ગુજરાતમાં આવેલું આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી હવે ભગવાન શિવનો વસ્ત્ર પ્રસાદ પણ મેળવી શકાશે. સોમનાથ મહાદેવના ભક્તો હવે સોમનાથ મંદિરમાંથી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર ભક્તો ઓર્ડર કરીને મહાદેવના પીતાંબર, મંદિરની ધજા અને માતાજીની સાડીનો પ્રસાદ મેળવી શકશે. આ વ્યવસ્થાને કારણે ઘેર બેઠા ભક્તો સોમનાથ જ્યોતિર્લિંગને સ્પર્શ કરેલા અને શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે ઓર્ડર કરી શકશે. સાથે મહાદેવને અર્પણ કરાયેલા વસ્ત્રોમાંથી બનેલ વેસ્ટકોટ પણ ઓનલાઇન ઓર્ડર કરી શકશે. આ મહિનાની માસિક શિવરાત્રિના પાવન પર્વના દિવસે ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદ્યશક્તિ પીઠના મહંત સ્વામી અને સોમનાથ ટ્રસ્ટના સચિવ સહિતના અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
સોમનાથ મંદિરે પ્રતિ વર્ષ લાખો દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે, પરંતુ દર્શન કરનારા કરોડોની સંખ્યામાં છે. વિશ્વના 45 જેટલા દેશોમાં તેમજ પ્રતિ માસ કરોડો ભાવિકો સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મંદિરના દર્શન કરે છે. 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઈ-દર્શનની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભકતો ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી દર્શન કરે છે વર્ષ 2021 માં સોમનાથના સોશિયલ મીડિયા 77 કરોડ 79 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ગત જુલાઇ 2022માં 9 કરોડ 68 લાખ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મીરરલેસ ટેકનોલોજી વાળા કેમેરાથી મંદિરનું સોશ્યિલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરાય છે. આ અત્યાધુનિક કીટમાં ફૂલ ફ્રેમ મીરરલેસ કેમેરા, હાઈટેક ગીંબલ, ટ્રાઈપોડ ફોકસ લાઇટ્સ, ગ્રીન સ્ક્રીન, સહિતના ઉપકરણ વસાવાયા છે જેનાથી ભક્તોને સોશ્યલ મીડિયા પર હાઇ ડેફિનેશન ફોટો અને વીડિયો મળે છે.
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ દર્શને આવે છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિશ્વ સ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ ભક્તોને ઘરે બેઠા પ્રતિદિન સોમનાથ મહાદેવના દર્શનનો લાભ મળી શકે તેના માટે વર્ષ 2015 થી સોશિયલ મીડિયા દ્વારા ઇ-દર્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે ત્યારે હવે મંદિરના પ્રસાદની સાથે સાથે ભગવાનના વસ્ત્રોનો પ્રસાદ પણ ઓનલાઇન સરળતાથી મળી શકશે.
વિથ ઇનપુટ ક્રેડિટ, યોગેશ જોષી, ટીવી9 ગીર સોમનાથ
Published On - 1:03 pm, Thu, 22 December 22