને ઐતિહાસિક લીડથી જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2019માં કેમણે તત્કાલિન રાલોદ અધ્યક્ષ અજીતસિંહને હરાવ્યા હતા. આ જ કારણથી કેન્દ્રએ તેમને બીજીવાર મંત્રી પણ બનાવ્યા હતા. આ વખતે રાલોદ સાથે ગઠબંધન થયા બાદ ફરી મુઝફ્ફરનગર સીટને લઈને કયાસ લગાવાઈ રહ્યા હતા. જો કે ભાજપે બાલિયાનને જ રિપીટ કર્યા છે.
ભાજપે કૈરાના લોકસભા બેઠક પરથી સાંસદ પ્રદીપ ચૌધરી પર બીજીવાર વિશ્વાસ મુક્તા તેમને ઉમેદવાર બનાવ્યા છે. પ્રદીપ ચૌધરીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સપાના ઉમેદવાર તબસ્સુમ હસનને હરાવ્યા હતા. સમાજવાદી પાર્ટી તરફથી હસન પરિવારની દીકરી ઈકરા હસનને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પ્રદીપ ચૌધરી નુકુડ અને ગંગોહ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. જો કે ભાજપમાંથી કૈરાના સીટ પર અન્ય સંભવિત ઉમેદવારો દાવેદારી કરી રહ્યા હતા.
સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી રામપુર લોકસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. એક સમયના સમાજવાદી પાર્ટીના કદાવર નેતા ગણાતા આઝમખાનના ગઢમાં 8 વર્ષ બાદ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ લોધીએ સપાના આસિમ રજાને હરાવ્યા હતા.
રામપુર લોકસભા બેઠક વર્ષ 2019માં સપાના દિગ્ગજ મુસ્લિમ નેતા આઝમખાન સાંસદ ચૂંટાયા હતા. આઝમ ખાન આ વખતે વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ. જે બાદ રામપુર પર પેટાચૂંટણી થઈ હતી. રામપુર લોકસભા સીટ અંતર્ગત પાંચ વિધાનસભા સીટ આવે છએ. જેમા રામપુર, સ્વાર અને ચમરૌઆ સીટ મુસ્લિમ બહુલતા ધરાવતી બેઠકો છે. આ ત્રણેય બેઠકો પર 50 ટકા મુસ્લિમો છે. રામપુર સીટ પર 63 ટકા, સ્વાર સીટ પર 55 ટકા અને ચમરૌઆ સીટ પર 53 ટકા મુસ્લિમ મતદાતા છે.
રામપુર માટે ઘનશ્યામ લોધી નવું નામ નથી. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેમની રાજનીતિની શરૂઆત પણ ભાજપથી થઈ હતી. એ સમયે તેઓ યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહની ખૂબ નજીક ગણાતા હતા. આ ઉપરાંત તેઓ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પણ હતા. વર્ષ 1999માં તેઓ બીજેપી છોડીને બસપામાં જોડાયા અને લોકસભાની ચૂંટણી પણ લડી, પરંતુ જીતી શક્યા નહીં. ત્યારે ઘનશ્યામ ત્રીજા નંબરે રહ્યા હતા
જ્યારે કલ્યાણ સિંહે ભાજપ છોડીને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીની બનાવી ત્યારે ઘનશ્યામ લોધી પણ તેમાં જોડાયા હતા. 2004માં ઘનશ્યામ લોધીને તેનો પુરસ્કાર મળ્યો હતો. રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીએ સપા સાથે ગઠબંધન કરીને ઘનશ્યામને બરેલી-રામપુર એમએલસી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા.તે પણ તે જીત્યા હતા.
રામપુરમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ લોધી, સૈની અને દલિત મતદારોની સંખ્યા પણ ઘણી છે. કહેવાય છે કે ઘનશ્યામ લોધીની આ જ્ઞાતિઓ પર સારી પકડ ધરાવે છે. આ સિવાય અન્ય ઓબીસી અને જનરલ કેટેગરીએ પણ ભાજપને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના નેતા અને 2019ના લોકસભા ઉમેદવાર નવાબ કાઝિમ અલી ખાને પણ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં તેમના સમર્થકો પણ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. અખિલેશ-આઝમની લડાઈનો ફાયદો પણ ઘનશ્યામ લોધીને થયો. અખિલેશ યાદવે પેટાચૂંટણીમાં પોતાને પ્રચારથી દૂર રાખ્યા હતા, જેની અસર પરિણામોમાં જોવા મળી હતી.
Published On - 9:49 pm, Sat, 2 March 24